<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 22nd August 2026

રામમંદિરમાં પ્રસાદ ચોરીનો વિવાદ ઉગ્ર બન્યો: ચંપત રાય અને RSS નેતા સામે FIR નહીં થાય તો વકીલો પાડશે હડતાળ!

ફૈઝાબાદ બાર એસોસિએશને બોલાવી ઇમરજન્સી બેઠક: મુખ્ય આરોપીઓને બચાવવાના વહીવટીતંત્રના પ્રયાસો સામે વકીલોએ બગાવત કરી : આરોપીઓનો કેસ લડનાર વકીલને રૂ. ૫ લાખનો દંડ ફટકારવાની જાહેરાત

અયોધ્યા :  અયોધ્યાના વિશ્વપ્રસિદ્ધ શ્રી રામ જન્મભૂમિ મંદિરમાં પ્રસાદ ચોરી અને તેના દુરુપયોગના ગંભીર કેસે હવે એક નવું અને ઉગ્ર રાજકીય-કાનૂની વળાંક લીધો છે. ફૈઝાબાદ બાર એસોસિએશને આ મામલે અત્યંત કડક વલણ અપનાવતા સ્થાનિક પોલીસ અને વહીવટીતંત્રને ખુલ્લી ચેતવણી આપી છે. બાર એસોસિએશનની શનિવારે યોજાયેલી મહત્ત્વની સામાન્ય સભામાં વકીલોએ હૂંકાર કર્યો છે કે જો રામ મંદિર ટ્રસ્ટના ભૂતપૂર્વ મહાસચિવ ચંપત રાય, ભૂતપૂર્વ ટ્રસ્ટી અનિલ મિશ્રા અને આરએસએસ (RSS) ના વરિષ્ઠ અધિકારી ગોપાલ રાવ સામે તાત્કાલિક એફઆઈઆર (FIR) નોંધવામાં નહીં આવે તો સમગ્ર જિલ્લાના વકીલો રસ્તા પર ઊતરીને વિરોધ પ્રદર્શન અને ઉગ્ર આંદોલન કરશે.

બાર એસોસિએશનના પ્રમુખ કાલિકા પ્રસાદ મિશ્રાની અધ્યક્ષતામાં યોજાયેલી આ ચર્ચાસભામાં વકીલોએ પોલીસની કામગીરી સામે ગંભીર સવાલો ઉઠાવ્યા હતા. વકીલોએ ખુલ્લો આરોપ લગાવ્યો છે કે પોલીસ અને સ્થાનિક વહીવટીતંત્ર આટલા મોટા કેસમાં નિષ્પક્ષ તપાસ કરવાના બદલે મુખ્ય આરોપીઓને બચાવવામાં અને તેમને ક્લીન ચિટ આપવાની પેરવી કરી રહ્યું છે. આ જ સંદર્ભે વકીલોના એક ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળે વરિષ્ઠ પોલીસ અધિક્ષક (SSP) ગૌરવ ગ્રોવર સાથે સીધી મુલાકાત કરીને તમામ વગદાર આરોપીઓ સામે વિલંબ કર્યા વગર ગુનો નોંધીને કાનૂની કાર્યવાહી કરવાની લેખિત માંગ કરી છે.

શ્રી રામ પ્રભુના પ્રસાદ જેવા પવિત્ર મુદ્દે થયેલી આ કથિત ચોરીના કારણે દેશભરના ભક્તો અને સ્થાનિક વકીલોની ધાર્મિક લાગણીઓને ઊંડો આઘાત પહોંચ્યો છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને બાર એસોસિએશને એક અભૂતપૂર્વ અને કડક નીતિવિષયક નિર્ણય પણ લીધો છે. સંગઠનના સચિવ શૈલેન્દ્ર જયસ્વાલે જણાવ્યું કે, જો ફૈઝાબાદ બાર એસોસિએશનનો કોઈ પણ વકીલ નૈતિકતા નેવે મૂકીને આ કેસના આરોપીઓનો કેસ લડવા માટે કોર્ટમાં ઊભો રહેશે કે તેમનું પ્રતિનિધિત્વ કરશે તો તે સભ્ય પર રૂ. ૫ લાખનો ભારે દંડ ફટકારવામાં આવશે અને તેની સામે શિસ્તભંગના પગલાં લેવાશે.

(7:32 PM IST)