News of Saturday, 22nd August 2026
સચોટ રિપોર્ટિંગથી ભયભીત પાકિસ્તાનનું કાયરતાપૂર્ણ કૃત્ય: PoK આંદોલનનું કવરેજ કરનાર વરિષ્ઠ પત્રકાર દાનિશ ઇર્શાદને આતંકવાદીઓની વોચ લિસ્ટમાં ધકેલ્યો
કોઈ પણ કોર્ટ કેસ વિના ચોથી સૂચિમાં નામ ઉમેરાતા વૈશ્વિક સ્તરે ભારે રોષ!: પાકિસ્તાન સરકારની દમનકારી નીતિ ઉઘાડી પડી

ઇસ્લામાબાદ: પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીર (PoK) માંથી સત્ય સામે લાવવું હવે ભારે પડી રહ્યું છે. લાહોરના 'ન્યૂઓ ન્યૂઝ' સાથે જોડાયેલા અને 'કાશ્મીર ટાઇમ્સ'ના કોલમનિસ્ટ પત્રકાર દાનિશ ઇર્શાદને પાકિસ્તાન સરકારે કોઈ પણ કોર્ટ ટ્રાયલ કે સુનાવણી વિના આતંકવાદીઓની દેખરેખ યાદી એટલે કે 'ચોથી સૂચિ' માં ધકેલી દીધો છે. છેલ્લા એક દાયકાથી PoKના રાજકીય અને સામાજિક મુદ્દાઓને આવરી લેતા પત્રકાર પર અચાનક આતંકવાદનો સિક્કો મારી દેવાની આ ઘટનાએ પાકિસ્તાનની સત્તાધારી શાસન વ્યવસ્થા અને પ્રેસ ફ્રીડમ પર ગંભીર પ્રશ્નાર્થો ઊભા કર્યા છે.
અસલમાં, PoKમાં 'જમ્મુ અને કાશ્મીર જોઈન્ટ આવામી એક્શન કમિટી' (JAAC) દ્વારા મોંઘવારી, સબસીડી રદ કરવા અને રાજકીય અધિકારો માટે મોટું આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે. દાનિશ ઇર્શાદે સુરક્ષા દળોની હિંસક કાર્યવાહી અને દમનનો ભોગ બનેલા નાગરિકોની વ્યથાને નિડરતાથી લોકો સામે મૂકી હતી. આ અવાજને દબાવવા માટે PoK ગૃહ વિભાગે ૨૯ જુલાઈના રોજ એક આદેશ બહાર પાડીને ૨૪ શંકાસ્પદ લોકોની યાદીમાં ૧૨મા ક્રમે દાનિશનું નામ ઉમેરી દીધું હતું. દાનિશને આ નિર્ણય અંગે ૧૮ ઓગસ્ટે સોશિયલ મીડિયા દ્વારા જાણ થઈ હતી, જેને તેમણે લોકશાહીની હત્યા સમાન ગણાવી છે.
આતંકવાદ વિરોધી એજન્સી (NACTA) ની 'ચોથી સૂચિ'માં નામ આવ્યા બાદ પત્રકાર પર બેંક ખાતા ફ્રીઝ થવા, પ્રવાસ પર પ્રતિબંધ અને ચોવીસ કલાક સર્વેલન્સ જેવા આકરા આર્થિક અને સામાજિક પ્રતિબંધો લાગી ગયા છે. બીબીસી ઉર્દૂના પત્રકાર રૂહાન અહેમદ સહિત સમગ્ર પાકિસ્તાન અને આંતરરાષ્ટ્રીય સ્તરે પત્રકારો અને માનવાધિકાર કાર્યકરોએ આ આકરા પગલાંનો વિરોધ કર્યો છે. તેઓએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે વિરોધ પ્રદર્શનોનું નિષ્પક્ષ કવરેજ કરવું એ પત્રકારત્વની ફરજ છે, અને આતંકવાદ વિરોધી કાયદાઓનો ઉપયોગ અવાજ દબાવવા માટે કરવો એ પાકિસ્તાનનું સૌથી નીચું સતર દર્શાવે છે.
(6:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
