<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 21st August 2026

ટ્રમ્પ સરકારનો H-1B વિઝા ધારકોને મોટો ઝટકો: અરજી ફીના નવા નિયમોને વ્હાઇટ હાઉસની લીલી ઝંડી, ભારતીય આઇટી પ્રોફેશનલ્સના ધબકારા વધ્યા!

હોમલેન્ડ સિક્યુરિટીના નવો પ્રસ્તાવ ટૂંક સમયમાં થશે જાહેર; સપ્ટેમ્બર ૨૦૨૫ ના $૧૦૦,૦૦૦ ની વધારાની ફીના નિર્ણય બાદ હવે નોકરીદાતાઓ પર પડશે વધુ આર્થિક બોજ.

વોશિંગ્ટન : અમેરિકામાં નોકરી કરવાનું સપનું જોતા લાખો ભારતીય આઈટી પ્રોફેશનલ્સ અને ટેકનોલોજી કંપનીઓ માટે ફરી એકવાર ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. ટ્રમ્પ વહીવટીતંત્રે H-1B વિઝા અરજી ફી સાથે જોડાયેલા નવા અને વધુ કડક નિયમો લાગુ કરવાની દિશામાં મોટું પગલું ભર્યું છે. ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટી (DHS) દ્વારા તૈયાર કરવામાં આવેલા નવા ફી પ્રસ્તાવને વ્હાઇટ હાઉસના ઓફિસ ઓફ ઇન્ફોર્મેશન એન્ડ રેગ્યુલેટરી અફેર્સ દ્વારા મંજૂરી આપી દેવામાં આવી છે. બ્લૂમબર્ગ લો ના અહેવાલ મુજબ, આ મંજૂરી મળતાં જ હવે નવા નિયમો ગમે ત્યારે જાહેર થઈ શકે છે.

 

શું છે આ નવો ફી પ્રસ્તાવ?

 

ઓફિસ ઓફ ઇન્ફોર્મેશન એન્ડ રેગ્યુલેટરી અફેર્સે 'RIN 1615-AD20' તરીકે ઓળખાતા અને "ચોક્કસ H-1B અરજીઓ માટે ફી" શીર્ષક ધરાવતા પ્રસ્તાવને લીલી ઝંડી આપી દીધી છે. જોકે, આ નિયમોનો સત્તાવાર ડ્રાફ્ટ હજુ સાર્વજનિક કરવામાં આવ્યો નથી, પરંતુ નિષ્ણાતોનું માનવું છે કે તેનાથી વર્તમાન વિઝા પ્રોસેસિંગ ફી અને તેના કાયદાકીય માળખામાં મોટા ફેરફારો થશે, જેનો સીધો બોજ ભારતીય પ્રોફેશનલ્સને સ્પોન્સર કરતી કંપનીઓ પર પડશે.

 

$૧૦૦,૦૦૦ ની જંગી ફી બાદ બીજો મોટો પ્રહાર

 

આ નવો નિયમ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા સપ્ટેમ્બર ૨૦૨૫ માં જાહેર કરાયેલી એક આકરી નીતિ બાદ આવ્યો છે, જેમાં યુએસ બહારથી આવતા નવા H-1B કામદારો માટે નિયમિત સરકારી ફી ઉપરાંત $૧૦૦,૦૦૦ (આશરે ૮૩ લાખ રૂપિયા) ની જંગી ફી ચૂકવવી ફરજિયાત કરવામાં આવી હતી. આ નીતિ ૨૧ સપ્ટેમ્બર, ૨૦૨૫ થી ૧૨ મહિના માટે લાગુ કરવામાં આવી હતી. વહીવટીતંત્રનું કહેવું છે કે આ પગલાંનો મુખ્ય હેતુ H-1B વિઝા કાર્યક્રમનો દુરુપયોગ રોકવાનો અને સ્થાનિક અમેરિકન કામદારોની નોકરીઓનું રક્ષણ કરવાનો છે.

 

EB-5 રોકાણકાર વિઝા ફીમાં પણ ફેરફાર

 

માત્ર H-1B જ નહીં, પરંતુ DHS એ ગ્રીન કાર્ડ મેળવવા માટે પ્રખ્યાત EB-5 ઇમિગ્રન્ટ રોકાણકાર કાર્યક્રમના ફી નિયમોમાં પણ ફેરફાર પ્રસ્તાવિત કર્યા છે. આ ફેરફાર સંબંધિત અહેવાલ વ્હાઇટ હાઉસની અંતિમ સમીક્ષા માટે મોકલવામાં આવ્યો છે, જેમાં I-526 અરજી ફીમાં ઘટાડો કરવા સહિત ૨૦૨૨ ના EB-5 રિફોર્મ એક્ટની જોગવાઈઓને સંહિતાબદ્ધ કરવામાં આવશે.

(6:05 PM IST)