News of Friday, 21st August 2026
"દરેકને ડાયાબિટીસ છે, ખાંડ મોંઘી થાય તો શું ફરક પડે?" બિહારના મંત્રીના વિચિત્ર નિવેદન પર પપ્પુ યાદવનો પલટવાર
મોંઘવારીના માર વચ્ચે મંત્રી શ્રવણ કુમારના અજીબોગરીબ તર્કથી બબાલ: 'સૌથી મોટી ડાયાબિટીસ તો પોતે આ સરકાર છે' કહી સાંસદે

પટના: દેશમાં તહેવારોની મોસમ ટાણે જ ખાંડના ભાવોમાં થયેલા અસહ્ય વધારાથી આમ આદમી પીસાઈ રહ્યો છે, ત્યારે બિહાર સરકારના મંત્રી શ્રવણ કુમારે આ મોંઘવારીનો બચાવ કરવા માટે એક અત્યંત વિચિત્ર દલીલ આપીને નવો વિવાદ ઊભો કર્યો છે. મોંઘવારી અંગે પૂછાયેલા સવાલના જવાબમાં મંત્રીએ હાસ્યાસ્પદ દાવો કર્યો હતો કે, "આજકાલ લોકો ગમે તેમ ઓછી ખાંડ ખાઈ રહ્યા છે કારણ કે લગભગ દરેક વ્યક્તિ ડાયાબિટીસથી પીડાઈ રહ્યો છે. હવે મીઠાઈ ખાય જ છે કોણ? તેથી ખાંડના ભાવ વધવાથી લોકો પર કોઈ મોટી અસર પડશે નહીં અને ચિંતા કરવાની કોઈ જરૂર નથી." એટલું જ નહીં, બિહારના નાયબ મુખ્યમંત્રી વિજય કુમાર સિંહાએ પણ એવું કહીને બચાવ કર્યો હતો કે ખેડૂતોના ઉત્પાદનના ભાવ વધે ત્યારે તેમને આનંદ થાય છે.
મંત્રીના આ ગેરજવાબદાર અને વિવાદિત નિવેદન પર બિહારના પૂર્ણિયાથી અપક્ષ સાંસદ પપ્પુ યાદવે આકરા પ્રહારો કરતા સરકારને આડે હાથ લીધી હતી. પપ્પુ યાદવે તીખો કટાક્ષ કરતા કહ્યું કે, "ગાયના છાણ પર ગમે તેટલું ઘી રેડવામાં આવે, તો પણ તેનો સ્વાદ તો છાણ જેવો જ રહેવાનો છે! આવી વિચારસરણી ધરાવતા મંત્રીઓ પાસેથી જનતા બીજી શું અપેક્ષા રાખી શકે?" તેમણે ભૂતકાળ યાદ અપાવતા ઉમેર્યું કે જ્યારે ગેસ સિલિન્ડર અને ટામેટાના ભાવ વધતા હતા ત્યારે સ્મૃતિ ઈરાની સહિતના ભાજપના નેતાઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા, અને આજે જ્યારે સામાન્ય માણસની થાળીમાંથી ગળપણ ગાયબ થઈ રહ્યું છે ત્યારે આ લોકો ડાયાબિટીસના બહાના બનાવી રહ્યા છે.
પપ્પુ યાદવે સરકારની નીતિઓ પર પ્રહાર કરતા વધુમાં કહ્યું હતું કે, "વાસ્તવમાં દેશમાં સૌથી મોટો ડાયાબિટીસ પોતે આ સરકાર જ છે, જે વિપક્ષમાં હોય ત્યારે મોંઘવારી પર મગરના આંસુ સારે છે અને સત્તામાં આવ્યા પછી જનતાની મજાક ઉડાવે છે." બિહારમાં ખાંડના આ ગગનચુંબી ભાવ વધારા અને મંત્રીના આ વિચિત્ર બચાવ બાદ વિપક્ષી નેતાઓએ રાજ્ય સરકારને ઘેરવાનું શરૂ કર્યું છે, જેના કારણે રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચી ગયો છે.
(6:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
