હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મુખ્ય ચૂંટણી કમિશનરની સત્તાવાર મુસાફરી અને જાહેર ખર્ચની વિગતો આપવાનો ઇનકાર: 'RTI હેઠળ માહિતી છુપાવવાનો આરોપ' સામે આવતા નવો વિવાદ!
સાકેત ગોખલેનો સનસનાટીભર્યો દાવો: CEC જ્ઞાનેશ કુમારની સત્તાવાર યાત્રાઓ પર થયેલા સરકારી ખર્ચને ECI એ 'વ્યક્તિગત માહિતી' ગણાવી આપવાની ના પાડી; RTI કાર્યકર્તા અંજલિ ભારદ્વાજે પણ પારદર્શિતા સામે ઉઠાવ્યા પ્રશ્નો.

નવી દિલ્હી : મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમારની સત્તાવાર મુલાકાતો અને જાહેર ભંડોળમાંથી થયેલા ખર્ચની વિગતો આપવાનો ચૂંટણી પંચ (ECI) એ ઇનકાર કરતાં મોટો રાજકીય અને પ્રશાસનિક વિવાદ ઊભો થયો છે. રાજ્યસભાના ભૂતપૂર્વ સભ્ય સાકેત ગોખલેએ માહિતી અધિકાર (RTI) કાયદા હેઠળ માંગવામાં આવેલી માહિતી પંચ દ્વારા 'વ્યક્તિગત માહિતી' (Personal Information) નું કારણ આપીને રોકી રાખવાનો ગંભીર આરોપ લગાવ્યો છે.
'જાહેર નાણાંનો ખર્ચ વ્યક્તિગત કેવી રીતે હોઈ શકે?': સાકેત ગોખલે
સાકેત ગોખલેએ જણાવ્યું હતું કે તેમણે ૧૮ જૂને એક RTI અરજી દાખલ કરીને ૧૯ ફેબ્રુઆરી, ૨૦૨૫ ના રોજ CEC તરીકે ચાર્જ સંભાળ્યા પછી જ્ઞાનેશ કુમાર દ્વારા કરવામાં આવેલી તમામ દેશ-વિદેશની સત્તાવાર મુલાકાતો, તારીખો, હેતુ, મુસાફરી અને રહેઠાણ પાછળ સરકારી તિજોરીમાંથી થયેલા ખર્ચનો વિગતવાર હિસાબ માંગ્યો હતો. જોકે, ચૂંટણી પંચે ૩૧ જુલાઈના રોજ આપેલી જવાબની નકલમાં જણાવ્યુ હતું કે, "આ વિગતો વ્યક્તિગત માહિતીથી સંબંધિત છે, તેથી RTI કાયદા, ૨૦૦૫ ની કલમ ૮(૧)(j) હેઠળ શેર કરી શકાતી નથી." આ અંગે ગોખલેએ સવાલ ઉઠાવ્યો હતો કે જ્યારે વડાપ્રધાનના પ્રવાસનો ખર્ચ પણ સંસદમાં જાહેર કરાય છે, તો CEC ના સરકારી ખર્ચને શા માટે ગુપ્ત રાખવામાં આવી રહ્યો છે?
RTI કાર્યકર્તા અંજલિ ભારદ્વાજનો કટાક્ષ
જાણીતા RTI કાર્યકર્તા અંજલિ ભારદ્વાજે પણ પંચના આ વલણની આકરી ટીકા કરી હતી. તેમણે આરોપ લગાવ્યો હતો કે ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન (DPDP) એક્ટ દ્વારા RTI કાયદાની કલમ ૮(૧)(j) માં કરાયેલા ફેરફારોનો દુરુપયોગ કરીને જાહેર સેવકોને જવાબદેહી અને પારદર્શિતામાંથી બચાવવામાં આવી રહ્યા છે. તેમણે કટાક્ષ કર્યો હતો કે પહેલા મતદાન મથકોના CCTV ફૂટેજ આપવાની ના પાડવા ગોપનીયતાનો સહારા લેવાયો હતો અને હવે અધિકારીઓના પ્રવાસ ખર્ચ પર પડદો પાડવામાં આવી રહ્યો છે.
ચૂંટણી પંચની જવાબદેહી સામે પ્રશ્નાર્થ
ગોખલેએ વધુમાં સ્પષ્ટ કર્યું હતું કે તેમણે કોઈ સુરક્ષા પ્રોટોકોલ, આગોતરા પ્રવાસ કાર્યક્રમ કે રીઅલ-ટાઇમ લોકેશનની માહિતી માંગી નહોતી, પરંતુ માત્ર પૂર્ણ થઈ ચૂકેલી યાત્રાઓના સરકારી ખર્ચનો જ હિસાબ માંગ્યો હતો. પંચના આ પ્રતિભાવથી સરકારી ભંડોળના ઉપયોગમાં પારદર્શિતા અને જવાબદેહીના મૂળભૂત સિદ્ધાંતો સામે ગંભીર સવાલો ઊભા થયા છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
