<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 21st August 2026

નકલી પનીર પીરસતી રેસ્ટોરન્ટ પર બોમ્બે હાઈકોર્ટ લાલઘૂમ: "ગ્રાહકોને શું ખવડાવો છો તેની સ્પષ્ટતા કરો, હવે થોડો સમય સજા પણ ભોગવો!"

થાણેની જાણીતી 'ઉડુપી સ્વાડ' રેસ્ટોરન્ટનું લાઈસન્સ સસ્પેન્ડ કરવાના FDA ના નિર્ણયને કોર્ટે રાખ્યો અકબંધ; એનાલોગ (મિલાવટી) પનીર પીરસીને લોકોને ગેરમાર્ગે દોરવા બદલ ફટકાર.

મુંબઈ : રેસ્ટોરન્ટમાં અસલી પનીરના નામે બનાવટી કે મિલાવટી પનીર પીરસીને ગ્રાહકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતી હોટલો સામે બોમ્બે હાઈકોર્ટે અત્યંત આકરું વલણ અપનાવ્યું છે. થાણેના વાગલે એસ્ટેટ વિસ્તારમાં આવેલી 'ઉડુપી સ્વાડ' રેસ્ટોરન્ટમાં અસુરક્ષિત અને હલકી ગુણવત્તાનું 'એનાલોગ પનીર' (Analog Paneer) મળી આવતાં મહારાષ્ટ્ર ફુડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA) એ લાઈસન્સ રદ કર્યું હતું. આ નિર્ણય સામે રેસ્ટોરન્ટ માલિકે કોર્ટના દરવાજા ખટખટાવ્યા હતા, પરંતુ હાઈકોર્ટે તેમની અરજી ફગાવીને કડક શબ્દોમાં ફટકાર લગાવી છે.

 

"ગ્રાહકોને નકલી ખવડાવી દુઃખી કર્યા, તો હવે તમે પણ સજા ભોગવો"

 

કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ રવિન્દ્ર ઘુગે અને ન્યાયાધીશ ગૌતમ અંકડની બેન્ચે રેસ્ટોરન્ટની દલીલો ફગાવતાં કહ્યું કે, "જો તમે લોકોને નકલી કે ખરાબ ખોરાક ખવડાવીને હેરાન કરી રહ્યા છો, તો તમારે પણ થોડો સમય આર્થિક નુકસાન સહન કરવું પડશે... આ જ કાવ્યાત્મક ન્યાય (Poetic Justice) છે." રેસ્ટોરન્ટના વકીલે દલીલ કરી હતી કે લાઈસન્સ સસ્પેન્ડ કરવાને બદલે સુધારણા નોટિસ આપવી જોઈતી હતી, જેને બેન્ચે સખત શબ્દોમાં નકારી કાઢી હતી.

 

બોર્ડ લગાવીને જાહેરાત કરો કે તમે 'એનાલોગ પનીર' પીરસો છો!

 

સુનાવણી દરમિયાન કોર્ટે અત્યંત તીખી ટિપ્પણી કરતાં પૂછ્યું કે, "શું તમે તમારા મેનૂ કાર્ડમાં કે બહાર સાઈન બોર્ડ પર એવી જાહેરાત કરો છો કે તમે અસલી પનીર નથી પીરસતા પરંતુ એનાલોગ પનીર ખવડાવો છો? લોકો તો ચટપટા મસાલાના સ્વાદમાં માની લે છે કે અસલી પનીર ખાઈ રહ્યા છે, પરંતુ વાસ્તવમાં તેમને ખબર પણ નથી હોતી કે તેઓ શું ખાઈ રહ્યા છે. ગ્રાહકોને તેઓ શું આરોગી રહ્યા છે તે જાણવાનો સંપૂર્ણ અધિકાર છે."

 

૭ સપ્ટેમ્બરે વધુ સુનાવણી

 

મહારાષ્ટ્રમાં એનાલોગ પનીરના બિનઅધિકૃત ઉપયોગ પર રાજ્યવ્યાપી પ્રતિબંધ છે. કોર્ટે સ્પષ્ટ કર્યું કે આ પ્રકારે ગ્રાહકોને છેતરતી ભોજનશાળાઓ સામે કડક પગલાં જ વ્યાજબી છે અને પિડિત ગ્રાહકો નુકસાન ભરપાઈ માટે કન્ઝ્યુમર ફોરમમાં પણ જઈ શકે છે. હાઈકોર્ટે સસ્પેન્શન ઓર્ડરમાં રાહત આપવાનો ઈનકાર કરીને સમગ્ર મામલે FDA પાસે જવાબ માંગ્યો છે અને આગામી સુનાવણી ૭ સપ્ટેમ્બરના રોજ નિયત કરી છે.

(7:08 PM IST)