News of Saturday, 22nd August 2026
નાના બાળકોની સુરક્ષા અને આરોગ્યને ધ્યાનમાં રાખીને સરકારે ચોક્કસ FDC દવાઓના વેચાણ અને વિતરણ પર મૂક્યો પ્રતિબંધ; લેબલ પર ખાસ ચેતવણી લખવી ફરજિયાત બની
૪ વર્ષથી નાના ભૂલકાંઓને શરદી-ઉધરસની આ દવાઓ ભૂલથી પણ ન આપતા: કેન્દ્ર સરકારનો મોટો અને મહત્વનો નિર્ણય

નવી દિલ્હી : કેન્દ્ર સરકારે નાના બાળકોના સ્વાસ્થ્ય અને સુરક્ષાને લઈને એક ખૂબ જ મહત્વપૂર્ણ અને મોટો નિર્ણય લીધો છે. ૪ વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે શરદી અને ઉધરસમાં અવારનવાર વપરાતી 'ક્લોરફેનિરામાઈન મેલેટ' (Chlorpheniramine Maleate) અને 'ફિનાઈલફ્રીન હાઈડ્રોક્લોરાઈડ' (Phenylephrine Hydrochloride) ધરાવતી ફિક્સ્ડ ડોઝ કોમ્બિનેશન (FDC) દવાઓ પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. નાના ભૂલકાંઓમાં આવી દવાઓના અયોગ્ય કે વધુ પડતા ઉપયોગથી થતી આડઅસરો અને જોખમોને ટાળવા માટે આ કડક પગલું ભરવામાં આવ્યું છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયની વિશેષ સમિતિ અને ડ્રગ્સ ટેકનિકલ એડવાઈઝરી બોર્ડ (DTAB)ની ભલામણો બાદ આ આદેશ બહાર પાડવામાં આવ્યો છે. નિષ્ણાતોના મતે ૪ વર્ષથી નાની વયના બાળકો માટે આ કોમ્બિનેશન ધરાવતી દવાઓ જોખમી સાબિત થઈ શકે છે, જ્યારે આ જ તકલીફો માટે માર્કેટમાં આનાથી વધુ સુરક્ષિત અને યોગ્ય વિકલ્પો ઉપલબ્ધ છે.
દવાના પેકિંગ પર ચેતવણી લખવી હવેથી ફરજિયાત
સરકારે માત્ર પ્રતિબંધ નથી મૂક્યો, પરંતુ દવા ઉત્પાદકો માટે પણ કડક નિયમો લાગુ કર્યા છે. હવેથી આવી તમામ દવાઓના પેકેટ, લેબલ અને પ્રચાર સામગ્રી પર સ્પષ્ટ અક્ષરોમાં ચેતવણી લખવી પડશે કે "આ દવાનો ઉપયોગ ૪ વર્ષથી નાની ઉંમરના બાળકો માટે કરવો નહીં." આ પગલાનો મુખ્ય હેતુ માતા-પિતા અને વાલીઓમાં જાગૃતિ લાવવાનો છે, જેથી અજાણતાં પણ બાળકોના સ્વાસ્થ્ય સાથે કોઈ રમત ન રમાય.
સામાન્ય રીતે ક્લોરફેનિરામાઈન એક એન્ટી-એલર્જિક દવા છે જે શરદી અને એલર્જીમાં રાહત આપે છે, જ્યારે ફિનાઈલફ્રીન બંધ નાક ખોલવામાં મદદ કરે છે. આ બંનેનું મિશ્રણ અત્યાર સુધી શરદી-ઉધરસમાં વ્યાપકપણે વપરાતું હતું, પરંતુ હવે ૪ વર્ષથી નાના બાળકો માટે આ સિરોપ કે ગોળીઓ આપવા પર પૂર્ણપણે રોક લગાવી દેવામાં આવી છે.
(6:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
