News of Saturday, 22nd August 2026
ફૂટપાથથી ફિલ્મજગતના શિખર સુધી પહોંચેલા દિગ્દર્શક એચ.એસ. રવૈલની જન્મજયંતી
‘પતંગા'થી ‘મેરે મહેબૂબ' અને ‘લૈલા મજનૂ' સુધી પ્રેમકથાઓને સંગીતમય ભવ્યતા આપનાર સર્જક

હિન્દી ફિલ્મજગતના પ્રતિષ્ઠિત દિગ્દર્શક એચ. એસ. રવૈલનું નામ ભારતીય સિનેમાની યાદગાર પ્રેમકથાઓ અને ‘મુસ્લિમ સોશિયલ' ફિલ્મો સાથે અવિભાજ્ય રીતે જોડાયેલું છે. ચાર દાયકાથી વધુ લાંબી કારકિર્દીમાં તેમણે ‘પતંગા', ‘શરારત', ‘મેરે મહેબૂબ', ‘સંઘર્ષ', ‘મહેબૂબ કી મહેંદી' અને ‘લૈલા મજનૂ' જેવી અનેક યાદગાર ફિલ્મો આપી હતી.
એચ. એસ. રવૈલનું પૂરું નામ હરનામસિંહ રવૈલ હતું. તેમનો જન્મ ૨૧ ઑગસ્ટ, ૧૯૨૧ના રોજ અવિભાજિત પંજાબના લાયલપુરમાં થયો હતો. જે શહેર આજે પાકિસ્તાનમાં ફૈસલાબાદ તરીકે ઓળખાય છે. નાની ઉંમરથી જ ફિલ્મો પ્રત્યે આકર્ષણ હોવાથી તેઓ કિશોરાવસ્થામાં મુંબઈ આવ્યા હતા. જોકે ફિલ્મજગતમાં સ્થાન મેળવવાનો પ્રારંભિક પ્રવાસ અત્યંત કઠિન રહ્યો. કામ અને રહેવાની જગ્યા ન હોવાથી અનેક રાતો તેમણે રસ્તા ઉપર તથા માધવબાગ મંદિરના પરિસરમાં વિતાવી હતી.
મુંબઈમાં સફળતા ન મળતાં તેઓ કોલકાતા પહોંચ્યા, જ્યાં દિગ્દર્શક કેદાર શર્મા સાથે કામ કરવાની તક મળી. સંઘર્ષના એ દિવસોમાં અભિનેત્રી રમોલાએ તેમને તથા અન્ય કેટલાક સંઘર્ષશીલ કલાકારોને રહેઠાણ અને જીવનજરૂરિયાતની મદદ કરી હતી.
રવૈલે શરૂઆતમાં સહાયક, પટકથાલેખક, ગીતકાર અને અભિનેતા તરીકે કામ કર્યું. ‘બાંકે સિપાહી' માટે લેખન કર્યા બાદ તેમણે ‘ના હોનેવાલી બાત', ‘વીર કેસરી' અને ‘યાદ રહે' જેવી ફિલ્મો માટે ગીતો લખ્યાં હતાં. કેટલીક પંજાબી ફિલ્મો ઉપરાંત આર. એલ. શોરીની ‘પૂરણ ભગત'માં તેમણે અભિનય પણ કર્યો હતો.
માત્ર ૧૯ વર્ષની ઉંમરે ૧૯૪૦માં ‘દોરંગિયા ડાકુ'થી તેમણે દિગ્દર્શનનો આરંભ કર્યો. ‘શુક્રિયા', ‘ઝિદ' અને ‘જૂઠી કસમૈં' જેવી પ્રારંભિક ફિલ્મોને અપેક્ષિત સફળતા મળી નહોતી. પરંતુ ૧૯૪૯માં આવેલી ‘પતંગા'એ તેમના જીવનની દિશા બદલી નાખી. નિગાર સુલતાના, શ્યામ, યાકૂબ અને ગોપ અભિનીત આ ફિલ્મનું શમશાદ બેગમ અને ચિતલકરે ગાયેલું ‘મેરા પિયા ગયે રંગૂન' આજે પણ લોકપ્રિય છે.
ત્યારબાદ તેમણે ‘દો બાતેં', ‘સગાઈ', ‘જવાની કી આગ', ‘સાકી', ‘શગુફ્તા', ‘લહેરેં', ‘મસ્તાના' અને ‘તીરંદાઝ' જેવી ફિલ્મો બનાવી. દેવ આનંદ અને ગીતા બાલી અભિનીત ‘પોકેટમાર'ની કથામાં તેમના પોતાના સંઘર્ષના કેટલાક અંશો જોવા મળતા હતા. મીના કુમારી, કિશોર કુમાર, રાજકુમાર અને કુમકુમ અભિનીત ‘શરારત'ની સફળતાએ દિગ્દર્શક તરીકે તેમની પ્રતિષ્ઠા વધુ મજબૂત કરી. આ ફિલ્મનું કિશોર કુમારે ગાયેલું ‘હમ મતવાલે નૌજવાન' ખૂબ લોકપ્રિય બન્યું હતું.
૧૯૬૩માં આવેલી ‘મેરે મહેબૂબ' રવૈલની કારકિર્દીનું સૌથી મહત્ત્વનું શિખર બની. રાજેન્દ્ર કુમાર અને સાધનાની રોમેન્ટિક જોડીને દર્શકોએ ખૂબ પસંદ કરી. અશોક કુમાર, નિમ્મી, જોની વોકર, અમીતા અને પ્રાણે પણ ફિલ્મમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકાઓ ભજવી હતી. નવાબી સંસ્કળતિ, શાલીન પ્રેમકથા, ભવ્ય રજૂઆત અને અવિસ્મરણીય સંગીતને કારણે આ ફિલ્મ ઐતિહાસિક સફળતા પામી.
નૌશાદના સંગીત અને શકીલ બદાયુનીના શબ્દોથી સજેલાં ‘મેરે મહેબૂબ તુઝે', ‘તેરે પ્યાર મેં દિલદાર', ‘એ હુસ્ન જરા જાગ', ‘મેરે મહેબૂબ મેં કયા નહીં', ‘તુમસે ઇઝહાર-એ-હાલ કર બેઠે' અને ‘યાદ મેં તેરી' જેવા ગીતોએ ફિલ્મને અમર બનાવી દીધી. ‘મેરે મહેબૂબ' પછી એચ. એસ. રવૈલ પ્રેમકથાઓ અને મુસ્લિમ સામાજિક ફિલ્મોના અગ્રણી દિગ્દર્શક તરીકે સ્થાપિત થયા.
૧૯૬૮ની ‘સંઘર્ષ'માં ૧૯મી સદીની પળષ્ઠભૂમિ સાથે ઠગ ટોળીઓ અને સામાજિક સંઘર્ષની કથા રજૂ કરવામાં આવી હતી. દિલીપ કુમાર, વૈજયંતીમાલા, બલરાજ સાહની, સંજીવ કુમાર અને જયંત જેવા દિગ્ગજ કલાકારોના અભિનયથી આ ફિલ્મ વિશેષ બની હતી.
૧૯૭૧માં રાજેશ ખન્ના અને લીના ચંદાવરકર અભિનીત ‘મહેબૂબ કી મહેંદી' બનાવી. લક્ષ્મીકાંત-પ્યારેલાલના મધુર સંગીતથી સજેલી આ ફિલ્મ રાજેશ ખન્નાની સતત સફળ ફિલ્મોની શ્રેણીમાં સ્થાન પામી હતી. ત્યારબાદ ૧૯૭૬માં રિશી કપૂર અને રણજીતા અભિનીત ‘લૈલા મજનૂ' દ્વારા તેમણે લોકપ્રસિદ્ધ પ્રેમગાથાને પડદા ઉપર ભાવસભર ભવ્યતા આપી. ભારતીય સિનેમામાં ‘લૈલા મજનૂ'ની શ્રેષ્ઠ રજૂઆતોમાં આ ફિલ્મની ગણના થાય છે.
જિતેન્દ્ર, રિશી કપૂર, રેખા અને ટીના મુનીમ અભિનીત ‘દીદાર-એ-યાર' તેમની છેલ્લી દિગ્દર્શિત ફિલ્મ બની. ભારે અપેક્ષાઓ સાથે બનેલી આ ફિલ્મ વ્યવસાયિક રીતે સફળ ન રહી. ત્યારબાદ રવૈલે દિગ્દર્શનથી અંતર રાખ્યું. ૧૭ સપ્ટેમ્બર, ૨૦૦૪ના રોજ તેમનું અવસાન થયું, પરંતુ તેમની સંગીતમય ફિલ્મો આજે પણ હિન્દી સિનેમાની અમૂલ્ય ધરોહર છે.
(હિન્દી ફિલ્મોના સુવર્ણ યુગના યાદગાર ગીતોના જાણીતા સંગીતજ્ઞ મહેશભાઈ યાજ્ઞિક મો. ૯૪૨૭૪ ૫૫૫૪૧ ની સોશ્યલ મિડિયા પોસ્ટ સાભાર) (૩૬.ર)
પુત્ર અને પૌત્રએ આગળ વધાર્યો ફિલ્મી વારસો
એચ. એસ. રવૈલના પુત્ર રાહુલ રવૈલે પણ દિગ્દર્શક તરીકે હિન્દી ફિલ્મજગતમાં આગવું સ્થાન મેળવ્યું. ‘બેતાબ', ‘અર્જુન', ‘ડકૈત' અને ‘જીવન એક સંઘર્ષ' જેવી ફિલ્મો તેમની નોંધપાત્ર કળતિઓ છે. પિતા એચ. એસ. રવૈલની ‘સંઘર્ષ'ની સ્મળતિ સાથે રાહુલ રવૈલે ૧૯૯૦માં ‘જીવન એક સંઘર્ષ' બનાવી હતી. તેમના પૌત્ર રજત રવૈલ પણ ફિલ્મજગત સાથે સંકળાયેલા છે. આમ, રવૈલ પરિવારની ત્રણ પેઢીએ ભારતીય સિનેમામાં પોતાનું યોગદાન આપ્યું છે.
‘મેરે મહેબૂબ'ラસંગીત, શાયરી અને નવાબી સંસ્કળતિનો સુવર્ણ સંગમ
‘મેરે મહેબૂબ'એ એચ. એસ. રવૈલને દેશના અગ્રણી દિગ્દર્શકોની હરોળમાં મૂકી દીધા હતા. રાજેન્દ્ર કુમાર અને સાધનાની પ્રેમકથા, નૌશાદનું સંગીત, શકીલ બદાયુનીની શાયરી અને લખનઉની નવાબી સંસ્કળતિનું સૌમ્ય ચિત્રણ આ ફિલ્મની વિશેષતા હતી. ફિલ્મનાં ગીતો આજે પણ એટલાં જ લોકપ્રિય છે. આ સફળતાએ રવૈલને ભવ્ય પ્રેમકથાઓ અને મુસ્લિમ સામાજિક ફિલ્મોના નિષ્ણાત દિગ્દર્શક તરીકે ઓળખ અપાવી હતી.
(1:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
