<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 21st August 2026

તમારી રોજની ચામાં હોઈ શકે છે ઝેરી 'લોખંડના કણો': FSSAI એ જણાવ્યું લેબ વગર ઘરે જ મિનિટોમાં ચાની ગુણવત્તા ચકાસવાનો જાદુઈ કીમિયો!

પ્રોસેસિંગ મશીનો અને ભેળસેળિયાઓને કારણે ચાના પાંદડામાં ભળતા આયર્ન ફાઇલિંગ્સ શરીર માટે અત્યંત જોખમી; એક સામાન્ય ચુંબકની મદદથી કરો શુદ્ધતાની ચકાસણી.

નવી દિલ્હી : ભારતીયો માટે સવારની શરૂઆત ગરમાગરમ ચાની ચુસકી વગર અધૂરી ગણાય છે. પરંતુ તમે જે ચા ઉત્સાહથી પી રહ્યા છો, તે તમારા સ્વાસ્થ્ય માટે ધીમું ઝેર તો નથી બની રહી ને? આજકાલ ચાના પાંદડાઓમાં માત્ર ધૂળ-કાંકરા જ નહીં, પરંતુ લોખંડના અત્યંત બારીક કણો (આયર્ન ફાઇલિંગ્સ) ભળેલા હોવાના ચોંકાવનારા અહેવાલો સામે આવ્યા છે. આ ભેળસેળને ઓળખવા માટે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI) એ ઘરે જ ચકાસણી કરવાની એક ખૂબ જ સરળ અને બિનખર્ચાળ પદ્ધતિ જાહેર કરી છે.

 

ચાની પત્તીમાં લોખંડના કણો ક્યાંથી આવે છે?

 

ચાના પાંદડા પ્રોસેસિંગ ફેક્ટરીઓમાં જ્યારે મશીનરીમાંથી પસાર થાય છે, ત્યારે મશીનોના ઘસારાને કારણે લોખંડના બારીક કણો ચામાં ભળી જવાની શક્યતા રહે છે. આ ઉપરાંત કેટલાક અસામાજિક તત્વો વજન વધારવા માટે જાણી જોઈને પણ આવી ભેળસેળ કરતા હોય છે. જો આ લોખંડના કણો ચા વાટે આપણા પાચનતંત્ર અને શરીરમાં પહોંચે તો તે લીવર અને પેટ સંબંધિત ગંભીર બીમારીઓ નોતરી શકે છે.

 

માત્ર એક ચુંબકથી ઘરે જ કરો હોમ ટેસ્ટ

 

FSSAI ના જણાવ્યા મુજબ, ચાના પાંદડામાં લોખંડની સરભર તપાસવા માટે કોઈપણ મોટા ખર્ચ કે લેબોરેટરીની જરૂર નથી:


 

  • સૌપ્રથમ એક સફેદ કાગળ કે સ્વચ્છ પ્લેટ પર થોડી સુકી ચાની પત્તી ફેલાવો.

 

  • ચાનો પાતળો પડ બનાવો જેથી દરેક દાણો સ્પષ્ટ દેખાય.

 

  • હવે એક નાનું ચુંબક (મેગ્નેટ) લઈને તેને ચાની પત્તીની સપાટીથી સહેજ ઉપર ધીમે-ધીમે ફેરવો.

 

  • જો ચામાં લોખંડના કણો હશે, તો તે તુરંત જ ચુંબક તરફ આકર્ષાઈને તેને ચોંટી જશે. જો ચુંબક એકદમ સાફ રહે, તો તમારી ચા લોખંડના દૂષણથી મુક્ત છે.

 

ખરીદી કરતી વખતે આ બાબતોનું રાખો ખાસ ધ્યાન

 

FSSAI એ સ્પષ્ટ કર્યું છે કે આ એક પ્રાથમિક ઘરેલુ પરીક્ષણ છે. ખોરાકમાં ધાતુનું દૂષણ ગંભીર બાબત હોવાથી ગ્રાહકોએ હંમેશા સીલબંધ પેકેટવાળી ચા જ ખરીદવી જોઈએ. પેકેટ પર FSSAI લાઇસન્સ નંબર, પેકેજિંગ તારીખ અને એક્સપાયરી ડેટ અવશ્ય ચકાસવી. ખુલ્લી કે વગર લેબલવાળી ચા ખરીદવાનું ટાળવું જોઈએ જેથી આરોગ્ય સામેનું જોખમ ઘટાડી શકાય.

 

(8:42 PM IST)