<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 21st August 2026

બેંગલુરુ પોલીસે દરોડો પાડી ₹૯ કરોડની બિનહિસાબી રોકડ સાથે કાર ઝડપી: તમિલનાડુ જઈ રહેલી લક્ઝરી કારમાંથી રૂ. ૫૦૦ની ચલણી નોટોનો મોટો જથ્થો મળ્યો, જ્વેલરના ઘરેથી વધુ ₹૧.૩ કરોડ જપ્ત!

આવકવેરા વિભાગની ચોક્કસ બાતમીના આધારે ઇલેક્ટ્રોનિક સિટી ટોલ ગેટ પાસે પોલીસે હાથ ધર્યું સરપ્રાઇઝ ચેકિંગ; તુતીકોરિનના ઝવેરી સચિનની ધરપકડ.

બેંગલુરુ : કર્નાટકની રાજધાની બેંગલુરુમાં આવકવેરા (IT) વિભાગ અને સ્થાનિક પોલીસના સંયુક્ત ઓપરેશન દરમિયાન ₹૯ કરોડની બિનહિસાબી રોકડ રકમ સાથે એક કેરળ-રજિસ્ટર્ડ લક્ઝરી કારને ઝડપી પાડવામાં આવી છે. આ કાર બેંગલુરુથી તમિલનાડુના હોસુર તરફ જઈ રહી હતી ત્યારે ઇલેક્ટ્રોનિક સિટી ટોલ પ્લાઝા નજીક તેને આંતરીને આ મોટું ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું.

 

₹૫૦૦ ની નોટોના બંડલોથી ભરેલી કાર

 

આ ઘટના ૧૮ ઓગસ્ટની રાત્રે અંદાજે ૧૦:૩૦ વાગ્યે બની હતી. આઈટી યુનિટ ૨૨ ના ડેપ્યુટી ડિરેક્ટર જગદીશને મળેલી ચોક્કસ માહિતીના આધારે ઇલેક્ટ્રોનિક સિટી પોલીસ સ્ટેશનના બીટ કોન્સ્ટેબલોએ ટોલ ગેટ પાસે કેરળ રજિસ્ટ્રેશન ધરાવતી હ્યુન્ડાઇ ક્રેટા કારને અટકાવી હતી. કારની તલાશી લેતાં જ પોલીસ અધિકારીઓ પણ દંગ રહી ગયા હતા; કારમાંથી રૂ. ૫૦૦ના મૂલ્યની ચલણી નોટોના થપ્પા સાથે કુલ ₹૯ કરોડ રોકડા મળી આવ્યા હતા.

 

જમીન ખરીદવાના બહાનાનો પર્દાફાશ, જ્વેલર નીકળ્યો માલિક

 

કારમાં સવાર બે શખ્સોએ શરૂઆતમાં આ રકમ પોતાની હોવાનું અને જમીનની ખરીદી માટે લઈ જતા હોવાનો દાવો કરીને પોલીસને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, તુરંત જ આઈટી અધિકારીઓની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને કડક પૂછપરછ શરૂ કરી હતી. તપાસમાં સામે આવ્યું કે કારમાં સવાર ૪૨ વર્ષીય સચિન તમિલનાડુના તુતીકોરિન સ્થિત 'સિંધુ જ્વેલર્સ'નો માલિક છે.

 

દરોડામાં વધુ ₹૧.૩ કરોડ રોકડા જપ્ત

 

બેંગલુરુમાં કારમાંથી ₹૯ કરોડ જપ્ત કર્યા બાદ આઈટી વિભાગની ટીમે તુતીકોરિન ખાતે આવેલા સચિનના શોરૂમ અને નિવાસસ્થાને દરોડા પાડ્યા હતા. આ દરોડા દરમિયાન આઈટી અધિકારીઓને વધુ ₹૧.૩ કરોડની બિનહિસાબી રોકડ રકમ મળી આવી હતી. હાલમાં આઈટી વિભાગે કુલ ₹૧૦.૩ કરોડની રોકડ જપ્ત કરીને આ નાણાંનો સ્ત્રોત અને કરચોરી અંગે વધુ ઊંડી તપાસ હાથ ધરી છે.

(8:57 PM IST)