<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 21st August 2026

જયપુરની સરકારી શાળામાં ભારે હોબાળો: સીજેપી નેતાઓ પર પથ્થરમારો અને વિવાદ વચ્ચે શિક્ષણ મંત્રી મદન દિલાવરે કહ્યું, "અસંસ્કારી ભાષાથી બાળકોને બચાવવા ગ્રામજનોએ ભગાડ્યા!"

ભેંસોના તબેલામાં ચાલતી શાળા મુદ્દે રાજકારણ ગરમાયું; સીજેપી નેતા આશુતોષ રાંકાએ આપ્યું ૪૮ કલાકનું અલ્ટીમેટમ, જ્યારે ભાજપ નેતાઓએ કોંગ્રેસ પર રચ્યો કાવતરાનો આરોપ.

જયપુર, તા.૨૧: રાજસ્થાનના જયપુર નજીક આવેલ બગરુ વિસ્તારના રામપુરા-કંવરપુરા ગામમાં સરકારી શાળાની મુલાકાતે ગયેલા કોકરોચ જનતા પાર્ટી (CJP) ના નેતાઓ અને ગ્રામજનો વચ્ચે હિંસક ઝઘડો થતાં ભારે અફરાતફરી મચી ગઈ છે. સીજેપીના નેતાઓ જ્યારે શાળાની દયનીય સ્થિતિનો તાગ મેળવવા પહોંચ્યા ત્યારે સ્થાનિક લોકોએ તેમને ધક્કા મારીને ગામમાંથી તારવી કાઢ્યા હતા. આ ઘટના બાદ સીજેપીએ પોતાના કાર્યકરો પર હુમલો થયાનો દાવો કર્યો છે, જેના કારણે રાજસ્થાનનું રાજકારણ ગરમાઈ ગયું છે અને શિક્ષણ મંત્રીના રાજીનામાની માગણી સાથે બંને પક્ષો આમને-સામને આવી ગયા છે.

 

અસંસ્કારી ભાષાના વિરોધમાં આક્રોશ: મંત્રી મદન દિલાવર

 

આ સમગ્ર વિવાદ અંગે પ્રતિક્રિયા આપતા રાજસ્થાનના શિક્ષણ મંત્રી મદન દિલાવરે ખુલાસો કર્યો હતો કે, ગામના લોકો નથી ઈચ્છતા કે તેમના બાળકો કોઈ અસંસ્કારી કે અમર્યાદિત ભાષા શીખે, તેથી જ તેમણે આ વિરોધ દર્શાવ્યો છે. મંત્રીએ કટાક્ષ કરતા જણાવ્યું કે, કોંગ્રેસ અને સીજેપીના લોકોને મોઢું છુપાવીને ભાગવું પડ્યું છે અને હવે પોતાની શરમ છુપાવવા માટે તેઓ મારું રાજીનામું માંગી રહ્યા છે. તેમણે ઉમેર્યું કે, છેલ્લા ૩ વર્ષમાં રાજસ્થાન સરકારી શિક્ષણ ક્ષેત્રે ૧૪મા સ્થાનેથી સુધરીને હવે ૪થા સ્થાને પહોંચી ગયું છે. બીજી તરફ મંત્રી જવાહર સિંહ બેઢમે આરોપ લગાવ્યો હતો કે, કોંગ્રેસી કાર્યકરો પોતે સીજેપીના માસ્ક પહેરીને પોતાના જ લોકો પર પથ્થરમારો કરાવી તોફાન ફેલાવવાનું કાવતરું ઘડી રહ્યા છે.

 

ભેંસોના તબેલામાં ચાલે છે સ્કૂલ: સીજેપીનો આકરો પ્રહાર

 

બીજી તરફ સીજેપી નેતા આશુતોષ રાંકાએ આ હુમલાને મંત્રી મદન દિલાવરના ઈશારે કરાયેલો ગણાવીને તીખો વિરોધ નોંધાવ્યો છે. રાંકાએ આકરા પ્રહાર કરતા જણાવ્યું કે, સરકાર માટે શરમજનક બાબત છે કે આ સરકારી શાળા આજે પણ ભેંસોના તબેલામાં ચાલી રહી છે. ૧ વર્ષ પહેલાં પણ આ સ્થિતિ હતી અને આજે પણ તંત્રમાં કોઈ સુધારો થયો નથી. તેમણે ભાજપના કાર્યકરો પર ગુંડાગર્દીનો આરોપ મૂકતા સરકારને ૪૮ કલાકનું અલ્ટીમેટમ આપ્યું છે કે જો હુમલો કરનારા ગુંડાઓની ધરપકડ કરવામાં નહીં આવે તો સમગ્ર રાજસ્થાનમાં મંત્રી સામે ઉગ્ર આંદોલન કરવામાં આવશે.

 

(5:37 PM IST)