<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 22nd August 2026

અમેરિકામાં ગુજરાતી પરિવાર પર આભ તૂટી પડ્યું: મહેસાણાના સુરેશ પટેલની પુત્રીની નજર સમક્ષ જ ગોળી મારી નિર્મમ હત્યા, રોકડ લૂંટી હુમલાખોર ફરાર!

ટેનેસી રાજ્યના જેક્સન શહેરમાં બંદૂકની અણીએ સશસ્ત્ર લૂંટ; ૩૦ વર્ષથી યુએસએમાં સ્થાયી થયેલા ૫૬ વર્ષીય સુરેશભાઈના કરુણ મોતથી આખજ ગામ અને એનઆરઆઈ સમાજમાં ભારે અરેરાટી.

જેક્સન (વોશિંગ્ટન) : અમેરિકામાં ભારતીય મૂળના લોકો પર લોહિયાળ હુમલા અને લૂંટફાટની ઘટનાઓ થમવાનું નામ નથી લઈ રહી. અમેરિકાના ટેનેસી રાજ્યના જેક્સન શહેરમાં એક સ્ટોરમાં બંદૂકની અણીએ લૂંટ ચલાવીને મૂળ મહેસાણાના ૫૬ વર્ષીય ગુજરાતી પ્રૌઢ સુરેશ પટેલની તેમની ૧૯ વર્ષની પુત્રીની નજર સામે જ ગોળી મારીને નિર્મમ હત્યા કરી દેવામાં આવી છે. લૂંટારુ સ્ટોરમાંથી રોકડ રકમ લૂંટીને સફેદ કારમાં ફરાર થઈ જતાં સમગ્ર વિસ્તારમાં સસપોન્સ અને દહેશતનો માહોલ સર્જાયો છે.

 

સ્થાનિક પોલીસના જણાવ્યા અનુસાર, આ કરુણ ઘટના ગુરુવારે રાત્રે આશરે ૯:૦૦ વાગ્યાના સુમારે રિજક્રેસ્ટ રોડ પર આવેલી એક ગ્રોસરી સ્ટોરમાં બની હતી. ચહેરો ઢાંકીને અંદર ઘૂસેલા એક સશસ્ત્ર લૂંટારૂએ રિવોલ્વર બતાવીને રોકડ રકમની માંગણી કરી હતી. સુરેશભાઈએ રોકડ રકમ આપી દીધા હોવા છતાં, હુમલાખોરે અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. જેમાં ગંભીર રીતે ઘવાયેલા સુરેશભાઈનું તેમની ૧૯ વર્ષીય દીકરીની આંખો સામે જ ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું.

 

મહેસાણાના આખજ ગામમાં શોકનું મોજું

 

મૃતક સુરેશભાઈ પટેલ મૂળ મહેસાણા જિલ્લાના આખજ ગામના વતની હતા. તેઓ છેલ્લા ૩૦ વર્ષથી વધુ સમયથી યુએસએ (USA) માં સ્થાયી થયા હતા અને ત્યાં પોતાનો સ્ટોર ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા. તેમનો મોટાભાગનો પરિવાર અમેરિકામાં જ સ્થાયી થયેલો છે. આ વ્રજપાત જેવા સમાચાર આખજ ગામે પહોંચતા જ વતનમાં ઘેરા શોકની કાલિમા છવાઈ ગઈ છે.

 

ઘટના અને પોલીસ તપાસની મુખ્ય વિગતો:


 

  • હુમલાખોરનું વર્ણન: ગ્રે રંગની હૂડી (Hoodie), જીન્સ અને કાળા બૂટ પહેરેલો ચહેરો ઢાંકેલો શખ્સ

 

  • વાહન: સફેદ રંગની કારમાં ઘટનાસ્થળેથી ફરાર

 

  • પોલીસ કાર્યવાહી: જેક્સન પોલીસે શંકાસ્પદ હુમલાખોરની તસવીરો અને સીસીટીવી ફુટેજ જાહેર કરી માહિતી આપનાર માટે અપીલ કરી છે.

(9:36 PM IST)