<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 21st August 2026

સંસદ માર્ગ પોલીસ સ્ટેશન બહાર રાહુલ ગાંધીના ધરણા પર જેપી નડ્ડાનો આકરો પ્રહાર: "આ સસ્તી અને પબ્લિસિટી સ્ટંટની રાજનીતિ, મીડિયામાં છવાયેલા રહેવા માટે જ નાટક!"

જંતર-મંતર ખાતે વિદ્યાર્થી વિરોધ પ્રદર્શન દરમિયાન પેલેટ ગનથી ઘાયલ યુવકના મુદ્દે FIR ની માંગ સાથે લોકસભામાં વિપક્ષના નેતા બેઠા ધરણા પર; સર્વોચ્ચ અદાલતની તપાસ સમિતિ છતાં રાજકારણ રમવાનો ભાજપ પ્રમુખનો ગંભીર આરોપ.

નવી દિલ્હી, તા.૨૧: મુંબઈ અને દિલ્હીના રાજકીય વર્તુળોમાં આજે ત્યારે ગરમાવો આવી ગયો જ્યારે કેન્દ્રીય મંત્રી અને ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જે.પી. નડ્ડાએ લોકસભામાં વિપક્ષના નેતા (LoP) રાહુલ ગાંધી સામે જોરદાર મોરચો ખોલ્યો. સંસદ માર્ગ પોલીસ સ્ટેશન બહાર રાહુલ ગાંધી દ્વારા કરવામાં આવેલા ધરણા પ્રદર્શન પર તીખી પ્રતિક્રિયા આપતા નડ્ડાએ તેને "સસ્તી અને પબ્લિસિટી સ્ટંટ આધારિત રાજનીતિ" ગણાવી હતી. રાહુલ ગાંધી ૨૦ જુલાઈના રોજ જંતર-મંતર ખાતે વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શન દરમિયાન પેલેટ ગનથી ગંભીર રીતે ઘાયલ થયેલા સાહિલ લોચાવ નામના યુવકની લેખિત ફરિયાદ પર FIR નોંધવાની માંગ સાથે પોલીસ સ્ટેશન બહાર બેઠા હતા.

 

જે.પી. નડ્ડાએ રાહુલ ગાંધીના આ કદમ પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે, "સમગ્ર દેશ જોઈ રહ્યો છે કે રાહુલ ગાંધી મીડિયાનું ધ્યાન ખેંચવા માટે કયા સ્તરની રાજનીતિ કરી રહ્યા છે. તેમનો આ વિરોધ વિદ્યાર્થીઓના હિત કે ન્યાય માટે નથી, પરંતુ કોંગ્રેસ પાર્ટીની રાજકીય હતાશા અને તેમની હેડલાઇન્સમાં રહેવાની ભૂખનું પ્રતીક છે."

 

સુપ્રીમ કોર્ટની કમિટી છતાં કેમેરા-કેન્દ્રિત નાટક?

 

નડ્ડાએ વધુમાં સવાલ ઉઠાવ્યો હતો કે દેશની સર્વોચ્ચ અદાલતે (સુપ્રીમ કોર્ટ) આ ઘટનાની તપાસ માટે ભૂતપૂર્વ ન્યાયાધીશની અધ્યક્ષતામાં પાંચ સભ્યોની ઉચ્ચ-સ્તરીય સમિતિની રચના કરી દીધી છે, છતાં રાહુલ ગાંધી કેમેરા સામે બેસીને શું સાબિત કરવા માંગે છે? શું વિપક્ષના નેતાને દેશની ન્યાયપ્રણાલી પર વિશ્વાસ નથી? તેમણે આક્ષેપ કર્યો કે રાહુલ ગાંધી માત્ર પોતાને સમાચારમાં રાખવા માટે 'કેમેરા-કેન્દ્રિત' નાટક કરી રહ્યા છે.

 

રાહુલ ગાંધીનો ગંભીર આરોપ અને AIIMS નો રિપોર્ટ

 

બીજી તરફ, સંસદ માર્ગ પોલીસ સ્ટેશન ખાતેથી વાતચિત કરતા રાહુલ ગાંધીએ દાવો કર્યો હતો કે ૨૦ જુલાઈના રોજ બનેલી ઘટના દરમિયાન વિદ્યાર્થીઓ પર પેલેટ ગનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તેમણે એઈમ્સ (AIIMS) ના રિપોર્ટનો હવાલો આપતા જણાવ્યું હતું કે, ઘાયલ સાહિલ લોચાવના શરીરમાં ૨૦૦ થી વધુ પેલેટના છરા વાગ્યા છે, જેમાંથી ૩ છરા તેની આંખમાં વાગવાથી તેણે એક આંખની દ્રષ્ટિ ગુમાવી દીધી છે. આ સિવાય તેના હૃદયની નજીક પણ છરા હોવાથી તેની સ્થિતિ નાજુક છે અને આ બાબતે પોલીસ તુરંત ગુનો નોંધી કાર્યવાહી કરે તેવી તેમની માંગ છે.

(4:47 PM IST)