<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 22nd August 2026

બાળકોની શરદી-ખાંસીની સિરપ પર કેન્‍દ્ર સરકારની એડવાઇઝરી જાહેર

૪ વર્ષથી નાના બાળકોના સ્‍વાસ્‍થ્‍ય સુરક્ષા માટે મહત્‍વનો નિર્ણયઃ ઉત્‍પાદન, વેચાણ અને વિતરણ પર પ્રતિબંધ

 

 

નવી દિલ્‍હી, તા.૨૨: નાના બાળકોના સ્‍વાસ્‍થ્‍ય અને સુરક્ષાને ધ્‍યાનમાં રાખીને કેન્‍દ્ર સરકારે દેશભરમાં એક મોટો અને આકરો નિર્ણય લીધો છે. ૪ વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સામાન્‍ય રીતે વપરાતી શરદી અને ખાંસીની તમામ ફિક્‍સ્‍ડ-ડોઝ કોમ્‍બિનેશન દવાઓ પર તાત્‍કાલિક અસરથી રોક લગાવી દેવામાં આવી છે. સરકારે ડ્રગ્‍સ એન્‍ડ કોસ્‍મેટિક્‍સ એક્‍ટ, ૧૯૪૦ ની કલમ ૨૬A હેઠળ આ આદેશ જારી કરીને આવી દવાઓના ઉત્‍પાદન, વેચાણ અને વિતરણ પર કડક નિયંત્રણો લાદી દીધા છે. ખાસ કરીને જે દવાઓમાં ક્‍લોરફેનિરામાઇન મેલેટ અને ફેનાઇલફ્રાઇન હાઇડ્રોક્‍લોરાઇડ (નું મિશ્રણ છે, તેવી તમામ દવાઓ આ પ્રતિબંધની ઝડપમાં આવી ગઈ છે.

આ મોટો નિર્ણય એક્‍સપર્ટ કમિટી, વર્લ્‍ડ હેલ્‍થ ઓર્ગેનાઈઝેશન અને ડ્રગ ટેકનિકલ એડવાઈઝરી બોર્ડની ભલામણોના આધારે લેવામાં આવ્‍યો છે. તબીબી નિષ્‍ણાતોના મતે, ચાર વર્ષથી ઓછી વયના નાના બાળકોમાં આ કેમિકલ સંયોજનો સ્‍વાસ્‍થ્‍ય પર ગંભીર વિપરીત અસરો ઉભી કરી શકે છે. ભૂતકાળમાં આ દવાઓના કારણે બાળકોમાં શ્વાસ લેવામાં તકલીફ, હૃદયના ધબકારા અનિયમિત થવા અને અન્‍ય ગંભીર જટિલતાઓની ફરિયાદો સામે આવી હતી. મંત્રાલયે સ્‍પષ્ટ કર્યું છે કે નાના બાળકો માટે બજારમાં અન્‍ય સુરક્ષિત વિકલ્‍પો ઉપલબ્‍ધ છે, તેથી આ પ્રકારના જોખમી સાયન્‍ટિફિક કોમ્‍બિનેશનનો ઉપયોગ બાળસ્‍વાસ્‍થ્‍ય માટે યોગ્‍ય નથી.

સરકારના નવા નિયમ અનુસાર, હવેથી તમામ ફાર્માસ્‍યુટિકલ કંપનીઓએ તેમની દવાના લેબલ, બોક્‍સ, પેકેજ પર અને પ્રમોશનલ સામગ્રી પર સ્‍પષ્ટ અને મોટા અક્ષરોમાં આ ચેતવણી છાપવી પડશે, ૪ વર્ષથી ઓછી ઉંમરના બાળકોમાં આ ફિક્‍સ્‍ડ ડોઝ સંયોજનનો ઉપયોગ કરવો નહીં. અગાઉ એપ્રિલ ૨૦૨૫ માં અમુક ચોક્કસ બ્રાન્‍ડ્‍સ માટે જ આ નિયમ હતો, પરંતુ હવે સરકારે તેનો વ્‍યાપ વધારીને આ બંને ઘટકો ધરાવતી તમામ દવાઓ માટે આ ચેતવણી અને પ્રતિબંધ સાર્વત્રિક રીતે અમલી બનાવી દીધો છે. ડોકટરોએ પણ વાલીઓને સલાહ આપી છે કે હવેથી બાળકને જાતે જ કોઈ પણ કફ-સિરપ આપવાને બદલે માત્ર નિષ્‍ણાત બાળરોગ ચિકિત્‍સકની સલાહ બાદ જ દવાઓ આપવી.

(3:49 PM IST)