<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 21st August 2026

મુંબઈ ૨૬/૧૧ આતંકવાદી હુમલા કેસમાં મોટો વળાંક: પાકિસ્તાનમાં છુપાયેલા ૬ ફરાર આતંકીઓ સામે ગેરહાજરીમાં ચાલશે કેસ, ટ્રાયલની તૈયારીઓ અંતિમ તબક્કામાં!

ખાસ સરકારી વકીલ ઉજ્જવલ નિકમે કોર્ટમાં રજૂ કર્યો વચગાળાનો અહેવાલ; નવા કાયદા હેઠળ ઇન્ટરપોલ દ્વારા સમન્સ બજાવવાની અને કાનૂની કાર્યવાહી ઝડપી બનાવવાની કવાયત.

મુંબઈ, તા.૨૧: મુંબઈ પર થયેલા ભયાનક ૨૬/૧૧ આતંકવાદી હુમલાના કેસમાં ૧૮ વર્ષ બાદ એક અત્યંત મહત્વનો અને મોટો કાનૂની વળાંક આવ્યો છે. મુંબઈ પોલીસે શુક્રવારે આ કેસમાં મોસ્ટ વોન્ટેડ એવા ૬ ફરાર આરોપીઓ સામે ઘોષણાપત્ર (Proclamation) બજાવવાની પ્રક્રિયા અંગેનો વચગાળાનો અહેવાલ વિશેષ અદાલતમાં રજૂ કર્યો છે. આ પગલા સાથે જ પાકિસ્તાનમાં આશરો લઈને બેઠેલા આતંકવાદી આકાઓ સામે તેમની ગેરહાજરીમાં જ (In Absentia) ટ્રાયલ શરૂ કરવાની દિશામાં પોલીસ અને તપાસ એજન્સીઓ ખૂબ નજીક પહોંચી ગઈ છે.

 

શુક્રવારે સુનાવણી દરમિયાન ખાસ સરકારી વકીલ ઉજ્જવલ નિકમે અદાલતને માહિતગાર કરતા જણાવ્યું હતું કે, ૩૦ જૂને જારી કરવામાં આવેલું ઘોષણાપત્ર કેન્દ્રીય ગૃહ મંત્રાલયને મોકલી આપવામાં આવ્યું હતું, જેની પહોંચ ૩ ઓગસ્ટે સ્વીકારવામાં આવી છે. હવે આ આદેશ પાકિસ્તાનમાં છુપાયેલા આ આરોપીઓ સુધી પહોંચાડવા માટે આંતરરાષ્ટ્રીય પોલીસ એજન્સી 'ઇન્ટરપોલ' (Interpol) ને સુપ્રત કરવામાં આવશે.

 

નવા કાયદા હેઠળ ગેરહાજરીમાં ચાલશે ટ્રાયલ

 

ફરિયાદ પક્ષે આ ૬ ફરાર આતંકીઓ સામે તેમની શારીરિક ગેરહાજરીમાં જ કેસ ચલાવવા માટે ફરજિયાત પ્રક્રિયાના ભાગરૂપે નવી અરજી દાખલ કરી છે. દેશના નવા કાયદાકીય ધોરણો મુજબ, જો કોઈ આરોપી જાહેર કરાયેલો ગુનેગાર (Proclaimed Offender) બન્યા પછી પણ કોર્ટ સમક્ષ હાજર થતો નથી, તો અદાલત તેની હાજરી વિના પણ કેસ આગળ ધપાવી શકે છે.

 

પ્રક્રિયાગત પાલન પૂરું થયા બાદ કોર્ટ એવું માનીને ટ્રાયલનો આદેશ આપી શકે છે કે આરોપીઓએ સ્વેચ્છાએ કોર્ટમાં હાજર રહેવાનો પોતાનો અધિકાર જતો કર્યો છે. ત્યારબાદ આ આતંકીઓનો પક્ષ રાખવા માટે કાનૂની સહાયતા સેલમાંથી વકીલની નિમણૂક કરાશે અને ફરિયાદ પક્ષ તેમની સામેના પુરાવા રજૂ કરવાનું શરૂ કરશે.

 

૧૪ સપ્ટેમ્બરે યોજાશે આગામી મહત્વની સુનાવણી

 

ફરિયાદ પક્ષે અદાલત પાસે જાહેરનામાની પ્રક્રિયા પૂર્ણ કરવા અને આરોપીઓને સમન્સ પહોંચાડવા માટે વધારાના સમયની માંગણી કરી હતી. આ બાબતને ધ્યાને રાખીને અદાલતે હવે પછીની સુનાવણી ૧૪ સપ્ટેમ્બરના રોજ નક્કી કરી છે. આ દિવસે પ્રોસિક્યુશન દ્વારા ઘોષણાપત્રની તાજી સ્થિતિ અંગેનો આખરી રિપોર્ટ કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવશે.

(4:48 PM IST)