<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 21st August 2026

ઉત્તર કોરિયાના મિસાઇલ પરિક્ષણથી વૈશ્વિક તણાવ વધ્યો: પ્યોંગયાંગે એકસાથે ૧૦ બેલિસ્ટિક મિસાઇલો દાગી

અમેરિકા અને દક્ષિણ કોરિયાની સંયુક્ત લશ્કરી કવાયતો વચ્ચે કિમ જોંગ-ઉનની આક્રમક કાર્યવાહી: વોશિંગ્ટન, સોલ અને ટોક્યોએ ઇમરજન્સી બેઠક બોલાવી પ્રોટોકોલ સક્રિય કર્યા

ટોક્યો: વિશ્વમાં પહેલાથી જ ઈરાન-અમેરિકા અને રશિયા-યુક્રેન સંઘર્ષને કારણે વાતાવરણ તંગ છે, ત્યારે કોરિયન દ્વીપકલ્પ પર નવું સંકટ ઘેરાયું છે. ઉત્તર કોરિયાએ પ્યોંગયાંગ વિસ્તારમાંથી જાપાન સાગર (પૂર્વ સમુદ્ર) તરફ એકસાથે ૧૦થી વધુ ટૂંકા અંતરની બેલિસ્ટિક મિસાઇલો છોડીને આખા વિસ્તારમાં ગભરાટ ફેલાવી દીધો છે. દક્ષિણ કોરિયાના જોઈન્ટ ચીફ્સ ઓફ સ્ટાફ (JCS) મુજબ, મિસાઇલોએ લગભગ ૩૦૦ કિલોમીટરનું અંતર કાપ્યું હતું. આ ઘટના બાદ દક્ષિણ કોરિયા, અમેરિકા અને જાપાનના વરિષ્ઠ અધિકારીઓએ તાત્કાલિક કટોકટી બેઠક યોજીને સ્થિતિની સમીક્ષા કરી છે અને તેને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના પ્રસ્તાવનો અનાદર ગણાવ્યો છે.

ચોંકાવનારી વાત એ છે કે, આ મિસાઇલ પરિક્ષણ એવા સમયે થયું જ્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઉત્તર કોરિયા સાથે રાજદ્વારી વાટાઘાટો ફરી શરૂ કરવાના હેતુથી દક્ષિણ કોરિયા સાથેની વાર્ષિક 'ઉલ્ચી ફ્રીડમ શીલ્ડ' કવાયતનું કદ નાનું કરવાનો નિર્દેશ આપ્યો હતો. પરંતુ ઉત્તર કોરિયાએ આ દરખાસ્તને ફગાવી દેતાં સ્પષ્ટ કર્યું છે કે કવાયતનું કદ ઘટાડવાથી અમેરિકાની "શત્રુતાપૂર્ણ નીતિ" બદલાતી નથી. કિમ જોંગ-ઉનની બહેન કિમ યો-જોંગના કડક નિવેદનના ચોવીસ કલાકમાં જ ઉત્તર કોરિયાએ મિસાઇલો દાગીને પોતાની સૈન્ય તાકાતનું પ્રદર્શન કર્યું છે.

ભારત પ્રવાસે આવેલા જાપાનના સંરક્ષણ પ્રધાન શિંજીરો કોઈઝુમીએ આ ઘટના પર સખત વાંધો વ્યક્ત કરતા જણાવ્યું છે કે મિસાઇલો જાપાનના વિશિષ્ટ આર્થિક ક્ષેત્ર (EEZ) બહાર પડી છે, પરંતુ આ પ્રકારના પ્રક્ષેપણ પ્રાદેશિક સુરક્ષા માટે મોટો ખતરો છે. યુદ્ધભય વચ્ચે ત્રણેય સાથી દેશો રિયલ-ટાઇમ મિસાઇલ ડેટા શેરિંગ પ્રોટોકોલ દ્વારા ઉત્તર કોરિયાની દરેક પ્રવૃત્તિ પર નજર રાખી રહ્યા છે. નિષ્ણાતોનું માનવું છે કે કિમ જોંગ-ઉન પોતાની શરતો પર વાટાઘાટો કરવા અને પોતાના પરમાણુ શસ્ત્રાગારની ક્ષમતા બતાવવા માટે આ પ્રકારના આક્રમક પગલાં ભરી રહ્યા છે.

(10:10 PM IST)