હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
નીતિ આયોગનો ધડાકો: ડિગ્રી હોવા છતાં દેશના માત્ર ૮% સ્નાતકો જ નોકરી માટે યોગ્ય! શિક્ષણ અને કૌશલ્ય સિસ્ટમ બદલવા બ્લૂપ્રિન્ટ તૈયાર
માત્ર કાગળ પરની ડિગ્રીઓ નહીં પરંતુ 'સ્કિલ-ફર્સ્ટ' મોડેલ પર અપાશે ભાર; નીતિ આયોગે 'વિકસિત ભારત@2047' રિપોર્ટમાં શિક્ષણથી રોજગાર સુધીની પાઇપલાઇનમાં મોટા ફેરફારો સૂચવ્યા.

નવી દિલ્હી : ભારતમાં દર વર્ષે લાખો યુવાનો કોલેજમાંથી ડિગ્રી મેળવીને બહાર નીકળે છે, પરંતુ કડવી વાસ્તવિકતા એ છે કે તેમાંથી માત્ર ૮.૨૫ ટકા સ્નાતકો જ પોતાની લાયકાત મુજબની નોકરી મેળવી શકે છે. નીતિ આયોગના તાજેતરમાં જાહેર થયેલા "Reimagining Skilling for Viksit Bharat@2047" નામના રિપોર્ટમાં આ ચોંકાવનારો ખુલાસો થયો છે. ૨૦૧૪-૧૫ થી અત્યાર સુધી ૭.૬૭ કરોડથી વધુ લોકોને તાલીમ આપવામાં આવી હોવા છતાં અને ચાલુ નાણાકીય વર્ષમાં ₹૩૪,૦૦૦ કરોડ ફાળવ્યા છતાં પરિણામો અપેક્ષા મુજબ મળ્યા નથી, જેથી હવે નીતિ આયોગે દેશની આખી શિક્ષણ અને રોજગાર સિસ્ટમ બદલવાનો પ્રસ્તાવ મૂક્યો છે.
જંગી અરજીઓ સામે સરકારી નોકરીઓની ભારે અછત
રિપોર્ટ અનુસાર, હાલમાં BA, BSc અને BCom જેવા સામાન્ય અભ્યાસક્રમોમાં ૨ કરોડથી વધુ વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે. બીજી તરફ, નવેમ્બર ૨૦૨૪ થી જુલાઈ ૨૦૨૫ વચ્ચે માત્ર ૫૫,૦૦૦ સરકારી જગ્યાઓ માટે ૧.૮૬ કરોડથી વધુ યુવાનોએ અરજીઓ કરી હતી. આ આંકડા દર્શાવે છે કે શિક્ષણ અને શ્રમ બજાર વચ્ચે કેટલું મોટું અંતર છે. નીતિ આયોગે દેશના આશરે ૬૦ કરોડ નાગરિકોને ધ્યાનમાં રાખીને શાળાના વિદ્યાર્થીઓ, ઉચ્ચ શિક્ષણ મેળવતા યુવાનો, કામદારો, બેરોજગાર યુવાનો (NEET) અને મહિલાઓ માટે ખાસ નીતિઓ બનાવવાની ભલામણ કરી છે.
૫ મુખ્ય સુધારા અને 'ડિજિટલ સ્કિલ્સ પાસપોર્ટ'
શિક્ષણથી નોકરી સુધીના રેખીય મોડેલને બદલે આયોગે હવે 'બિન-રેખીય શિક્ષણ માર્ગો' અને ૫ મુખ્ય સુધારાઓ પ્રસ્તાવિત કર્યા છે:
- શાળાઓમાં પાયાના કૌશલ્ય (Skilling) નો સમાવેશ
- ટેકનિકલ શિક્ષણમાં પીપીપી (PPP) મોડેલ અને ખાનગી ક્ષેત્રનું જોડાણ
- પરિણામ-સંકળાયેલ અને ઉદ્યોગ-સમર્થિત તાલીમ કાર્યક્રમો
- તમામ માટે એપ્રેન્ટિસશીપની તકો
- યોગ્ય કારકિર્દી માર્ગદર્શન અને જાગૃતિ
આ ઉપરાંત, દરેક વ્યક્તિ માટે 'ડિજિટલ સ્કિલ્સ પાસપોર્ટ' લાવવાનો પ્રસ્તાવ છે, જેમાં તેની તમામ તાલીમ, લાયકાત અને કાર્યઅનુભવનો રેકોર્ડ રહેશે. સરકારે હવે માત્ર તાલીમ પામેલા લોકોની સંખ્યા ગણવાને બદલે તેમને ખરેખર કેટલી નોકરીઓ કે વેતન-વૃદ્ધિ મળી તેના આધારે યોજનાઓની સફળતા માપવી પડશે.
ISSA યોજના હેઠળ પાંચ રાજ્યોમાં પાઇલટ પ્રોજેક્ટ
નીતિ આયોગના આ નવા વિઝનને સાકાર કરવા માટે કેન્દ્રીય બજેટમાં ₹૬૦૦ કરોડના ખર્ચે 'ઇન્ટિગ્રેટેડ સ્કીમ ઇન સ્કિલિંગ આર્કિટેક્ચર' (ISSA) ની જાહેરાત કરવામાં આવી છે. શરૂઆતના તબક્કામાં આંધ્રપ્રદેશ, ઓડિશા, ઉત્તર પ્રદેશ, બિહાર અને આસામ જેવા રાજ્યોમાં પાયલોટ પ્રોજેક્ટ તરીકે શિક્ષણ અને રોજગાર પ્રણાલીમાં સુધારા લાગુ કરવામાં આવશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
