<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 21st August 2026

એલોન મસ્કનો મોટો દાવો: 'સ્ટારલિંક' ભારતના ખૂણે-ખૂણે પહોંચાડશે ઇન્ટરનેટ, ગ્રામીણ વિસ્તારોના વિકાસ માટે સ્પેસએક્સ તૈયાર!

સેટેલાઇટ ઇન્ટરનેટ દ્વારા ભારતના ૧૧,૦૦૦ થી વધુ નેટવર્કવિહોણા ગામડાઓને જોડવાનો મસ્કનો પ્લાન; સ્પેસએક્સે ભારતમાં મંજૂરી મેળવવા ફરી કરી નવી અરજી.

વોશિંગ્ટન : વિશ્વના અબજોપતિ અને સ્પેસએક્સ (SpaceX) ના સ્થાપક એલોન મસ્કે ભારતમાં પોતાની સેટેલાઇટ ઇન્ટરનેટ સેવા 'સ્ટારલિંક' (Starlink) ની એન્ટ્રી માટે મોટો દાવો કર્યો છે. મસ્કે જણાવ્યું છે કે સ્ટારલિંક ભારતના એવા પછાત અને દૂરના વિસ્તારોમાં વસતા લોકોને હાઇ-સ્પીડ ઇન્ટરનેટ સાથે જોડવામાં મહત્વની ભૂમિકા ભજવશે, જ્યાં આજે પણ પરંપરાગત ટેલિકોમ નેટવર્ક પહોંચી શક્યું નથી.

 

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (અગાઉ ટ્વિટર) પર એક વિશ્લેષણાત્મક પોસ્ટનો જવાબ આપતાં મસ્કે લખ્યું હતું કે, "સ્ટારલિંક ભારતમાં સૌથી ઓછી સુવિધા ધરાવતા લોકોને, ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોના નાગરિકોને ડિજિટલ દુનિયા સાથે જોડવામાં મોટી મદદ કરશે."

 

શહેરી અને ગ્રામીણ ભારત વચ્ચે મોટો ડિજિટલ તફાવત

 

આ ચર્ચા ત્યારે શરૂ થઈ જ્યારે એક સોશિયલ મીડિયા એકાઉન્ટ દ્વારા ભારતીય ઇન્ટરનેટ આંકડા રજૂ કરવામાં આવ્યા. આંકડા અનુસાર, મે ૨૦૨૬ સુધીમાં ભારતના આશરે ૧૧,૨૫૬ નોંધાયેલા ગામડાઓમાં હજુ પણ ૪જી (4G) કવરેજ પહોંચ્યું નથી. વધુમાં, દેશમાં માર્ચ ૨૦૨૬ સુધીમાં ૧.૦૯૩ અબજ ઇન્ટરનેટ ગ્રાહકો હતા, પરંતુ તેમાંથી ગ્રામીણ વિસ્તારોમાં માત્ર ૪૪ કરોડ ગ્રાહકો જ છે. શહેરી વિસ્તારોમાં દર ૧૦૦ માંથી ૧૨૬ લોકો પાસે ઇન્ટરનેટ છે, જ્યારે ગ્રામીણ ભારતમાં આ ઘનતા પ્રતિ ૧૦૦ એ માત્ર ૪૮ છે.

 

નવી અરજી સાથે ભારતીય બજારમાં એન્ટ્રીનો પ્રયાસ

 

એલોન મસ્કનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે સ્પેસએક્સે ભારતમાં સેટેલાઇટ કમ્યુનિકેશન સેવાઓ શરૂ કરવા માટે નિયમનકારી મંજૂરીઓ મેળવવા એક નવી અરજી દાખલ કરી છે. આ અગાઉ, 'ઈન્ડિયન નેશનલ સ્પેસ પ્રમોશન એન્ડ ઓથોરાઈઝેશન સેન્ટર' (IN-SPACe) દ્વારા સ્ટારલિંકની 'Gen 2' સેટેલાઇટ નેટવર્ક અરજીને ફ્રીક્વન્સી અને ટેકનિકલ માપદંડોના આધારે નકારી કાઢવામાં આવી હતી.

 

હવે લો-અર્થ ઓર્બિટ (LEO) ઉપગ્રહોના વિશાળ નેટવર્ક દ્વારા કામ કરતી સ્ટારલિંક ભારતીય શરતો અને સુરક્ષા નિયમો અનુસાર સેવાઓ આપવા તૈયાર થઈ રહી છે, જેથી ભારતના છેવાડાના ગામડાઓને પણ સીધા ઉપગ્રહ સાથે જોડી શકાય.

(6:12 PM IST)