યુટ્યુબ ક્રિએટર્સ માટે મોટો આંચકો: 2027થી કમાણીના નિયમો થશે બમણા કડક, નવી ચેનલ શરૂ કરનારાઓ માટે ડિજિટલ સફર બનશે મુશ્કેલ
યુટ્યુબ પાર્ટનર પ્રોગ્રામના નિયમોમાં મોટો ફેરફાર : વોચ અવર્સ અને શોર્ટ્સ વ્યૂઝના લક્ષ્યાંક બમણા થતાં નવા ક્રિએટર્સની ચિંતા વધી : પરંતુ જૂના યુટ્યુબર્સને રાહત

અમદાવાદ: ડિજિટલ યુગમાં યુટ્યુબ પર વિડિયો બનાવીને લાખો રૂપિયા કમાવાનું સ્વપ્ન જોતા નવા કન્ટેન્ટ સર્જકો માટે આગામી સમય ભારે પડકારોથી ભરેલો રહેવાનો છે. યુટ્યુબે તેના પાર્ટનર પ્રોગ્રામ (YPP) ના નિયમોમાં અત્યાર સુધીનો સૌથી મોટો ફેરફાર કરવાની જાહેરાત કરી દીધી છે. નવા નિયમો મુજબ, ભવિષ્યમાં ચેનલ મોનેટાઇઝ કરવા માટે ક્રિએટર્સે પહેલા કરતા બમણી મહેનત કરવી પડશે, જેના કારણે નવા યુટ્યુબર્સ માટે આવક મેળવવાનો રસ્તો ખૂબ જ કપરો બની જશે.
યુટ્યુબ દ્વારા જાહેર કરવામાં આવેલા નવા રોડમેપ અનુસાર, 1 ફેબ્રુઆરી, 2027થી જાહેરાતો અને પ્રીમિયમ રેવેન્યુમાંથી કમાણી કરવા માટેના નિયમો બદલાઈ જશે. હાલમાં ક્રિએટર્સે છેલ્લા 12 મહિનામાં 1,000 સબ્સ્ક્રાઇબર્સ અને 4,000 વોચ અવર્સ (જોવાનો સમય) અથવા 90 દિવસમાં 10 મિલિયન શોર્ટ્સ વ્યૂઝ મેળવવા પડે છે. પરંતુ ફેબ્રુઆરી 2027થી નવા અરજદારો માટે વોચ ટાઇમની મર્યાદા બમણી કરીને 8,000 કલાક અને શોર્ટ્સ વ્યૂઝનું લક્ષ્યાંક વધારીને 20 મિલિયન કરી દેવામાં આવશે. જોકે, જૂના અને પહેલાથી જ પ્રોગ્રામમાં સામેલ સર્જકો માટે રાહતના સમાચાર એ છે કે તેમના પર આ એન્ટ્રી રૂલ લાગુ થશે નહીં.
બીજી તરફ, યુટ્યુબે વ્યૂઝ ગણવાની પદ્ધતિમાં પણ 24 ઓગસ્ટ, 2026થી મોટો ફેરફાર અમલી બનાવ્યો છે, જેના હેઠળ વિડિયો પ્લે થતાં જ તેને પબ્લિક વ્યૂ ગણી લેવામાં આવશે. આનાથી સ્ક્રીન પર વ્યૂઝનો આંકડો ઝડપથી મોટો દેખાશે ખરો, પરંતુ કમાણી માટે માત્ર વ્યૂઝ પૂરતા નહીં રહે, કારણ કે મોનેટાઇઝેશન માટે ઓરિજિનલ અને એન્ગેજ્ડ કન્ટેન્ટને જ પ્રાધાન્ય અપાશે. ટૂંકમાં કહીએ તો, યુટ્યુબ પર માત્ર વિડિયો અપલોડ કરવાથી કામ નહીં ચાલે; દર્શકોને લાંબા સમય સુધી જાળવી રાખે તેવું ગુણવત્તાસભર કન્ટેન્ટ બનાવવું જ હવે સફળતાની સાચી ચાવી બનશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
