હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ગોંડામાં બ્રિજભૂષણ શરણ સિંહનું મુસ્લિમ વસાહતમાં ભવ્ય સ્વાગત: મદરેસાના બાળકોએ "શેર આયા, શેર આયા" ના નારા લગાવતા વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ!
મહિલા કુસ્તીબાજોના જાતીય સતામણી કેસમાં દિલ્હી કોર્ટમાંથી નિર્દોષ છૂટ્યા બાદ પોતાના ગૃહ જિલ્લામાં લોકસંપર્ક; મુસ્લિમ સમુદાયના લોકોએ પણ ફુલહારથી કર્યું ઉષ્માભર્યું સ્વાગત.

ગોંડા : મહિલા કુસ્તીબાજો દ્વારા કરવામાં આવેલા જાતીય સતામણીના ગંભીર આરોપોમાંથી દિલ્હીની અદાલત દ્વારા નિર્દોષ જાહેર કરાયા બાદ ભારતીય જનતા પાર્ટીના ભૂતપૂર્વ સાંસદ અને રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (WFI) ના ભૂતપૂર્વ પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહ પોતાના ગૃહ જિલ્લા ગોંડામાં છે. પોતાના આક્રમક નિવેદનો માટે હંમેશા ચર્ચામાં રહેતા બ્રિજભૂષણ શરણ સિંહ હાલમાં પોતાના વિસ્તારમાં જોરશોરથી લોકસંપર્ક કરી રહ્યા છે. આ દરમિયાન તેઓ જ્યારે સ્થાનિક મુસ્લિમ વસાહતમાં પહોંચ્યા ત્યારે ત્યાંનું દ્રશ્ય જોઈને સૌ કોઈ આશ્ચર્યચકિત થઈ ગયા હતા.
મદરેસાના વિદ્યાર્થીઓએ લગાવ્યા "શેર આયા" ના નારા
બ્રિજભૂષણ શરણ સિંહ મુસ્લિમ વિસ્તારમાં પહોંચતા જ મદરેસાના મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને સ્થાનિક લોકો તેમના સ્વાગત માટે એકઠા થઈ ગયા હતા. બાળકોએ તેમને જોતા જ "શેર આયા, શેર આયા" (સિંહ આવ્યો છે) ના જોરદાર નારા લગાવવાનું શરૂ કર્યું હતું. આ સાથે જ મદરેસાના બાળકો અને મુસ્લિમ અગ્રણીઓએ ફુલહાર પહેરાવીને તેમનું ઉષ્માભર્યું સન્માન કર્યું હતું. આ સમગ્ર સ્વાગત સમારોહનો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
કોર્ટમાંથી નિર્દોષ છૂટ્યા બાદ સમર્થકોમાં ઉત્સાહનો માહોલ
ઉલ્લેખનીય છે કે દિલ્હીની અદાલતે ૩ ઓગસ્ટના રોજ બ્રિજભૂષણ શરણ સિંહને જાતીય સતામણીના કેસમાં તમામ આરોપોમાંથી નિર્દોષ જાહેર કર્યા હતા. ત્યારબાદ ૬ ઓગસ્ટે અયોધ્યા એરપોર્ટ પહોંચેલા બ્રિજભૂષણનું સમર્થકો દ્વારા ઢોલ-નગારા, જેસીબી (JCB) થી ફ્લાવર શાવર અને આતશબાજી સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. પોતાના ગૃહ જિલ્લામાં પરત ફર્યા બાદ તેઓ સતત વિવિધ વિસ્તારોની મુલાકાત લઈને ગ્રામજનો અને સમર્થકોને મળી રહ્યા છે.
"મારી સામેના આરોપો રાજકીય રીતે પ્રેરિત હતા": બ્રિજભૂષણ સિંહ
કોર્ટના ચુકાદા બાદ ગોંડાની નંદિની નગર કોલેજમાં આયોજિત 'સત્યમેવ જયતે' પુરસ્કાર સમારોહમાં બોલતા બ્રિજભૂષણ શરણ સિંહે જણાવ્યું હતું કે તેમની સામે લગાવાયેલા તમામ આરોપો સંપૂર્ણપણે રાજકીય રીતે પ્રેરિત હતા. તેમણે ઉમેર્યું હતું કે રમતો દરમિયાન મેડલ આપતી વખતે થતા સ્પર્શને ખોટી રીતે રજૂ કરવામાં આવ્યો હતો. "જો મેં તે સમયે હાર માની લીધી હોત તો મામલો કદાચ ત્યાં જ પૂરો થઈ ગયો હોત, પણ મારા ચારિત્ર્ય પર કાયમ માટે દાગ લાગી જાત," તેમ કહીને તેમણે સત્યનો વિજય થયો હોવાનું જણાવ્યું હતું.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
