<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 22nd August 2026

સત્રમાં હોબાળો મચાવીને જંતર-મંતર પર વિરોધ દર્શાવવાના વિપક્ષના નાટક પર ચિરાગ પાસવાન બરાબરના વરસ્યા! : રાહુલ ગાંધી અને તેજસ્વી યાદવની બહેરી રણનીતિ સામે સાધ્યું આકરૂં નિશાન

કોંગ્રેસ નેતૃત્વ વંદે માતરમ જેવા જૂના વિવાદોને ફરી ઉછાળીને દેશના અન્ય મહત્વપૂર્ણ અને મૂળભૂત પ્રશ્નો પરથી જનતાનું ધ્યાન હટાવવાનો પ્રયાસ કરી રહ્યું છે

નવી દિલ્હી :  બિહારથી લઈને દિલ્હી સુધીના રાજકારણમાં ગરમાવો લાવી દેતાં કેન્દ્રીય મંત્રી અને એલજેપી (રામવિલાસ) ના વડા ચિરાગ પાસવાને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને બિહારના વિપક્ષી નેતા તેજસ્વી યાદવ પર આકરા પ્રહારો કર્યા છે. પટનામાં મીડિયા સાથે વાતચીત કરતી વખતે ચિરાગે દાવો કર્યો હતો કે વિપક્ષ સંસદનું સત્ર ચાલી રહ્યું હોય ત્યારે મહત્વના મુદ્દાઓ પર અર્થપૂર્ણ ચર્ચા કરવાને બદલે માત્ર હોબાળો મચાવીને ગૃહને ઠપ્પ કરવાનો પ્રયાસ કરે છે અને બાદમાં તે જ મુદ્દાઓ પર રસ્તા પર ઉતરીને વિરોધ પ્રદર્શન કરવાનો ઢોંગ કરે છે.

વંદે માતરમ વિવાદ અને અનામતના પ્રશ્નો પર બોલતા ચિરાગે કોંગ્રેસ પર વાસ્તવિક મુદ્દાઓ પરથી દેશનું ધ્યાન ભટકાવવાનો આરોપ લગાવ્યો હતો. તેજસ્વી યાદવને તેમની બંધારણીય જવાબદારીની યાદ અપાવતા ચિરાગે કહ્યું કે, "વિપક્ષના નેતા તરીકે તેજસ્વી યાદવની જવાબદારી વધે છે. જો તેઓ ખરેખર જનતાના મુદ્દાઓ પ્રત્યે ગંભીર હોત, તો તેમણે જંતર-મંતર કે રસ્તા પર જવાને બદલે વિધાનસભા અને સંસદના ગૃહમાં આ પ્રશ્નો ઉઠાવીને સરકારને ઘેરી હોત. પરંતુ તેમનો હેતુ માત્ર રાજકીય રોટલા શેકવાનો છે."

દિલ્હીના જંતર-મંતર પર ચાલી રહેલા અનામત વિરોધી/સમર્થક આંદોલનો અંગે ચિરાગે સંતુલિત વલણ અપનાવતા કહ્યું કે લોકશાહીમાં વિરોધ કરવાનો અધિકાર દરેકને છે, પરંતુ અનામત જેવા સંવેદનશીલ મુદ્દે ભ્રમ ફેલાવવો દેશહિતમાં નથી. તેમણે ઉમેર્યું કે મોદી સરકાર સમાજના નબળા વર્ગો સાથે વાતચીત કરવા માટે હંમેશા તૈયાર છે. આ સાથે જ તેમણે મોંઘવારી અને ખાંડના વધતા ભાવ અંગે સ્વીકાર્યું હતું કે આ કામચલાઉ તબક્કો છે અને કેન્દ્ર સરકાર ભાવ નિયંત્રણ માટે ટૂંક સમયમાં યોગ્ય કડક પગલાં ભરી રહી છે.

(6:38 PM IST)