<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 21st August 2026

રાહુલ ગાંધીના કાર્યક્રમ પહેલા મહારાષ્ટ્રમાં રાજકીય ગરમાવો: સોશિયલ મીડિયા પ્રભાવકોને ૨૫,૦૦૦ આપવાના આરોપથી ભાજપ-કોંગ્રેસ આમને-સામને

પુણેમાં ''છાત્રો કી ગુંજ' કાર્યક્રમમાં ભીડ અને પ્રચાર માટે યુવાનોને નાણાં ઓફર કરાતા હોવાની કથિત ઓડિયો ક્લિપ ભાજપે જાહેર કરી : કોંગ્રેસના નેતૃત્વ અને વિશ્વસનીયતા પર ભાજપના આકરા પ્રહારો

પુણે:    લોકસભામાં વિરોધ પક્ષના નેતા અને કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીના પુણે સ્થિત પ્રસ્તાવિત "છત્રોં કી ગૂંજ" કાર્યક્રમ પહેલા જ મહારાષ્ટ્રના રાજકારણમાં ભારે વિવાદ સર્જાયો છે. ભારતીય જનતા પાર્ટી (ભાજપ) એ પોતાના સત્તાવાર સોશિયલ મીડિયા હેન્ડલ પર એક કથિત ફોન કોલ રેકોર્ડિંગનો વિડિઓ શેર કરીને કોંગ્રેસ પાર્ટી પર ગંભીર આરોપો લગાવ્યા છે. ભાજપનો દાવો છે કે કાર્યક્રમમાં હાજરી આપવા, ભીધ ભેગી કરવા અને રાહુલ ગાંધીના ભાષણ તેમજ કવરેજના વિડિઓ પ્રમોટ કરવા માટે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સ (પ્રભાવકો) ને ₹૨૫,૦૦૦ સુધીની રોકડ રકમની ઓફર કરવામાં આવી રહી છે.

જાહેર કરાયેલી કથિત ઓડિયો ક્લિપમાં 'શાંતનુ' નામનો એક વ્યક્તિ મહિલા ઇન્ફ્લુએન્સર સાથે કાર્યક્રમમાં આવવા અને કન્ટેન્ટ પોસ્ટ કરવા માટે વાટાઘાટો કરતો સાંભળવા મળે છે. કોલર દ્વારા શરત મૂકવામાં આવી હતી કે માત્ર કાર્યક્રમમાં આવવું પૂરતું નથી, પરંતુ મહિલા વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરીને રાહુલ ગાંધીના ભાષણ અને કાર્યક્રમના ૨ થી ૩ વિડિઓ પોતાના પર્સનલ સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી ૨૨ ઓગસ્ટની રાત કે ૨૩ ઓગસ્ટની સવાર સુધીમાં અપલોડ કરવા પડશે. ત્યારબાદ જ UPI અથવા બેંક ટ્રાન્સફર દ્વારા ₹૨૫,૦૦૦ ની ચૂકવણી કરવામાં આવશે. ભાજપે આ અંગે આકરા પ્રહારો કરતા કહ્યું કે રાહુલ ગાંધીનું નેતૃત્વ એટલું નબળું પડી ગયું છે કે હવે પૈસા આપીને ભીડ ભેગી કરવી પડે છે.

બીજી તરફ, પુણેના SSPMS કોલેજ ગ્રાઉન્ડ ખાતે યોજાનારા આ કાર્યક્રમમાં આશરે ૮,૦૦૦ થી ૧૦,૦૦૦ મહિલા વિદ્યાર્થીઓ અને યુવાનો એકઠા થવાની શક્યતાને પગલે પુણે પોલીસે સુરક્ષાના કડક પગલાં લીધા છે. પોલીસે કાર્યક્રમ સ્થળે કોઈપણ પ્રકારના વિવાદિત કે ઉશ્કેરણીજનક પોસ્ટરો, બેનરો અને ફોટા પ્રદર્શિત કરવા પર સંપૂર્ણ પ્રતિબંધ લાદી દીધો છે. આ ઉપરાંત, કાર્યક્રમ દરમિયાન જો કાયદો અને વ્યવસ્થાની કોઈ અનિચ્છનીય પરિસ્થિતિ સર્જાશે, તો તેના માટે આયોજકોને જ કાયદાકીય રીતે જવાબદાર ગણવામાં આવશે તેવી કડક ચેતવણી પણ પ્રશાસન દ્વારા આપવામાં આવી છે.

(10:47 PM IST)