<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 21st August 2026

રાહુલ ગાંધીના આક્રમક ધરણાં સામે દિલ્હી પોલીસ ઝૂકી: જંતર-મંતર પેલેટ ગન કેસમાં આખરે FIR દાખલ, પરંતુ આરોપીઓમાં કોઈનું નામ નહીં!

૧૯ વર્ષીય વિદ્યાર્થી સાહિલ લોચબને ન્યાય અપાવવા સંસદ માર્ગ પોલીસ સ્ટેશનમાં બહેન પ્રિયંકા ગાંધી અને કોંગ્રેસના દિગ્ગજો સાથે રાહુલ ગાંધીએ જમાવ્યા અડ્ડા; અજાણ્યા શખ્સો સામે કેસ નોંધાયો.

નવી દિલ્હી : રાજધાની દિલ્હીમાં જંતર-મંતર ખાતે વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શન દરમિયાન પેલેટ ગન (Pellet Gun) ના ઉપયોગને લઈને રાજકારણ ગરમાયું છે. લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીના સતત આગ્રહ અને પોલીસ સ્ટેશનમાં યોજાયેલા આક્રમક ધરણાં બાદ દિલ્હી પોલીસે આખરે ૧૯ વર્ષીય પીડિત સાહિલ લોચબની ફરિયાદના આધારે FIR નોંધી લીધી છે. જોકે, દિલ્હી પોલીસના વરિષ્ઠ અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે આ કેસમાં કોઈ ચોક્કસ વ્યક્તિનું નામ આપવામાં આવ્યું નથી અને અજાણ્યા લોકો સામે જ FIR દાખલ કરવામાં આવી છે.

 

બહેન પ્રિયંકા ગાંધી અને દિગ્ગજ નેતાઓ સાથે સંસદ માર્ગ થાણે હલ્લાબોલ

 

શુક્રવારે રાહુલ ગાંધી, પીડિત વિદ્યાર્થી સાહિલ લોચબ, તેના માતા-પિતા અને વકીલો સાથે સંસદ માર્ગ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. તેમની સાથે કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી, જયરામ રમેશ, મુકુલ વાસનિક, કુમારી શેલજા અને સલમાન ખુર્શીદ જેવા વરિષ્ઠ નેતાઓ પણ ડીસીપી (DCP) કાર્યાલય સામે ધરણાં પર બેસી ગયા હતા. રાહુલ ગાંધીએ સ્પષ્ટ ચીમકી આપી હતી કે "જ્યાં સુધી FIR નોંધવામાં નહીં આવે અને તપાસ અધિકારી (IO) નો નંબર આપવામાં નહીં આવે ત્યાં સુધી અમે અહીંથી હટીશું નહીં." આ દરમિયાન પોલીસ સ્ટેશનની બહાર કાર્યકર્તાઓએ ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા.

 

શાંતિપૂર્ણ આંદોલન પર બર્બરતા અને 'ઉપરથી આદેશ'નો આરોપ

 

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર વિગતો આપતાં રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે ૨૦ જુલાઈના રોજ કનોટ પ્લેસ અને જંતર-મંતર વિસ્તારમાં શાંતિપૂર્ણ વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ પર પોલીસે પેલેટ ગનનો ઉપયોગ કર્યો હતો. આ હુમલામાં ૧૯ વર્ષીય સાહિલ લોચબ ગંભીર રીતે ઘવાયો હતો અને તેની એક આંખની દ્રષ્ટિ પણ જોખમમાં મુકાઈ ગઈ છે. રાહુલે ગંભીર આરોપ લગાવ્યો હતો કે પીડિત પરિવારને પોલીસ સ્ટેશનમાં એવું કહેવામાં આવ્યું હતું કે "ઉપરથી FIR ના નોંધવાના આદેશ છે." તેમણે માંગ કરી હતી કે સમગ્ર ઘટનાની નિષ્પક્ષ ન્યાયિક તપાસ થાય જેથી આ ક્રૂરતા માટે જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી થઈ શકે.

 

૧૪ ઓગસ્ટથી ન્યાય માટે ભટકતો હતો પરિવાર

 

સૂત્રોના જણાવ્યા અનુસાર, પીડિત સાહિલ લોચબે તેના વકીલો સાથે સૌથી પહેલા ૧૪ ઓગસ્ટના રોજ દિલ્હી પોલીસને લેખિત ફરિયાદ આપી હતી. ત્યાર બાદ ૧૭ ઓગસ્ટે ઈમેઈલ અને ફોન દ્વારા પણ રજૂઆતો કરવામાં આવી હતી, પરંતુ પોલીસે તેને સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. શુક્રવારે સવારે રાહુલ ગાંધી પોતે પીડિત પરિવાર સાથે મંદિર માર્ગ પોલીસ સ્ટેશન ગયા હતા, પરંતુ ત્યાંથી તેમને સંસદ માર્ગ પોલીસ સ્ટેશન મોકલવામાં આવ્યા હતા. આખરે વિપક્ષના ભારે દબાણ બાદ પોલીસે અજાણ્યા તત્વો સામે એફઆઈઆર નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

(6:31 PM IST)