<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 21st August 2026

કુદરત અને આસ્થાનો અદ્ભુત સંગમ: મહારાષ્ટ્રના 'શિવધારા' તરીકે ઓળખાતા રત્નાગિરીના પ્રસિદ્ધ માર્લેશ્વર શિવ મંદિરના થશે કાયાકલ્પ!

સહ્યાદ્રીના પહાડો વચ્ચે ગુફામાં બિરાજતા ભોળાનાથના ધામ અંગે મુખ્યમંત્રી ફડણવીસે કરી મોટી જાહેરાત: વારસાના જતન સાથે પ્રવાસન વિકાસ પર મુકાયો ભાર

રત્નાગિરી, તા.૨૧: મહારાષ્ટ્રના રમણીય કોંકણ વિસ્તારમાં અને સહ્યાદ્રી પર્વતમાળાઓની વચ્ચે આવેલું પવિત્ર માર્લેશ્વર શિવ મંદિર સમગ્ર રાજ્યના શ્રદ્ધાળુઓ માટે આસ્થા અને આધ્યાત્મિકતાનું મોટું કેન્દ્ર છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે શુક્રવાર, ૨૧ ઓગસ્ટના રોજ સોશિયલ મીડિયા પર આ પવિત્ર ધામની તસવીર શેર કરતા તેને મહારાષ્ટ્રનું "શિવધારા" ગણાવ્યું છે. મુખ્યમંત્રીએ સ્પષ્ટ કર્યું હતું કે માર્લેશ્વરના ધાર્મિક અને ઐતિહાસિક વારસાને સુરક્ષિત રાખીને અહીં પ્રવાસીઓ માટે સુવિધાઓનો વિકાસ કરવામાં આવશે. 


કુદરતી ગુફા અને અદભુત ધોધનું નયનરમ્ય સ્થાન
માર્લેશ્વર શિવ મંદિર રત્નાગિરિ જિલ્લાના સંગમેશ્વર તાલુકામાં આવેલું એક અનોખું ધામ છે. સામાન્ય મંદિરોથી અલગ, આ પવિત્ર શિવલિંગ પર્વતોની વચ્ચે કુદરતી રીતે બનેલી એક ગુફાની અંદર સ્થાપિત છે. ભક્તો માટે આ મંદિરની યાત્રા અત્યંત રોમાંચક છે: 


•    કુદરતી ગુફા: પહાડોને કોતરીને બનેલી ગુફામાં બિરાજમાન સ્વયંભૂ શિવલિંગ દર્શન માટે મુખ્ય આકર્ષણ છે. 

•    ધારધારા ધોધ: મંદિર નજીક આવેલો ધસમસતો ધારધારા ધોધ ખાસ કરીને ચોમાસાની ઋતુમાં પ્રવાસીઓ અને શ્રદ્ધાળુઓને મંત્રમુગ્ધ કરે છે. 

•    પગથિયાં અને હરિયાળી: મંદિર સુધી પહોંચવા માટે ભક્તોએ ચો તરફ છવાયેલી લીલીછમ વનરાજી વચ્ચેથી પગથિયાં ચડીને જવું પડે છે. 

આધ્યાત્મિક વારસો અને પ્રવાસન ક્ષેત્રે વિકાસ
અંબાઝારી તળાવના સંરક્ષણ બાદ મુખ્યમંત્રી ફડણવીસે માર્લેશ્વરના વિકાસ પર ભાર મૂકતા જણાવ્યું કે, આ ક્ષેત્રની પ્રાકૃતિક સુંદરતા અને પવિત્રતા જળવાઈ રહે તે સાથે જ આધુનિક સુવિધાઓ વિકસાવવામાં આવશે. 

મહાશિવરાત્રી અને શ્રાવણ માસ દરમિયાન અહીં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. ધાર્મિક મહત્વ અને પ્રકૃતિના સૌંદર્યનો આ અદ્ભુત સમન્વય આવનારા દિવસોમાં કોંકણ પ્રવાસન માટે નવી ઊંચાઈઓ સર કરશે.

(4:33 PM IST)