<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 21st August 2026

દિલ્હી હાઈકોર્ટ ઈડી પર લાલઘૂમ: મૃતક સાંસદના પરિવાર સામે બંધ થયેલા કેસને જીવંત રાખવાના કારસાનો પર્દાફાશ, મની લોન્ડરિંગ કેસ સંપૂર્ણ રદ!

દિવંગત સાંસદ ડૉ. મહેન્દ્ર પ્રસાદના પરિવારની ₹૪,૦૦૦ કરોડથી વધુની મિલકત વિવાદ કેસમાં EDની કાર્યવાહી "ગેરકાયદેસર અને સત્તાનો દુરુપયોગ" ગણાવી; જૂની એફઆઈઆર રાખીને સત્તાનો અયોગ્ય ઉપયોગ કરવા બદલ કોર્ટે ફટકાર લગાવી.

નવી દિલ્હી : મની લોન્ડરિંગ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા કરવામાં આવતી બળજબરીપૂર્વકની કાર્યવાહી સામે દિલ્હી હાઈકોર્ટે અત્યંત સખત વલણ અપનાવ્યું છે. રાજ્યસભાના દિવંગત સાંસદ અને એરિસ્ટો ફાર્માસ્યુટિકલ્સના સ્થાપક ડૉ. મહેન્દ્ર પ્રસાદના પરિવાર વચ્ચે ચાલતા ₹૪,૦૦૦ કરોડથી વધુના મિલકત વિવાદમાં ઈડીની કાર્યવાહીને હાઈકોર્ટે "ગેરકાયદેસર, અતાર્કિક અને સત્તાનો દુરુપયોગ" ગણાવીને સમગ્ર મની લોન્ડરિંગ (ECIR) કેસને રદબાતલ કરી દીધો છે.

 

શું હતો સમગ્ર મિલકત વિવાદ?

 

ડૉ. મહેન્દ્ર પ્રસાદના અવસાન બાદ તેમની વિપુલ મિલકતના માલિકી હક્કને લઈને પરિવારમાં કાનૂની જંગ શરૂ થયો હતો. ૨૦૨૧ માં એક FIR દાખલ કરવામાં આવી હતી જેમાં આરોપ હતો કે પ્રસાદના સ્વર્ગસ્થ પત્ની સતુલા દેવીની બનાવટી સહીઓ કરીને શેર ટ્રાન્સફર અને બેંક દસ્તાવેજો બનાવવામાં આવ્યા હતા. આ મૂળ એફઆઈઆરના આધારે ઈડીએ PMLA હેઠળ મની લોન્ડરિંગનો કેસ દાખલ કર્યો હતો. જોકે, આર્થિક ગુના શાખા (EOW) ની ઊંડી તપાસ અને ફોરેન્સિક રિપોર્ટમાં સહીઓ અસલી હોવાનું પુરવાર થતાં જૂન ૨૦૨૫ માં દિલ્હી મેજિસ્ટ્રેટ કોર્ટે EOW નો ક્લોઝર રિપોર્ટ સ્વીકારીને કેસ કાયદેસર રીતે બંધ કરી દીધો હતો.

 

'મૃત કેસ' ને જીવંત રાખવાની ED ની મથામણ

 

કોર્ટમાં રજૂ થયેલી વિગતો મુજબ, ૨૦૨૧ ની મુખ્ય FIR બંધ થઈ જતાં ઈડી પાસે સંપત્તિ ટાંચમાં લેવાની કે શોધખોળ કરવાની સત્તાઓ છીનવાઈ જતી હતી. આથી, પોતાની શિક્ષાત્મક સત્તાઓ જાળવી રાખવા ઈડીએ ઓગસ્ટ ૨૦૨૫ માં એક 'પરિશિષ્ટ' (Addendum) જારી કરીને ૨૦૧૯ ની એક જૂની એફઆઈઆરને આ કેસ સાથે બળજબરીથી જોડી દીધી હતી. હાઈકોર્ટના જસ્ટિસ અનિશ દયાલે નોંધ્યું કે ઈડી ૨૦૨૩ થી આ ૨૦૧૯ ની એફઆઈઆર વિશે જાણતી હતી, છતાં મુખ્ય કેસ બંધ થયો ત્યાં સુધી કોઈ પગલાં ન લીધાં અને પછી અચાનક બંધ થઈ ગયેલા કેસને પુનર્જીવિત કરવા જૂની એફઆઈઆરનો સહારા લીધો.

 

હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો

 

જસ્ટિસ અનિશ દયાલે ઈડી દ્વારા જારી કરાયેલા આ પરિશિષ્ટને ગેરકાયદેસર ઠેરવીને સમગ્ર ECIR કાર્યવાહી જ રદ કરી દીધી છે. આ સાથે જ કોર્ટે એક મહત્વપૂર્ણ કાનૂની સ્પષ્ટતા કરી છે કે PMLA હેઠળ ઈડી દ્વારા હાથ ધરવામાં આવતી સિવિલ કાર્યવાહીઓ (જેમ કે મિલકતો ફ્રીઝ કરવી, શોધખોળ કરવી કે જપ્તી કરવી) સામે દાખલ થતી રિટ અરજીઓ સાંભળવાનો હાઈકોર્ટ પાસે પૂર્ણ અધિકારક્ષેત્ર છે.

(6:46 PM IST)