<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 21st August 2026

ગોળીઓનો ગડગડાટ, લોહીથી લથબથ શરીર અને ૨૩ વર્ષની લાંબી રાહ: ડાકુઓને ઢેર કરનાર ભૂતપૂર્વ પીએસઆઈ વિવેક ચૌહાણને મળશે 'રાષ્ટ્રપતિ શૌર્ય મેડલ'!

ગ્વાલિયરના જંગલોમાં બે ખતરનાક ડાકુઓને ઠાર કર્યા બાદ પણ અન્યાયનો ભોગ બનેલા રિટાયર્ડ અધિકારીને સુપ્રીમ કોર્ટના કડક વલણ બાદ આખરે મળ્યું સર્વોચ્ચ સન્માન.

નવી દિલ્હી : વર્ષ ૨૦૦૩માં મધ્યપ્રદેશના ગ્વાલિયર નજીક ઘાટીગાંવના ઘનઘોર જંગલોમાં ડાકુઓ સામેની અથડામણમાં પોતાના પ્રાણની પરવા કર્યા વગર બહાદુરી બતાવનાર ભૂતપૂર્વ પોલીસ અધિકારી વિવેક સિંહ ચૌહાણને આખરે ૨૩ વર્ષના લાંબા સમયગાળા બાદ ન્યાય મળ્યો છે. કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને માહિતી આપી છે કે રાષ્ટ્રપતિએ ભૂતપૂર્વ પીએસઆઈ વિવેક ચૌહાણને પ્રતિષ્ઠિત 'રાષ્ટ્રપતિ શૌર્ય ચંદ્રક' (President's Gallantry Medal) આપવાની મંજૂરી આપી દીધી છે.

 

સુપ્રીમ કોર્ટના કડક વલણ સામે ઝૂકવું પડ્યું

 

આ અગાઉ જુલાઈ મહિનામાં મધ્યપ્રદેશ હાઈકોર્ટના આદેશ છતાં વિવેક સિંહ ચૌહાણને સન્માન ન આપવા બદલ સુપ્રીમ કોર્ટે ભારે નારાજગી વ્યક્ત કરી હતી. શુક્રવારે ન્યાયાધીશ વિક્રમ નાથ અને ન્યાયાધીશ સંદીપ મહેતાની બેન્ચ સમક્ષ સોલિસિટર જનરલ તુષાર મહેતાએ ગૃહ મંત્રાલય દ્વારા ૨૦ ઓગસ્ટ, ૨૦૨૬ના રોજ જારી કરાયેલો પત્ર રજૂ કર્યો હતો. તેમણે અદાલતને જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિએ એવોર્ડને મંજૂરી આપી દીધી છે અને ટૂંક સમયમાં તેને ભારતના ગેઝેટમાં સૂચિત કરવામાં આવશે.

 

ગ્વાલિયરના જંગલોમાં ખેલાયો હતો ખૂની ખેલ

 

આ સમગ્ર મામલો વર્ષ ૨૦૦૩નો છે, જ્યારે ગ્વાલિયરના ઘાટીગાંવ પોલીસ સ્ટેશનના તત્કાલીન સ્ટેશન હાઉસ ઓફિસર (SHO) વિવેક સિંહ ચૌહાણે ગુનાહિત ડાકુઓની ગેંગ સામે એક સાહસિક ઓપરેશનનું નેતૃત્વ કર્યું હતું. સામસામે થયેલા ગોળીબારમાં ચૌહાણે પોતાની બહાદુરીનો પરિચય આપતા બે ખતરનાક ડાકુઓને ઢેર કર્યા હતા. આ ઓપરેશન દરમિયાન તેઓ પોતે પણ ગંભીર રીતે ઘાયલ થયા હતા.

 

૨૩ વર્ષ સુધી ચાલ્યો કાનૂની જંગ

 

પોતાના જીવના જોખમે ડાકુઓનો સફાયો કરવા છતાં વહીવટી ઉદાસીનતાને કારણે વિવેક ચૌહાણને આ સન્માનથી વંચિત રાખવામાં આવ્યા હતા. તેમણે પોતાના હક અને સન્માન માટે લાંબી કાનૂની લડાઈ લડી હતી. હાઈકોર્ટ બાદ મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો, જ્યાં સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને ફટકાર લગાવતા આખરે ૨૩ વર્ષે આ વીર અધિકારીની બહાદુરી પર સત્તાવાર મહોર લાગી છે.

 

(8:35 PM IST)