<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 21st August 2026

ચંદ્રથી નવા ક્ષિતિજ સુધી: ગુજકોસ્ટ રાષ્ટ્રીય અવકાશ દિવસ 2026 પર “સ્પેસ ક્વિઝ”: રાષ્ટ્રીય અવકાશ દિવસ નિમિત્તે ગુજકોસ્ટ દ્વારા ગુજરાતના તમામ ૩૪ જિલ્લાઓમાં અવકાશ ક્વિઝનું આયોજન

સ્પેસ ક્વિઝના વિજેતા વિદ્યાર્થીઓને સાયન્સ સિટીની નિ:શુલ્ક મુલાકાતની તક

ભારતની અવકાશ યાત્રા દૂરંદેશી, દૃઢ નિશ્ચય અને વૈજ્ઞાનિક ઉત્કૃષ્ટતાની વાર્તા રહી છે. ૨૩ ઓગસ્ટ ૨૦૨૩ ના રોજ એક ગર્વની ક્ષણ આવી, જ્યારે ચંદ્રયાન-3 એ ચંદ્ર પર સફળતાપૂર્વક સોફ્ટ-લેન્ડિંગ કર્યું, જેનાથી ભારત ચંદ્રના દક્ષિણ ધ્રુવીય ક્ષેત્રની નજીક ઉતરાણ કરનાર પ્રથમ દેશ બન્યો . વિક્રમ લેન્ડરે પ્રજ્ઞાન રોવરને સફળતાપૂર્વક ઉતરણ કર્યું , જેણે ચંદ્રની સપાટી પર વૈજ્ઞાનિક સંશોધન કર્યું. ઉતરાણ સ્થળનું નામ શિવ શક્તિ પોઇન્ટ રાખવામાં આવ્યું.

  આ ઐતિહાસિક સિદ્ધિની યાદમાં અને અવકાશ વિજ્ઞાન અને ટેકનોલોજીમાં ભારતની વધતી જતી સિદ્ધિઓની ઉજવણી કરવા માટે, ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ  મોદીએ ૨૩ ઓગસ્ટને " રાષ્ટ્રીય અવકાશ દિવસ " તરીકે જાહેર કર્યો. આ દિવસ ભારતની અવકાશ સિદ્ધિઓની ઉજવણી કરે છે અને યુવાનોને વૈજ્ઞાનિક જિજ્ઞાસા, નવીનતા અને શોધખોળની ભાવના વિકસાવવા પ્રેરણા આપે છે. 

ગુજરાત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના નેજા હેઠળ કાર્યરત ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી (GUJCOST) ૨૩ ઓગસ્ટ ૨૦૨૬ ના રોજ સમગ્ર ગુજરાતમાં ત્રીજો "રાષ્ટ્રીય અવકાશ દિવસ" ઉજવી રહયું છે . આ ઉજવણી પાટણ, રાજકોટ, ભુજ અને ભાવનગર ખાતેના રીજીયોનલ સાયન્સ સેન્ટર્સ (RSC) અને ગુજરાતના તમામ જિલ્લાઓમાં જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્રો (CSC) દ્વારા યોજવામાં આવશે. ગુજકોસ્ટ ને ભારતીય અવકાશ સંશોધન સંગઠન (ISRO) દ્વારા સ્પેસ ટ્યુટર તરીકે પણ માન્યતા પ્રાપ્ત છે.

 

ઉજવણીના ભાગ રૂપે, ગુજકોસ્ટ ૨૩ ઓગસ્ટ ૨૦૨૬ ના રોજ સવારે 9:00 થી બપોરે 12:00 વાગ્યા સુધી તમામ જિલ્લાના લોક વિજ્ઞાન કેન્દ્રો અને રીજીયોનલ સાયન્સ સેન્ટર્સનાં નેટવર્ક દ્વારા "સ્પેસ ક્વિઝ"નું આયોજન કરી રહ્યું છે . ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓને આ સ્પેસ ક્વિઝમાં ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે. સ્પેસ ક્વિઝ માટે કોઈ નોંધણી ફી નથી.

 

સ્પેસ ક્વિઝ અવકાશ વિશે શીખવાનું રસપ્રદ બનાવશે , જેમાં ભારતીય અવકાશ મિશન, ઇસરો, ચંદ્રયાન , ઉપગ્રહો અને અવકાશ ટેકનોલોજી, મૂળભૂત અવકાશ વિજ્ઞાન, ભારતની અવકાશ સિદ્ધિઓ અને ભારતીય અવકાશ વૈજ્ઞાનિકોના યોગદાનનો સમાવેશ થશે.

 

આ પ્રસંગે બોલતા, GUJCOSTના ડાયરેક્ટર જનરલ દિગ્વિજયસિંહ ડી. જાડેજા, IAS એ જણાવ્યુ હતું કે આ સ્પેસ ક્વિઝ ગુજરાત સરકારના માનનીય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાના માર્ગદર્શન હેઠળ યોજાઈ રહી છે. તેમણે ઉમેર્યું કે, આ સ્પેસ ક્વિઝ ગુજરાતના તમામ 34 જિલ્લાઓના વિદ્યાર્થીઓને જોડશે, જેનાથી તેમને ભારતની અવકાશ યાત્રા વિશે શીખવાની, તેમના જ્ઞાનનું પરીક્ષણ કરવાની અને અન્ય સાથી વિદ્યાર્થીઓ સાથે સ્પર્ધા કરવાની તક મળશે.

 

સ્પેસ ક્વિઝમાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને ભાગીદારીનું પ્રમાણપત્ર મળશે, જ્યારે પ્રથમ, દ્વિતીય અને તૃતીય સ્થાન મેળવનારાઓને મેરિટ પ્રમાણપત્રો પ્રાપ્ત થશે. વિદ્યાર્થીઓને વધુ પ્રોત્સાહિત કરવા માટે, દરેક જિલ્લામાંથી ટોચના ત્રણ વિદ્યાર્થીઓ, તેમના પરિવાર સાથે, ગુજરાત સાયન્સ સિટી, અમદાવાદની નિ:શુલ્ક મુલાકાત લેવાની તક મળશે. આ મુલાકાત વિદ્યાર્થીઓને ઇન્ટરેક્ટિવ સાયન્સ ગેલેરીઓ દ્વારા સમૃદ્ધ અનુભવ અને વિજ્ઞાન, ટેકનોલોજી અને નવીનતાની દુનિયાને શોધવાની તક પ્રદાન કરશે.

 

ગુજકોસ્ટ ગુજરાતભરની શાળાઓના વિદ્યાર્થીઓને આ રોમાંચક સ્પેસ ક્વિઝનો ભાગ બનવા અને રાષ્ટ્રીય અવકાશ દિવસ 2026 ને એક યાદગાર અનુભવ બનાવવા માટે આમંત્રણ આપે છે. રસ ધરાવતા વિદ્યાર્થીઓ તેમના નજીકના RSC અથવા CSC નો સંપર્ક કરી શકે છે, જ્યારે અમદાવાદ જિલ્લાના વિદ્યાર્થીઓ ગુજરાત સાયન્સ સિટી ખાતે સ્પેસ ક્વિઝમાં ભાગ લઈ શકે છે.

 

આવો, ભારતની અદ્ભુત અવકાશ યાત્રાની ઉજવણી કરો, તમારા જ્ઞાનની કસોટી કરો, બ્રહ્માંડના અજાયબીઓ શોધો અને અંતરિક્ષ સુધી પહોંચવા તરફ તમારું પ્રથમ પગલું ભરો

(6:32 PM IST)