<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 21st August 2026

સિલિકોન વેલીનો સંગ્રામ: 'અમરત્વ' મેળવવા અબજોપતિઓનો મૃત્યુ સામે જંગ: ટેકનોલોજીથી ઉંમર ઘટાડવાનો દાવ

બ્રાયન જોહ્ન્સન, જેફ બેઝોસ અને સેમ ઓલ્ટમેન જેવા દિગ્ગજોનો કાયાકલ્પ માટે કરોડો ડોલરનો ખર્ચ : સેલ્યુલર બાયોલોજીથી લઈને રક્ત પ્લાઝ્મા અને કાયોનિક્સ સુધીના પ્રયોગો શરૂ

નવી દિલ્હી: માનવ ઇતિહાસમાં રાજા-રજવાડાઓથી લઈને મહાન સમ્રાટો સુધી કોઈ પણ મૃત્યુને હરાવી શક્યું નથી. પરંતુ હવે સિલિકોન વેલીના અબજોપતિઓએ આ સનાતન સત્યને પડકાર ફેંક્યો છે. ટેકનોલોજીના બળ પર બાયોલોજીકલ વૃદ્ધત્વની પ્રક્રિયાને રોકવા અને જીવનકાળ લંબાવવા માટે દિગ્ગજ ઉદ્યોગસાહસિકો કરોડો ડોલરનું પાણી કરી રહ્યા છે. ટેક-ઉદ્યોગસાહસિક બ્રાયન જોહ્ન્સન પોતાના 'બ્લુપ્રિન્ટ' પ્રોજેક્ટ પાછળ વાર્ષિક $2 મિલિયન (આશરે ₹૧૬ કરોડથી વધુ) ખર્ચીને પોતાના જૈવિક કોષોને યુવાન રાખવાના પ્રયોગો કરી રહ્યા છે, જે માટે તેમણે પોતાના પુત્રના પ્લાઝ્માથી લઈને કડક ડાયેટ અને બાયોમાર્કર ટ્રેકિંગનો સહારો લીધો છે.

અન્ય અબજોપતિઓ પણ આ દોડમાં પાછળ નથી. OpenAIના સીઈઓ સેમ ઓલ્ટમેને માનવ આયુષ્યમાં ૧૦ સ્વસ્થ વર્ષો ઉમેરવાના લક્ષ્ય સાથે કામ કરતી 'રેટ્રો બાયોસાયન્સીસ' કંપનીમાં $180 મિલિયનનું રોકાણ કર્યું છે. તેવી જ રીતે, એમેઝોનના સ્થાપક જેફ બેઝોસે સેલ્યુલર કાયાકલ્પ અને ક્ષતિગ્રસ્ત કોષોને રી-પ્રોગ્રામ કરતી બાયોટેક ફર્મ 'અલ્ટોસ લેબ્સ'માં મોટા પાયે ફંડિંગ કર્યું છે. આ વિઝન માત્ર કાયમ જીવવાનું નથી, પરંતુ માનવ શરીરના કોષોની શક્તિ પુનઃસ્થાપિત કરીને વૃદ્ધાવસ્થામાં થતા રોગોને નાબૂદ કરવાનું છે.

બીજી તરફ, પેપાલના પૂર્વ સીઈઓ અને અબજોપતિ પીટર થીએલે દીર્ધાયુષ્ય સંશોધન માટે વિશાળ ઇકોસિસ્ટમ તૈયાર કરી છે. તેમણે પોતાના મૃત્યુ બાદ શરીરને ભવિષ્યની અદ્યતન તબીબી સુવિધાઓ દ્વારા પુનર્જીવિત કરવા માટે ક્રાયોનિક પ્રિઝર્વેશન (ફ્રીઝિંગ ટેકનિક)નો કરાર પણ કર્યો છે. સિલિકોન વેલીના આ ધનાઢ્યોનું માનવું છે કે જે કામ તબીબી વિજ્ઞાન અને ધર્મ નથી કરી શક્યા, તે સેલ્યુલર બાયોલોજી અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી શક્ય બનશે.

(7:28 PM IST)