તા. ૨૮ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા વદ – ૨ સોમવાર
પાકિસ્તાનમાં ઈમરાન ખાનની રહસ્યમય મેડિકલ તપાસ પર હોબાળો: બહેન ઉઝમા ખાનના આંસુ અને શરીફ સરકાર પર ગંભીર આરોપો
સુપ્રીમ કોર્ટના આદેશ છતાં શિફાને બદલે પીઆઈએમએસ હોસ્પિટલમાં મોડી રાત્રે અંધારામાં કરાઈ તબીબી તપાસ : માનસિક ત્રાસ, આંખે પટ્ટી અને સમય-તારીખનું ભાન ભૂલી જવાનો પરિવારનો ભયાનક દાવો

ઇસ્લામાબાદ: : પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન અને પીટીઆઈ ના વડા ઈમરાન ખાનની જેલમુક્તિ અને તબીબી તપાસને લઈને પાકિસ્તાની રાજકારણમાં ભારે હોબાળો મચી ગયો છે. સુપ્રીમ કોર્ટના સ્પષ્ટ આદેશ છતાં, શાહબાઝ શરીફ સરકારે અદિયાલા જેલમાંથી મોડી રાત્રે ઈમરાન ખાનને બહાર કાઢી શિફા હોસ્પિટલના બદલે અત્યંત રહસ્યમય રીતે પીઆઈએમએસ (PIMS) સરકારી હોસ્પિટલે ખસેડ્યા હતા. આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન ઈસ્લામાબાદ શહેરના અનેક વિસ્તારોમાં સ્ટ્રીટલાઈટો બંધ કરી દેવામાં આવી હતી અને હોસ્પિટલમાં પણ અંધારપટ છવાયેલો હતો. મીડિયા અને પીટીઆઈના કાર્યકરોને ગુમરાહ કરવા માટે અલગ જ કાફલો રવાના કરવામાં આવ્યો હતો, જે બાદ સરકારી તંત્રની શંકાસ્પદ કામગીરી સામે અનેક સવાલો ઊભા થયા છે.
ઈમરાન ખાનની બહેન ડૉ. ઉઝમા ખાને મીડિયા સમક્ષ રડી પડતા શરીફ સરકાર અને જેલ પ્રશાસન પર અત્યંત આકરા અને ગંભીર આરોપો લગાવ્યા છે. મેડિકલ પેનલમાં સામેલ ડૉ. ઉઝમાના જણાવ્યા મુજબ, તેમને પણ અલગ વાહનમાં લાવવામાં આવ્યા હતા અને હોસ્પિટલનું નામ ગુપ્ત રખાયું હતું. તેમણે આરોપ લગાવ્યો કે, હોસ્પિટલમાં ઈમરાન ખાનની આંખોની તપાસ લાઈટો વગર, માત્ર ટોર્ચ (ફ્લેશલાઈટ) ના અજવાળામાં કરવામાં આવી હતી. અદિયાલા જેલથી હોસ્પિટલ લાવવા અને ફરી જેલ ભેગા કરવા વચ્ચેના આશરે છ કલાકના સમયગાળામાં તેમને સતત ગેરમાર્ગે દોરવામાં આવ્યા હતા અને જો પરિવાર મીડિયા સામે કંઈ પણ બોલશે તો સુપ્રીમ કોર્ટના અવમાનનાના નામે કાયદાકીય કાર્યવાહી કરવાની ધમકીઓ પણ આપવામાં આવી હતી.
અત્યંત ચોંકાવનારો દાવો કરતા ઉઝમા ખાને જણાવ્યું કે, ઈમરાન ખાનને લાંબા સમયથી એકાંત કેદ માં રાખીને ભયાનક શારીરિક અને માનસિક ત્રાસ આપવામાં આવી રહ્યો છે. ઈમરાનનો ચહેરો સોજેલો હતો, આંખો પર પટ્ટી બાંધેલી હતી અને તેમની સ્થિતિ એટલી હદે કથળી ગઈ છે કે તેમને એ પણ ખબર નથી પડી રહી કે અત્યારે કયો મહિનો કે તારીખ ચાલે છે તેઓ ઓગસ્ટ અને જૂન-જુલાઈ વચ્ચેનો તફાવત પણ ભૂલી ગયા છે. બીજી તરફ, પાકિસ્તાન સરકારે ઉઝમા ખાનના આ તમામ આરોપોને પાયાવિહોણા ફગાવી દેતાં દાવો કર્યો છે કે ઈમરાન ખાન તંદુરસ્ત છે અને તેમને પૂરી સુરક્ષા તથા નિયમિત તબીબી સંભાળ પૂરી પાડવામાં આવી રહી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
