<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 22nd August 2026

હવે એરપોર્ટ પર નહીં લાગે થપ્પા: ૧ સપ્ટેમ્બરથી આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ માટે બદલાઈ જશે ઇમિગ્રેશનના નિયમો!

પાસપોર્ટ કે બોર્ડિંગ પાસ પર ફિઝિકલ સ્ટેમ્પિંગની ઝંઝટમાંથી મળશે મુક્તિ: ઇમિગ્રેશન બ્યુરોનો મોટો નિર્ણય : ઇ-બોર્ડિંગ પાસથી મિનિટોમાં પતશે ઇમિગ્રેશન ક્લિયરન્સ

નવી દિલ્હી:  વિદેશ પ્રવાસ કરતા ભારતીય અને આંતરરાષ્ટ્રીય મુસાફરો માટે હવાઈ સફર હવે વધુ સુગમ, ઝડપી અને ઝંઝટમુક્ત બનવા જઈ રહી છે. ૧ સપ્ટેમ્બર, ૨૦૨૬ થી દેશના તમામ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ઇમિગ્રેશન ક્લિયરન્સની દાયકાઓ જૂની સિસ્ટમમાં મોટો ક્રાંતિકારી ફેરફાર થવા જઈ રહ્યો છે. ઇમિગ્રેશન બ્યુરો (BoI) એ નિર્ણય લીધો છે કે હવેથી ઇમિગ્રેશન કાઉન્ટર પર અધિકારીઓ દ્વારા બોર્ડિંગ પાસ પર ફિઝિકલ લાલ કે વાદળી રંગના સ્ટેમ્પ લગાવવામાં આવશે નહીં. મુસાફરો હવે તેમના સ્માર્ટફોનમાં રહેલા ઇ-બોર્ડિંગ પાસ સ્કેન કરાવીને સીધા આગળ વધી શકશે.

બ્યુરો ઓફ ઇમિગ્રેશન અનુસાર, જૂની સ્ટેમ્પિંગ પ્રણાલીના કારણે એરપોર્ટ્સ પર મુસાફરોની લાંબી લાઈનો લાગતી હતી અને પ્રક્રિયામાં વિલંબ થતો હતો. ઘણી વખત બોર્ડિંગ પાસ પર અસ્પષ્ટ કે ખોટો થપ્પો વાગવાના કારણે સિક્યોરિટી અને ચેકિંગ દરમિયાન મુસાફરોને બિનજરૂરી હેરાનગતિ ભોગવવી પડતી હતી. આ ડિજિટલ સુધારાથી પ્રક્રિયા સંપૂર્ણપણે પેપરલેસ અને ડિજિટલ બનશે, જેનાથી પ્રવાસીઓનો કિંમતી સમય બચશે અને એરપોર્ટ પર ભીડનું સંચાલન કરવું વધુ સરળ બનશે.

જે મુસાફરો સ્માર્ટફોનનો ઉપયોગ નથી કરતા કે જેમની પાસે કાગળવાળો (ભૌતિક) બોર્ડિંગ પાસ છે, તેમણે પણ ગભરાવાની જરૂર નથી. નવી સિસ્ટમ હેઠળ પણ ભૌતિક બોર્ડિંગ પાસ માન્ય રહેશે, પરંતુ તેના પર પણ હવેથી કોઈ સ્ટેમ્પ મારવામાં આવશે નહીં. દિલ્હીના ફોરેનર્સ રિજનલ રજિસ્ટ્રેશન ઓફિસ (FRRO) ના અધિકારી દીપક યાદવ દ્વારા આ અંગેનો નોટિફિકેશન પત્ર CISF, એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (AAI), DIAL, BCAS અને IATA સહિત તમામ આંતરરાષ્ટ્રીય એરલાઈન્સને મોકલી દેવામાં આવ્યો છે, જેથી ૧ સપ્ટેમ્બરથી આ નવી ડિજિટલ સિસ્ટમ સમગ્ર દેશમાં સુચારૂ રૂપે અમલી બનાવી શકાય.

(7:31 PM IST)