<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 21st August 2026

દિલ્હીમાં પાકિસ્તાન હાઈકમિશન બહાર ફરેલો બુલડોઝર 'સમાનાંતર જવાબ' હતો: ભારતના વિદેશ મંત્રાલયે પાકિસ્તાનને અરીસો બતાવ્યો, 'જેવું કરશો તેવું પામશો!'

ઇસ્લામાબાદ સ્થિત ભારતીય હાઇકમિશન બહાર પાકિસ્તાને કરેલી નાપાક હરકતના જવાબમાં દિલ્હીમાં થઈ બુલડોઝર કાર્યવાહી; MEA પ્રવક્તા રણધીર જયસવાલે કડક શબ્દોમાં આપી સ્પષ્ટતા.

નવી દિલ્હી, તા.૨૧: રાજધાની દિલ્હીમાં ચાણક્યપુરી સ્થિત પાકિસ્તાન હાઈકમિશન બહાર થયેલી બુલડોઝર કાર્યવાહી અને દબાણો હટાવવાના મુદ્દે ભારતના વિદેશ મંત્રાલયે (MEA) કડક અને સ્પષ્ટ વલણ અપનાવ્યું છે. શુક્રવારે યોજાયેલી સાપ્તાહિક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસવાલે સ્પષ્ટ કર્યું હતું કે પાકિસ્તાન હાઈકમિશનની ગલીમાંથી અનધિકૃત અને અસ્થાયી બાંધકામો હટાવવાની આ પ્રક્રિયા પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીનો "સમાનાંતર અને યોગ્ય જવાબ" (Proportionate Response) છે.

 

જયસવાલે સમગ્ર વિવાદનો ખુલાસો કરતા જણાવ્યું હતું કે, ઇસ્લામાબાદ સ્થિત ભારતીય હાઇકમિશન બહાર પાર્કિંગ સુવિધાના બહાને પાકિસ્તાની સત્તાવાળાઓએ કેટલાક સુરક્ષા માળખાં અને બેરિકેડ્સ હટાવી દીધા હતા. ભારતે આમ ન કરવા માટે પાકિસ્તાન સરકારને સત્તાવાર વિનંતી કરી હોવા છતાં, પાકિસ્તાને ભારતની રજૂઆતને અણદેખી કરીને એકતરફી કાર્યવાહી કરી હતી. જેના વળતા જવાબરૂપે ભારતીય સત્તાવાળાઓએ પણ દિલ્હીમાં પાકિસ્તાન મિશન બહાર નિયમોથી વિરુદ્ધ ઉભા કરાયેલા અસ્થાયી બાંધકામો હટાવ્યા છે.

 

વીઝા સેક્શન અને ગલીમાંથી હટાવાયા દબાણો

 

ઉલ્લેખનીય છે કે, દિલ્હીમાં સ્થિત પાકિસ્તાની હાઈકમિશનના પરિસર બહાર વીઝા અરજીઓ માટે ઊભા કરાયેલા મેટલ શેડ, ગેટ, ટીન સેટ અને દબાણ રૂપ માળખાઓ પર તંત્રએ બુલડોઝર ચલાવ્યું હતું. આ ઉપરાંત અગાઉ મૂકવામાં આવેલા ટ્રાફિક બોલાર્ડ્સ અને બેરિકેડ્સ પણ હટાવી લેવામાં આવ્યા છે.

 

સોશિયલ મીડિયા અને મીડિયા અહેવાલોમાં બહાર આવેલા દ્રશ્યોમાં પાકિસ્તાન મિશનના વીઝા કૌંન્ટર (જેમ કે 'Window 1', 'Pakistani Passport Only' અને 'Window-5') ની બહાર તૂટેલી ગ્રીલ, સિમેન્ટના ટુકડા અને પતરાનો કાટમાળ વિખરાયેલો જોવા મળ્યો હતો.

 

કૂટનીતિક સ્તરે 'જેવા સાથે તેવા' ની નીતિ

 

ભારતીય વિદેશ મંત્રાલયના આ નિવેદને સ્પષ્ટ કરી દીધું છે કે ભારતીય દૂતાવાસોની સુરક્ષા કે સુવિધાઓ સાથે જો કોઈ દેશ છેડછાડ કરશે, તો ભારત પણ કૂટનીતિક સ્તરે 'જેવા સાથે તેવા' નો આકરો જવાબ આપતાં અચકાશે નહીં. દિલ્હી તંત્ર દ્વારા કરાયેલી આ કાર્યવાહીને આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતની મજબૂત કૂટનીતિ તરીકે જોવામાં આવી રહી છે.

 

(5:12 PM IST)