<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 22nd August 2026

અનામત સમીક્ષાનો ગરમાવો: યુપીના ડેપ્યુટી સીએમ બ્રજેશ પાઠકે જંતર-મંતર પર પ્રદર્શનકારી વિદ્યાર્થીઓને આપ્યું મોટું આશ્વાસન!

દિલ્હીના જંતર-મંતર પર જાતિ આધારિત અનામતના સુધારા માટે આંદોલન કરી રહેલા યુવાનોની માંગણીઓ પર કેન્દ્રીય નેતૃત્વ લેશે મોટો નિર્ણય: ૨ દિવસમાં કેન્દ્રીય મંત્રી સાથે યોજાશે હાઈ-લેવલ બેઠક

નવી દિલ્હી:  દેશની રાજધાની દિલ્હીના ઐતિહાસિક જંતર-મંતર ખાતે જાતિ આધારિત અનામત પદ્ધતિમાં સુધારા અને તેની વ્યાપક સમીક્ષાની માંગ સાથે વિરોધ પ્રદર્શન કરી રહેલા સામાન્ય વર્ગના વિદ્યાર્થીઓના આંદોલને હવે મોટું રાજકીય રૂપ ધારણ કર્યું છે. ઉત્તર પ્રદેશના નાયબ મુખ્યમંત્રી બ્રજેશ પાઠકે દિલ્હી પહોંચીને આંદોલનકારી વિદ્યાર્થીઓ અને યુવા નેતાઓ સાથે સીધી મુલાકાત કરી હતી. બેઠક દરમિયાન વિદ્યાર્થીઓએ પોતાની માંગણીઓ, ચિંતાઓ અને ભવિષ્યની આશંકાઓ અંગેનું એક વિસ્તૃત આવેદનપત્ર સબમિટ કર્યું હતું, જેના પર સકારાત્મક વલણ દાખવતા ડેપ્યુટી સીએમએ આગામી બે દિવસમાં કેન્દ્રીય મંત્રી સાથે તેમની સીધી બેઠક કરાવવાની મોટી જાહેરાત કરી છે.

વિદ્યાર્થીઓ સાથેની આ મહત્વપૂર્ણ મુલાકાત બાદ લખનૌ ખાતે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં બ્રજેશ પાઠકે સ્પષ્ટ કર્યું કે, "અમે યુવા સાથીઓની તમામ માંગણીઓ અને આવેદનપત્રને ભાજપના કેન્દ્રીય નેતૃત્વ સુધી પહોંચાડી દીધા છે. કેન્દ્રીય નેતૃત્વએ પણ આ બાબતે ગંભીરતાથી વિચારણા કરવાનું આશ્વાસન આપ્યું છે." તેમણે ભારપૂર્વક ઉમેર્યું હતું કે વર્તમાન સરકાર દેશના નવજુવાનોના ભવિષ્યને લઈને અત્યંત સંવેદનશીલ છે અને કોઈપણ સંજોગોમાં વિદ્યાર્થીઓ સાથે અન્યાય થવા દેવામાં આવશે નહીં. 'સૌનો સાથ, સૌનો વિકાસ'ના મંત્રને દોહરાવતા તેમણે કહ્યું કે સરકાર દેશના તમામ વર્ગો અને યુવાનોને સાથે લઈને આગળ વધવા માટે પ્રતિબદ્ધ છે.

આંદોલનનું નેતૃત્વ કરી રહેલા યુવા નેતા હર્ષ દુબે સાથે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર તસવીરો શેર કરતા બ્રજેશ પાઠકે લખ્યું કે, યુવાનોની આ ચિંતા વાસ્તવિક છે અને તેઓ પોતે વ્યક્તિગત રીતે વિદ્યાર્થી પ્રતિનિધિમંડળને સાથે રાખીને સંબંધિત કેન્દ્રીય મંત્રી સમક્ષ રજૂઆત કરાવશે. ઉલ્લેખનીય છે કે ગયા શુક્રવારથી જંતર-મંતર પર દેશના વિવિધ ભાગોમાંથી આવેલા સામાન્ય વર્ગના હજારો વિદ્યાર્થીઓ એકઠા થઈને વર્તમાન અનામત નીતિઓની પુનઃસમીક્ષા અને તેમાં જરૂરી સુધારા કરવાની માંગણી સાથે મોરચો માંડીને બેઠા છે, જેના કારણે હવે કેન્દ્ર સરકાર પર પણ આ મુદ્દે ઉકેલ લાવવાનું દબાણ વધ્યું છે.

(7:29 PM IST)