<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 22nd August 2026

કેનેડાના ગુરુદ્વારામાં અરદાસ દરમિયાન હુમલોઃ બે ઘાયલ

નાનકસર ગુરુદ્વારામાં પ્રાર્થના ચાલી રહી હતી ત્‍યારે આ હુમલોઃ ૨૭ વર્ષીય વ્‍યક્‍તિની ધરપકડ

ઓટાવા તા.૨૨: કેનેડાના આલ્‍બર્ટા પ્રાંતમાં ગુરુદ્વારામાં એક વ્‍યક્‍તિએ બે લોકોને છરીથી ઘા કર્યા હતા. પોલીસ અને સમુદાયના પ્રતિનિધિઓના જણાવ્‍યા અનુસાર, લગ્ન સમારોહ પહેલા સવારે અરદાસ (પ્રાર્થના) ચાલી રહી હતી. એડમોન્‍ટનના ઉત્તરપૂર્વીય બહારના ભાગમાં સ્‍થિત નાનકસર ગુરુશિખ મંદિર ગુરુદ્વારામાં સવારે લગભગ ૫ વાગ્‍યે હુમલો થયો હતો. હુમલાને કારણે સમગ્ર ગુરુદ્વારા સંકુલમાં અંધાધૂંધી મચી ગઈ હતી.

એડમોન્‍ટન પોલીસ સર્વિસે જણાવ્‍યું હતું કે ૧૪મી સ્‍ટ્રીટ અને હોર્સહિલ રોડ નજીક બનેલી ઘટનાની માહિતી મળતાં પોલીસ ઘટનાસ્‍થળે પહોંચી હતી અને તે વ્‍યક્‍તિની ધરપકડ કરી હતી. તબીબી સ્‍ટાફ ઘટનાસ્‍થળે પહોંચ્‍યો હતો અને બંને ઘાયલોની સારવાર કરી હતી. તેમણે કહ્યું કે તેમને ગંભીર ઈજાઓ થઈ છે. બંને હાલમાં સારવાર હેઠળ છે.

પોલીસ હજુ સુધી હુમલાનો હેતુ નક્કી કરી શકી નથી. પોલીસે વ્‍યક્‍તિગત ઈજાનો આરોપ લગાવીને કેસ નોંધ્‍યો છે અને તપાસ શરૂ કરી છે. મંદિરના પ્રતિનિધિ હરમીક સેહગલે જણાવ્‍યું હતું કે એક વ્‍યક્‍તિ ગુરુદ્વારામાં ઘૂસી ગયો અને સવારની પ્રાર્થના સેવામાં વિક્ષેપ પાડ્‍યો, જે તે દિવસે મોડી રાત્રે યોજાનાર લગ્ન પહેલા યોજાઈ રહી હતી.

ગ્‍લોબલ ન્‍યૂઝ અનુસાર, સેહગલે કહ્યું, તેણે પ્રવેશ કર્યો અને હંગામો મચાવ્‍યો. અમારી સવારની પ્રાર્થના સેવામાં વિક્ષેપ પડ્‍યો. જે લોકો પ્રાર્થના કરી રહ્યા હતા તેઓએ તે માણસને જોયો. તે સામાન્‍ય મુલાકાતી જેવો દેખાતો ન હતો. પ્રાર્થના કરનારાઓએ શરૂઆતમાં તેની સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેણે સહકાર આપ્‍યો નહીં.

તે કોઈનું સાંભળતો ન હતો. તેથી લોકોએ તેને શાંત કરવાનો અને તેને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેણે પ્રતિકાર કરવાનું શરૂ કર્યું તાત્‍કાલિક પોલીસને બોલાવવામાં આવી. આ અથડામણ દરમિયાન, તેણે બે લોકોને છરા માર્યા.

સેહગલે કહ્યું કે સમુદાયના સભ્‍યો હવે ઘટનાનું કારણ અને સંજોગો નક્કી કરવા માટે તપાસ એજન્‍સીઓના અહેવાલોની રાહ જોઈ રહ્યા છે. શીખ અમેરિકન લીગલ ડિફેન્‍સ એન્‍ડ એજ્‍યુકેશન ફંડે કહ્યું કે ધાર્મિક સ્‍થળની અંદર આવી હિસા ખૂબ જ ચિતાજનક છે.

સંગઠને કહ્યું કે ગુરુદ્વારાની અંદર હુમલો ખૂબ જ ચિંતાજનક છે. આપણા ગુરુદ્વારા પૂજા, સેવા અને સમુદાયના કેન્‍દ્રો છે. અમારા ભક્‍તોને અહીં સુરક્ષિત વાતાવરણમાં અને ભય વિના ભેગા થવાનો અધિકાર છે.

ગુરુદ્વારા પરિસરમાં છરાબાજીના હુમલા બાદ કેનેડિયન વડા પ્રધાન માર્ક કાર્નેએ ટ્‍વિટર પર લખ્‍યું, એડમોન્‍ટનમાં નાનકસર ગુરુદ્વારા પર હુમલો આઘાતજનક છે. ઘાયલ થયેલા લોકો સાથે મારી સંવેદના છે. કોઈએ પણ તેમના પૂજા સ્‍થળમાં અસુરક્ષિત અનુભવવું જોઈએ નહીં. હું એડમોન્‍ટન પોલીસ સેવાનો તેમના ઝડપી પગલાં માટે આભાર માનું છું.

(10:25 AM IST)