<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 21st August 2026

બેંકોની ફેક એપ્સ બનાવનારા સામે સરકારની ડિજિટલ સર્જિકલ સ્ટ્રાઈક: ગુગલને ડેવલપમેન્ટ એકાઉન્ટ્સ હટાવવા કડક આદેશ

ફાયરબેઝ પ્લેટફોર્મનો ઉપયોગ કરીને બેંકિંગ ગ્રાહકોની રિવોર્ડ પોઈન્ટ્સ અને ક્રેડિટ કાર્ડ લિમિટના નામે લૂંટ ચલાવતી ગેંગ સામે I4C ની મોટી કાર્યવાહી : સાયબર છેતરપિંડીના પીડિતોને RBI રૂ. ૨૫,૦૦૦ સુધીનું આપશે વળતર

નવી દિલ્હી:  ડિજિટલ બેંકિંગ યુગમાં સાયબર ગુનેગારોની વધી રહેલી ચાલાકી સામે કેન્દ્ર સરકારે હવે લાલ આંખ કરી છે. દેશની મોટી સરકારી અને ખાનગી બેંકો સહિત નાણાકીય સંસ્થાઓની આબેહૂબ નકલી વેબસાઈટ્સ અને એન્ડ્રોઈડ એપ્લિકેશન્સ બનાવીને લોકો સાથે કરોડો રૂપિયાની ઠગાઈ કરતી ગેંગ સામે ગૃહ મંત્રાલયના ભારતીય સાયબર ક્રાઈમ કોઓર્ડિનેશન સેન્ટર (I4C) એ મોટી કાર્યવાહી કરી છે. સરકાર તરફથી ટેક ગાઈન્ટ ગૂગલને નોટિસ મોકલીને તેના 'ફાયરબેઝ' વેબ ડેવલપમેન્ટ પ્લેટફોર્મ પર ચાલતા તમામ શંકાસ્પદ અને નકલી એકાઉન્ટ્સ તાત્કાલિક અસરથી દૂર કરવા આદેશ આપવામાં આવ્યો છે. આ ફેક એપ્સ દ્વારા સ્કેમર્સ ક્રેડિટ કાર્ડની મર્યાદા વધારવા કે રિવોર્ડ પોઈન્ટ્સ રિડીમ કરવાના બહાને ગ્રાહકોની ગોપનીય નાણાકીય વિગતો ચોરી લેતા હતા.

ગૂગલે પણ સરકારી આદેશ પર ત્વરિત પ્રતિક્રિયા આપતા સ્પષ્ટ કર્યું છે કે કંપની ફિશિંગ, માલવેર અને નાણાકીય છેતરપિંડી પ્રત્યે ઝીરો ટોલરન્સ નીતિ ધરાવે છે અને તમામ નીતિવિષયક એકાઉન્ટ્સ સામે કાર્યવાહી શરૂ કરાઈ છે. સરકારી આંકડા દર્શાવે છે કે છેલ્લા પાંચ વર્ષમાં દેશને સાયબર ફ્રોડના કારણે આશરે ₹૫૨,૦૦૦ કરોડનું માતબર નુકસાન વેઠવું પડ્યું છે, જેમાં માત્ર વર્ષ ૨૦૨૫ દરમિયાન જ ₹૨૨,૫૦૦ કરોડથી વધુની ઠગાઈના ૨૮ લાખથી વધુ કેસો નોંધાયા હતા. ગ્રાહકો નકલી વેબસાઇટ્સથી છેતરાય નહીં તે માટે હવે તમામ બેંકો માટે વિશેષ .bank.in અને અન્ય નાણાકીય સંસ્થાઓ માટે .fin.in ડોમેન લાગુ કરવાની પ્રક્રિયા ઝડપી બનાવવામાં આવી છે.

બીજી તરફ, સાયબર ગુનાઓનો ભોગ બનેલા નિર્દોષ નાગરિકોને આર્થિક રાહત આપવા માટે ભારતીય રિઝર્વ બેંકએ વળતર નીતિ વધુ ઉદાર અને કડક બનાવી છે. નવી જોગવાઈઓ મુજબ, જો કોઈ ગ્રાહકને ડિજિટલ છેતરપિંડીના કારણે ₹૫૦,૦૦૦ સુધીનું નુકસાન થાય છે, તો પાત્રતા ધરાવતા પીડિતને ₹૨૫,૦૦૦ સુધીનું એકમ વળતર આપવામાં આવશે. આ ઉપરાંત, અનધિકૃત ટ્રાન્ઝેક્શનની જાણ ગ્રાહક જેટલી ઝડપથી બેંકને કરશે, તે મુજબ તેની નાણાકીય જવાબદારી શૂન્ય કે મર્યાદિત ગણવામાં આવશે. રિઝર્વ બેંક હવે આવી છેતરપિંડીના કિસ્સામાં પેમેન્ટ મોકલનાર અને મેળવનાર બંને બેંકો વચ્ચે સંયુક્ત જવાબદારી નક્કી કરવા માટે પણ કાયદાકીય માળખું તૈયાર કરી રહી છે.

(10:43 PM IST)