તા. ૬ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૦ રવિવાર
News of Friday, 21st August 2026
ચંદ્રયાન-૩ ની સફળતાનો ભવ્ય ઉત્સવ: અમદાવાદમાં યોજાશે દેશનો ત્રીજો 'રાષ્ટ્રીય અવકાશ દિવસ', 'વિકસિત ભારત' ની થીમ પર ઇસરો કરશે શક્તિપ્રદર્શન!
ડો. વિક્રમ સારાભાઈની કર્મભૂમિ સ્પેસ એપ્લિકેશન્સ સેન્ટર (SAC) ખાતે રવિવારે ૨૩ ઓગસ્ટે ઉજવણી; ઇસરો ચેરમેન ડો. વી. નારાયણને સોશિયલ મીડિયા પર આપી માહિતી.

અમદાવાદ, તા.૨૧: ભારતીય અવકાશ સંશોધન સંગઠન (ISRO) માટે સુવર્ણ અક્ષરે લખાયેલા ૨૩ ઓગસ્ટના ઐતિહાસિક દિવસની યાદમાં સમગ્ર દેશ આ વર્ષે ત્રીજો 'રાષ્ટ્રીય અવકાશ દિવસ' (National Space Day 2026) મનાવવા જઈ રહ્યો છે. વિશેષ બાબત એ છે કે આ વર્ષે આ રાષ્ટ્રીય કક્ષાની મુખ્ય ઉજવણી ગુજરાતના અમદાવાદ સ્થિત સ્પેસ એપ્લિકેશન્સ સેન્ટર (SAC) ખાતે આયોજિત કરવામાં આવી છે. ઇસરોના અધ્યક્ષ અને સ્પેસ સેક્રેટરી ડો. વી. નારાયણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક ખાસ વીડિયો સંદેશ જારી કરીને આ મહત્વપૂર્ણ જાહેરાત કરી છે.
"વિકસિત ભારત" ની થીમ પર ઉજવણી
ઇસરો ચેરમેન ડો. વી. નારાયણે પોતાના સંદેશમાં જણાવ્યું હતું કે, ૨૩ ઓગસ્ટ ૨૦૨૩ ના રોજ ભારતના ચંદ્રયાન-૩ મિશને ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સફળ સોફ્ટ લેન્ડિંગ કરીને ઈતિહાસ રચ્યો હતો અને ભારત આ સિદ્ધિ મેળવનાર વિશ્વનો પ્રથમ દેશ બન્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આ દિવસને 'રાષ્ટ્રીય અવકાશ દિવસ' તરીકે જાહેર કરવામાં આવ્યો હતો.
આ વર્ષની સત્તાવાર થીમ "વિકસિત ભારત તરફ: વૈશ્વિક અવકાશ નેતૃત્વ માટે નવીનતા, સહયોગ અને મહત્વાકાંક્ષા" (Touched by Space, Touching Lives: India's Space Journey towards Viksit Bharat) રાખવામાં આવી છે. ડો. નારાયણે ખુશી વ્યક્ત કરતા કહ્યું કે ભારતીય અવકાશ વિજ્ઞાનના પિતામહ ડો. વિક્રમ સારાભાઈ સાથે ગાઢ રીતે જોડાયેલા અમદાવાદ શહેરમાં આ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે તે અત્યંત ગૌરવની વાત છે.
ચંદ્રયાન થી 'શિવ શક્તિ બિંદુ' સુધીનો ગૌરવશાળી ઈતિહાસ
ઉલ્લેખનીય છે કે ૨૩ ઓગસ્ટ ૨૦૨૩ ના રોજ ઇસરોના વિક્રમ લેન્ડરે ચંદ્રની સપાટી પર સુરક્ષિત લેન્ડિંગ કર્યું હતું. જે લેન્ડિંગ પોઈન્ટને વડાપ્રધાને 'શિવ શક્તિ બિંદુ' નામ આપ્યું હતું. ભારત હાલમાં સેટેલાઇટ કમ્યુનિકેશન, નેવિગેશન, પ્લેનેટરી એક્સપ્લોરેશન અને ગગનયાન જેવા માનવ અવકાશ ઉડાન મિશનો સાથે સ્પેસ ટેકનોલોજીના ક્ષેત્રમાં એક ઉત્તેજક અને નવા યુગમાં પ્રવેશી રહ્યું છે, જેનું શક્તિપ્રદર્શન અને પ્રદર્શન આ ઉજવણી દરમિયાન અમદાવાદમાં જોવા મળશે.
(5:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
