<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 22nd August 2026

યુવા પેઢીનું વલણ ભિન્ન હોવાનો અર્થ એ નથી કે તેઓ ખોટા છે, 'જેન ઝી'ના વિચારોને ધિક્કારવાને બદલે તેમની ઊર્જાનો સકારાત્મક ઉપયોગ કરવો વડીલોની ફરજ: પૂર્વ સેના પ્રમુખ એમ. એમ. નરવણે

​દરેક પેઢી પોતાની બદલાતી વિચારસરાણી અને માનસિકતા સાથે આગળ વધે છે, લડાખમાં સેનાના જવાનો સાથે સૂર મિલાવી બબાલ કરનાર યુવતીના વાયરલ વિડીયો અને 'જેન ઝી' અંગેના વિવાદ બાદ ભૂતપૂર્વ આર્મી ચીફે વડીલો અને વરિષ્ઠોને યુવાનો સાથે સુમેળ સાધી માર્ગદર્શન આપવાની સલાહ આપી

​નવી દિલ્હી:આજના આધુનિક સમયમાં યુવા પેઢી (જેન ઝી) પોતાના દ્રષ્ટિકોણ અને જીવન જીવવાની શૈલીને કારણે અવારનવાર ચર્ચામાં રહેતી હોય છે. તાજેતરમાં લડાખના કારગિલ સ્થિત મિનીમાર્ગ ચેકપોસ્ટ પર વીઆઈપી ચળવળ દરમિયાન વાહનવ્યવહાર રોકવામાં આવતા એક યુવતી અને સેનાના જવાનો વચ્ચે વિવાદ થયો હતો, જેમાં યુવતીએ "અમે જેન ઝી છીએ, આ બધું સહન નહીં કરીએ" તેવું કહી ધમાલ મચાવી હતી. આ ઘટનાનો વિડીયો વાયરલ થયા બાદ સેનાના નિવૃત્ત અધિકારીઓ અને દેશભરમાં 'જેન ઝી'ની માનસિકતા અંગે ભારે ચર્ચા જાગી હતી. આ જ પરિપ્રેક્ષ્યમાં ભારતીય સેનાના ભૂતપૂર્વ પ્રમુખ (સીઓએએસ) જનરલ એમ. એમ. નરવણેએ એક અત્યંત મહત્વપૂર્ણ અને સરાહનીય નિવેદન આપ્યું છે.

​પૂર્વ સેના પ્રમુખ જનરલ એમ. એમ. નરવણેએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે નવી પેઢી દરેક વિષય અને પરિસ્થિતિને પોતાની અલગ દ્રષ્ટિથી જોતી હોય છે, પરંતુ તેનો અર્થ એ બિલકુલ નથી કે તેઓ ખોટા છે. તેમણે વડીલો અને સમાજના વરિષ્ઠ વર્ગને અપીલ કરી હતી કે નવી પેઢીના વિચારોને માત્ર ફગાવી દેવા કે તેમને સતત ઠપકો આપવાને બદલે તેમની લાગણીઓ અને વિચારસરણીને સમજવાનો પ્રયાસ કરવો જોઈએ.

​જનરલ નરવણેએ જૂની અને નવી પેઢીના તફાવતને એક વ્યવહારુ ઉદાહરણ દ્વારા સમજાવ્યો હતો. તેમણે કહ્યું કે, "આપણી પેઢીમાં એવો વિચાર હતો કે વ્યક્તિ જીવનમાં એક કાર ખરીદે અને આખી જીંદગી તે જ કાર વાપરે. પરંતુ આજનો સમય બદલાયો છે. હવે લોકો દર પાંચ વર્ષે કાર બદલે છે. શું દર પાંચ વર્ષે ગાડી બદલવાથી કોઈ વ્યક્તિ ખરાબ થઈ જાય છે? ના, આ માત્ર સમય અને દ્રષ્ટિકોણનો બદલાવ છે." તેમણે ઉમેર્યું કે તેવી જ રીતે નવી પેઢી દરેક બાબતને અલગ દ્રષ્ટિકોણથી જુએ છે, જે કદાચ જૂની પેઢીના વિચારો સાથે મેળ ન ખાતી હોય, છતાં તે ખોટી નથી.

​દેશભક્તિ અને યુવાનોના હેતુ અંગે વાત કરતાં પૂર્વ આર્મી ચીફે ભારપૂર્વક કહ્યું કે, આજના યુવાનો દેશનું કોઈ નુકસાન ઈચ્છતા નથી. તેઓ જે પણ કરે છે, તેમાં દેશની ભલાઈ અને સકારાત્મક પરિવર્તન લાવવાનો જ તેમનો ઉદ્દેશ્ય હોય છે. તેમણે કહ્યું કે, "યુવાનો આપણા જ બાળકો છે. જો તેમના વિચારોમાં કે વિચારસરણીમાં કંઈક ભૂલ હોય કે ગેરસમજ હોય, તો તેને દૂર કરવાની અને યોગ્ય દિશા આપવાની જવાબદારી આપણા જેવા વડીલોની છે. વડીલો તરીકે જો આપણે માર્ગદર્શન જ ન આપીએ તો આપણી ક્ષમતાનો શો અર્થ?"

​ઉલ્લેખનીય છે કે કારગિલના મિનીમાર્ગ ખાતે સંરક્ષણ મંત્રી અને આર્મી ચીફના પ્રવાસ દરમિયાન સુરાક્ષા કારણોસર રસ્તો રોકવામાં આવ્યો હતો, ત્યારે ટ્રાફિકમાં અટવાયેલી યુવતીએ સૈનિકો સાથે દલીલ કરી હતી. જોકે, બાદમાં પરિસ્થિતિની ગંભીરતા સમજીને તે યુવતીએ સેનાની માફી પણ માંગી હતી અને ભારતીય સેના પ્રત્યે પોતાનો અગાધ આદર વ્યક્ત કર્યો હતો. જનરલ નરવણેએ આ સમગ્ર ઘટનાક્રમ વચ્ચે ટાંક્યું હતું કે યુવાનોની શક્તિ અને ઉત્સાહને સકારાત્મક રીતે ચેનલાઈઝ (માર્ગદર્શિત) કરવાની જરૂર છે, જેથી દેશના નિર્માણમાં તેમની ઊર્જાનો યોગ્ય ઉપયોગ થઈ શકે.

(8:35 PM IST)