<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 21st August 2026

સ્માર્ટફોન પ્રેમીઓ માટે મોટા ઝટકા સમાન સમાચાર: સેમસંગ, વનપ્લસ, વિવો અને ઓપ્પો સહિતની તમામ દિગ્ગજ બ્રાન્ડ્સે ફોનના ભાવમાં કર્યો મસમોટો વધારો!

મેમરી ચિપસેટ અને સ્પેરપાર્ટ્સ મોંઘા થતાં ઉત્પાદન ખર્ચ વધ્યો: આગામી દિવસોમાં મોબાઈલના ભાવ હજુ 10 ટકા સુધી વધવાની દહેશત

રાજકોટ, તા.21: જો તમે પણ આગામી દિવસોમાં નવો સ્માર્ટફોન ખરીદવાની યોજના બનાવી રહ્યા હોવ, તો આ સમાચાર તમારા બજેટ પર સીધો મોટો ફટકો મારી શકે છે. વૈશ્વિક સ્તરે મેમરી ચિપસેટ, સેમિકન્ડક્ટર અને અન્ય મહત્વપૂર્ણ પાર્ટ્સની કિંમતોમાં સતત થઈ રહેલા અણધાર્યા વધારાને કારણે મોબાઈલ બનાવતી કંપનીઓ પર પ્રોડક્શન કોસ્ટનું ભારે દબાણ સર્જાયું છે. જેના પરિણામે, રિયલમી, ઓપ્પો, વિવો, સેમસંગ અને વનપ્લસ જેવી લોકપ્રિય બ્રાન્ડ્સે પોતાના વિવિધ સ્માર્ટફોન મોડલ્સના ભાવમાં તુરંત અસરથી તગડો વધારો ઝીંકી દીધો છે.

ઉત્પાદન ખર્ચ વધવાના કારણે કંપનીઓના પ્રોફિટ માર્જિનમાં ભારે ઘટાડો થઈ રહ્યો હતો, જેથી કંપનીઓએ હવે વધેલા ઉત્પાદન ખર્ચનો અમુક હિસ્સો સીધો જ ગ્રાહકો પર નાખવાનું શરૂ કરી દીધું છે. Counterpoint Research ના રિપોર્ટ મુજબ, ચાલુ વર્ષે એપ્રિલથી જુલાઈ દરમિયાન સ્માર્ટફોનનું વેચાણ મોટાભાગે નીચું રહ્યું હતું. મોટો ઓનલાઈન સેલ દરમિયાન વેચાણમાં થોડો સુધારો થયો હતો, પરંતુ ઓફર પૂરી થતાં જ વેચાણ ફરી મંદ પડી ગયું છે.


કઈ બ્રાન્ડે કેટલો ભાવવધારો કર્યો?
•    સેમસંગ (Samsung): સૌથી મોટો આંચકો સેમસંગના ગ્રાહકોને લાગ્યો છે, જ્યાં Galaxy S25 મોડલના એક વેરિઅન્ટમાં ₹12,000 સુધીનો ભાવવધારો કરવામાં આવ્યો છે. આ સાથે સેમસંગની M-સિરીઝ અને F-સિરીઝ પણ મોંઘી થઈ છે.

•    ઓપ્પો (Oppo): ઓપ્પોના પ્રીમિયમ રિનો (Reno) અને લોકપ્રિય A-સિરીઝના મોડલ્સ ₹5,000 સુધી મોંઘા થઈ ગયા છે.

•    રિયલમી (Realme): રિયલમીએ તેના પસંદગીના સ્માર્ટફોન મોડલ્સની કિંમતમાં ₹1,000થી ₹4,000 સુધીનો વધારો કર્યો છે.

•    વનપ્લસ (OnePlus): વનપ્લસે પણ મેમરીની કિંમતો વધવાને કારણે પોતાના મોડલ્સમાં ₹2,000થી ₹4,000 સુધીનો વધારો કર્યો છે.

•    વિવો (Vivo): વિવોએ પણ વિવિધ વિસ્તારોમાં પોતાના મોડલ્સ પર ₹500થી ₹4,000 સુધીની કિંમત વધારી છે.

ભાવવધારો અહીં અટકશે નહીં: હજુ 10% સુધી કિંમત વધવાની શક્યતા
મોબાઈલ માર્કેટના નિષ્ણાતોના જણાવ્યા મુજબ, સ્માર્ટફોનની કિંમતોમાં ભાવવધારાનો આ સિલસિલો હજુ અટકવાનો નથી. 2026ની બીજી ત્રિમાસિકના અંત સુધીમાં સ્માર્ટફોનની સરેરાશ કિંમતમાં આશરે 15 ટકાનો વધારો નોંધાઈ ચૂક્યો હતો. Counterpoint Research અનુસાર, એપ્રિલથી જુલાઈ દરમિયાન અસરગ્રસ્ત મોડલ્સની કિંમતમાં સરેરાશ ₹3,200નો વધારો થયો છે. જો મેમરી અને પાર્ટ્સના ભાવ આમ જ વધતા રહેશે, તો આગામી મહિનાઓમાં સ્માર્ટફોન હજુ 7થી 10 ટકા સુધી મોંઘા થઈ શકે છે.


ગ્રાહકો માટે સલાહ: અત્યારે ફોન ખરીદવો કે તહેવારોના સેલની રાહ જોવી?
જો તમને અત્યારે તાત્કાલિક નવો ફોન ખરીદવાની જરૂર હોય, તો માત્ર ભાવવધારાના ડરથી ખરીદી ટાળવાની જરૂર નથી. પરંતુ જો ખરીદી તાત્કાલિક ન હોય, તો આગામી તહેવારી સીઝન (ફિસ્ટિવલ સેલ) સુધી રાહ જોવી વધારે ફાયદાકારક રહેશે. તહેવારો દરમિયાન કંપનીઓ દ્વારા ડિસ્કાઉન્ટ, બેંક ઓફર્સ, એક્સચેન્જ બોનસ અને નો-કોસ્ટ EMI જેવી સ્કીમ્સ આપવામાં આવે છે, જેથી વધેલા ભાવ સામે ગ્રાહકોને થોડી રાહત મળી શકે છે.

(4:32 PM IST)