<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 21st August 2026

ડિગ્રીઓ છે પણ નોકરીઓ નથી: નીતિ આયોગના રિપોર્ટમાં શિક્ષણ અને ઉદ્યોગો વચ્ચેના મોટા અંતરનો ખુલાસો

દેશમાં માત્ર ૮.૨૫ ટકા સ્નાતકોને જ યોગ્ય નોકરી મળે છે : બીએ, બીકોમ અને બીએસસી ડિગ્રીઓ માત્ર કાગળ પુરતી સીમિત રહેતા ઉદ્યોગ જગતની જરૂરિયાતો અનુસાર શિક્ષણ પ્રણાલી બદલવા નીતિ આયોગની ભલામણ

નવી દિલ્હી:   ભારતમાં ઉચ્ચ શિક્ષણનો વ્યાપ દિન-પ્રતિદિન વધી રહ્યો છે અને દર વર્ષે લાખો યુવાનો હાથમાં ડિગ્રી લઈને કોલેજોમાંથી બહાર નીકળી રહ્યા છે, પરંતુ કડવી વાસ્તવિકતા એ છે કે ડિગ્રી હોવા છતાં યુવાનોને યોગ્ય રોજગાર મળવો મુશ્કેલ બની ગયો છે. નીતિ આયોગના તાજેતરમાં જાહેર કરાયેલા અહેવાલ "2047 માં વિકસિત ભારત માટે કૌશલ્યનું પુનઃકલ્પના" માં દેશની શિક્ષણ વ્યવસ્થા અને નોકરીઓની વાસ્તવિકતા વચ્ચેના મોટા અંતરને ઉજાગર કરવામાં આવ્યો છે. આર્થિક સર્વેક્ષણ ૨૦૨૪-૨૫ ના આંકડા દર્શાવે છે કે દેશમાં માત્ર ૮.૨૫ ટકા સ્નાતકો જ એવી નોકરીઓ કરી રહ્યા છે જે તેમના શૈક્ષણિક સ્તરને અનુરૂપ હોય, જ્યારે અડધાથી વધુ સ્નાતકોએ તેમની યોગ્યતા કરતાં નીચલા દરજ્જાની નોકરીઓ કરવા મજબૂર બનવું પડે છે.

અહેવાલ મુજબ દેશમાં હાલ ૩૪ મિલિયન (૩.૪ કરોડ) થી વધુ અંડરગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે, જેમાંથી ૨૦ મિલિયનથી વધુ વિદ્યાર્થીઓ પરંપરાગત બીએ, બીકોમ અને બીએસસી જેવા અભ્યાસક્રમોમાં નોંધાયેલા છે. માત્ર બીએના કોર્સમાં જ ૧.૧૩ કરોડ વિદ્યાર્થીઓ છે, જેમાંથી મોટાભાગના સરકારી નોકરીઓની તૈયારીના હેતુથી આ ડિગ્રી પસંદ કરે છે. જોકે, વર્તમાન સમયમાં માત્ર આ સિદ્ધાંતિક ડિગ્રીઓ સીધી નોકરી અપાવવામાં નિષ્ફળ નીવડે છે. એન્ટ્રી-લેવલની નોકરીઓમાં પણ ટેલી, ઓફિસ એપ્લિકેશન્સ કે ડિજિટલ ટૂલ્સ જેવી વ્યવહારુ કૌશલ્યતાની માંગ હોય છે, જેનો પરંપરાગત શિક્ષણમાં અભાવ જોવા મળે છે.

નીતિ આયોગના સર્વેમાં ૮૦ ટકા વિદ્યાર્થીઓએ સ્વીકાર્યું હતું કે વ્યવહારુ અનુભવ અને ઉદ્યોગના પ્રત્યક્ષ સંપર્કનો અભાવ તેમના માટે સૌથી મોટી અડચણ છે. કોલેજો દ્વારા કરાવવામાં આવતી ઇન્ટર્નશિપ પણ માત્ર કાગળ પરની ઔપચારિકતા બનીને રહી ગઈ છે, જ્યાં વિદ્યાર્થીઓને સ્પષ્ટ માર્ગદર્શન કે વાસ્તવિક કામ શીખવાની તક મળતી નથી. આ સમસ્યાના ઉકેલ માટે નીતિ આયોગે પરંપરાગત ડિગ્રીઓની સાથે એનાલિટિક્સ, ડિજિટલ માર્કેટિંગ કે એપ્લાઇડ ટેકનોલોજી જેવા કૌશલ્ય-આધારિત અભ્યાસક્રમો ઉમેરવાની અને ધોરણ ૬ થી જ શાળાઓમાં રોજગારલક્ષી તેમજ ઉદ્યોગસાહસિકતાના પાઠ ભણાવવાની ભારપૂર્વક ભલામણ કરી છે.

(10:42 PM IST)