<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 22nd August 2026

સરકારી બાબુઓએ જ સરકારી તિજોરી લૂંટી: જેતપુર PGVCLમાં ૧૫.૮૦ લાખના માલસામાનનું કૌભાંડ, CMO સુધી કમ્પ્લેન પહોંચતા ૬ સામે ગુનો!

નાયબ ઈજનેરો, જૂનિયર ઈજનેર, એકાઉન્ટન્ટ, કોન્ટ્રાક્ટર અને ડ્રાઇવરે મળીને આચર્યું કૌભાંડ; બોગસ ઓર્ડર બનાવી ૧૨.૫ કિમી લાંબો વાયર અને સામગ્રી બારોબાર સગેવગે કરી દીધી.

જેતપુર : વડોદરા અને ગાંધીનગરની સરકારી કચેરીઓમાં થયેલી ચોરી અને ગેરરીતિઓની ઘટનાઓ હજુ તાજી છે, ત્યાં જ રાજકોટ જિલ્લાના જેતપુરમાં પીજીવીસીએલ (PGVCL) ના ભ્રષ્ટ અધિકારીઓએ સરકારી તિજોરી પર ત્રાપ મારી હોવાનો ચોંકાવનારો કિસ્સા સામે આવ્યો છે. જેતપુર ડિવિઝનમાં ફરજ બજાવતા અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરે ભેગા મળીને આશરે રૂ. ૧૫.૮૦ લાખ ની કિંમતનો સરકારી માલસામાન બારોબાર વેચી મારી ઉચાપત આચરી છે. આ સમગ્ર મામલે જેતપુર સિટી પોલીસ સ્ટેશનમાં કુલ ૬ શખ્સો સામે ગુનાહિત કાવતરું ઘડવા બદલ વિધિવત પોલીસ ફરિયાદ નોંધાતા વીજ કંપનીના વર્તુળોમાં ભારે ખળભળાટ મચી ગયો છે.

 

બીજાના આઈડીમાંથી બોગસ ઓર્ડર બનાવી ખેલ પાડ્યો

 

 

પોલીસ તપાસમાં સામે આવેલી વિગતો મુજબ, ૨૫ ફેબ્રુઆરી ૨૦૨૬ના રોજ કૌભાંડી અધિકારીઓએ અન્ય કર્મચારીના આઈડીનો દુરુપયોગ કરીને ખોટો મુવ ઓર્ડર જનરેટ કર્યો હતો. ત્યારબાદ PGVCLની માલિકીનો ૧૨.૫ કિલોમીટર લાંબો ડોગ કંડક્ટર વાયર, ૩૦ નંગ ગર્ડર અને ૪૦૦ નંગ પીન ઈન્સ્યુલેટર (કુલ કિંમત રૂ. ૧૫,૮૦,૫૦૪.૭૬) કોન્ટ્રાક્ટરના વાહનોમાં ભરીને પોતાના અંગત ફાયદા માટે સગેવગે કરી દીધો હતો.

 

CMO સુધી ફરિયાદ પહોંચતા તપાસ સમિતિ બેસાડાઈ

 

 

આ ગંભીર ગેરરીતિ અંગેની ફરિયાદો છેક રાજ્યના મુખ્યમંત્રી કાર્યાલય (CMO) સુધી પહોંચતા રાજકોટ સ્થિત કોર્પોરેટ ઓફિસ દ્વારા ઉચ્ચસ્તરીય તપાસ કમિટીની રચના કરવામાં આવી હતી. તપાસમાં ખુલ્યું હતું કે આરોપીઓએ ચોરી છુપાવવા માટે ગોડાઉનમાં બીજી જ કંપનીનો નકલી કંડક્ટર અને ગર્ડર જમા બતાવીને ગેરરીતિ પર પડદો પાડવાનો પ્રયાસ કર્યો હતો. ખાતાકીય તપાસમાં તમામ આરોપીઓ કસૂરવાર ઠરતા અંતે કાર્યપાલક ઈજનેર દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે.

 

ગુનામાં સંડોવાયેલા આરોપીઓનું લિસ્ટ:

 


 

  • જીગ્નેશ રણજીતભાઈ વેલેરા (નાયબ ઈજનેર)

 

  • નીતીનકુમાર પ્રેમજીભાઈ ગોહીલ (નાયબ ઈજનેર - ટેક-૧)

 

  • અંકુર પ્રવિણભાઈ પાનસુરીયા (જૂનિયર ઈજનેર - સ્ટોર)

 

  • કમલ કિશનભાઈ વાગાડીયા (અધિક્ષક હિસાબનીશ)

 

  • ઈબ્રાહીમભાઈ ગરાણા (કોન્ટ્રાક્ટર)

 

  • અમીનભાઈ (વાહન ડ્રાઈવર)

 

(તમામ આરોપીઓ સામે ભારતીય ન્યાય સંહિતા - BNS ની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.)

 

 

(8:02 PM IST)