<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 22nd August 2026

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સ્થાનિક યુવાનોની સર્જનાત્મકતાનો ડંકો : એકતા સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટરના તાલીમાર્થીઓ દ્વારા નિર્મિત આકર્ષક રાખડીઓના વેચાણ માટે વિશેષ સ્ટોલ્સ ઊભા કરાયા

SoUADTGAના સહયોગથી કૌશલ્ય તાલીમ મેળવતા યુવાનોને સ્વરોજગારી અને આત્મનિર્ભરતા તરફ દોરી જવા રક્ષાબંધન પર્વ નિમિત્તે બસ બે, શ્રેષ્ઠ ભારત ભવન અને વહીવટી સંકુલ ખાતે રાખડી પ્રદર્શન-વેચાણનું આયોજન

એકતા નગર : વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી અને તેની આસપાસ વિકસાવવામાં આવેલા વિવિધ પ્રવાસન આકર્ષણોના કારણે એકતા નગર આજે દેશ અને વિદેશના પ્રવાસીઓ માટે એક મહત્વપૂર્ણ પ્રવાસન કેન્દ્ર તરીકે ઉભરી આવ્યું છે. પ્રવાસન વિકાસની સાથે સ્થાનિક યુવાનોને વિકાસની મુખ્યધારામાં જોડવા અને તેમને રોજગારીલક્ષી પ્રવૃત્તિઓ પૂરી પાડવાના હેતુથી એકતા સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટર ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સત્તામંડળ (SoUADTGA)ના સહયોગ તેમજ માર્ગદર્શન હેઠળ વિવિધ ટૂંકાગાળાના તાલીમ કાર્યક્રમો ચલાવવામાં આવી રહ્યા છે.

 

આ કેન્દ્ર ખાતે તાલીમાર્થીઓના સર્વાંગી વિકાસ અને સર્જનાત્મક ક્ષમતાને પ્રોત્સાહન આપવા માટે તહેવારો અનુસાર વિશેષ વર્કશોપનું આયોજન કરાય છે. જેના ભાગરૂપે રક્ષાબંધન પર્વ નિમિત્તે યોજાયેલી ખાસ વર્કશોપમાં GMR અને સેન્ટરના તાલીમાર્થીઓએ પોતાની કલાસૂઝ અને કૌશલ્યનો ઉપયોગ કરીને વિવિધ ડિઝાઇનની મનોહર રાખડીઓ તૈયાર કરી છે.

 

સ્થાનિક યુવાનો દ્વારા નિર્મિત આ આકર્ષક રાખડીઓ પ્રવાસીઓ અને મુલાકાતીઓ ખરીદી શકે તે માટે સ્ટેચ્યુ ઓફ યુનિટીના વિવિધ મોકાના સ્થળો પર વેચાણ સ્ટોલ ગોઠવવામાં આવ્યા છે. જેમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી (SoU) બસ બે વિસ્તાર ખાતે તારીખ ૨૨ ઓગસ્ટ ૨૦૨૬થી ૨૮ ઓગસ્ટ ૨૦૨૬ સુધી, શ્રેષ્ઠ ભારત ભવન પાર્કિંગ એરિયા ખાતે તારીખ ૨૫ ઓગસ્ટ ૨૦૨૬થી ૨૮ ઓગસ્ટ ૨૦૨૬ સુધી તેમજ વહીવટી સંકુલ, એકતા નગર ખાતે તારીખ ૨૫ ઓગસ્ટ ૨૦૨૬થી ૨૬ ઓગસ્ટ ૨૦૨૬ દરમિયાન આ સ્ટોલ્સ કાર્યરત રહેશે.

 

આ પહેલથી પ્રવાસીઓને સ્થાનિક યુવાનોની કૌશલ્ય તાલીમ દરમિયાન તૈયાર થયેલી સર્જનાત્મક રાખડીઓ ખરીદવાની ઉત્તમ તક મળશે. બીજી તરફ સ્થાનિક યુવાનોને પોતાની કળા પ્રદર્શિત કરવા માટે યોગ્ય મંચ મળવાની સાથે આત્મનિર્ભરતા અને સ્વરોજગાર તરફ આગળ વધવા પ્રોત્સાહન પ્રાપ્ત થશે.

(5:15 PM IST)