હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
રાહુલ ગાંધીનો હાઇવોલ્ટેજ ડ્રામા: દિલ્હીના સંસદ માર્ગ પોલીસ સ્ટેશને ધમાસાણ: ભાજપે કહ્યું- 'આ ફૂટેજ મેળવવાનો ક્રેઝ છે'
૨૦ જુલાઇના રોજના પૅલેટ ગન ફાયરિંગના વિવાદમાં પીડિત વિદ્યાર્થીને સાથે રાખીને અનિશ્ચિત મુદતની હડતાળ : ભાજપે સુપ્રીમ કોર્ટની સમિતિનો હવાલો આપી અરાજકતાનો આરોપ લગાવ્યો

નવી દિલ્હી: દિલ્હીના સંસદ માર્ગ પોલીસ સ્ટેશન પરિસર શુક્રવારે રાજકીય સંગ્રામનું મેદાન બની ગયું હતું, જ્યારે વિપક્ષના નેતા રાહુલ ગાંધી ૨૦ જુલાઈના વિરોધ પ્રદર્શન દરમિયાન પૅલેટ ગનથી ઘવાયેલા ૧૯ વર્ષીય સાહિલ લોચબ અને તેની માતા સાથે અચાનક ડીસીપી ઓફિસે પહોંચ્યા હતા. પોલીસે પૅલેટ ગન ફાયરિંગ કેસમાં FIR નોંધવાનો અને તપાસ અધિકારીનું નામ આપવાનો ઇનકાર કરતાં રાહુલ ગાંધી અને દિલ્હી પોલીસ વચ્ચે ભારે ઘર્ષણ સર્જાયું હતું. ત્યારબાદ રાહુલ ગાંધીએ દિલ્હી પોલીસ સ્ટેશન બહાર જ ધરણાસૂચક બેઠક શરૂ કરી દીધી હતી. આ ઘટનાની જાણ થતાં જ પ્રિયંકા ગાંધી, જયરામ રમેશ સહિતના કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ અને મોટી સંખ્યામાં કાર્યકરો ત્યાં પહોંચી ગયા હતા.
રાહુલ ગાંધીએ મીડિયા સમક્ષ એક પ્લાસ્ટિક બોટલમાં રહેલા છરા દર્શાવતા દાવો કર્યો હતો કે AIIMS ના મેડિકલ રિપોર્ટ મુજબ સાહિલના શરીરમાં ૨૦૦થી વધુ છરા ઘૂસેલા છે, જેમાંથી ૩ છરા તેની આંખમાં વાગતા તેણે એક આંખની રોશની ગુમાવી દીધી છે અને કેટલાક છરા તેના હૃદયની અત્યંત નજીક છે. દિલ્હી પોલીસ એવું કહીને જવાબદારીમાંથી ભાગી રહી છે કે તેમણે પૅલેટ ગન ચલાવી જ નથી. રાહુલે આક્ષેપ કર્યો હતો કે 'ઉપરથી કડક સૂચનાઓ' હોવાને કારણે પોલીસ FIR દાખલ કરી રહી નથી. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે જ્યાં સુધી FIR દાખલ નહીં થાય અને જવાબદાર પોલીસ અધિકારી સામે કાર્યવાહી નહીં થાય ત્યાં સુધી તેઓ ધામા નાખીને ત્યાં જ બેસી રહેશે.
બીજી તરફ, કોંગ્રેસના આ વિરોધ પર શાસક પક્ષ ભારતીય જનતા પાર્ટીએ આકરા પ્રહારો કર્યા છે. ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અને કેન્દ્રીય મંત્રી જે.પી. નડ્ડાએ કહ્યું હતું કે આ ન્યાયની લડાઈ નથી પરંતુ રાહુલ ગાંધીની 'કેમેરાના ફૂટેજ મેળવવાની ભૂખ' છે. ભાજપ સાંસદ રવિશંકર પ્રસાદ અને કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે વિરોધને અરાજકતા ગણાવતા કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટે પોતે આ સમગ્ર મામલાની તપાસ માટે ભૂતપૂર્વ જજની અધ્યક્ષતામાં હાઇ-પાવર કમિટીની રચના કરી દીધી છે. આમ છતાં, રાહુલ ગાંધી કાયદા અને દેશની સર્વોચ્ચ અદાલતની મર્યાદાઓનું ઉલ્લંઘન કરીને માત્ર રાજકીય નાટક અને સ્ટંટ કરી રહ્યા છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
