<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 22nd August 2026

સરકારની માતબર ડિજિટલ સ્ટ્રાઈક: ૫ મહિનામાં ૩ લાખ જેટલી ફ્રોડ લિંક્સ કાયમી ધોરણે બ્લોક, સાયબર માફિયાઓ સન્ન!

માર્ચથી જુલાઈ ૨૦૨૬ દરમિયાન કેન્દ્ર અને રાજ્ય સરકારી એજન્સીઓના સંયુક્ત ઓપરેશનથી ૨.૯૮ લાખ ગેરકાયદે URL ડિલીટ; ફ્રોડ અને ફેક ઇન્વેસ્ટમેન્ટ સ્કિલ પર ફેરવાયું બુલડોઝર.

નવી દિલ્હી : દેશમાં દિવસેને દિવસે વધી રહેલા સાયબર ક્રાઇમ અને ડિજિટલ ઠગાઈના દૂષણ પર કંટ્રોલ લાવવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકારોએ સાયબર માફિયાઓ સામે મોટો ડિજિટલ સપાટો બોલાવ્યો છે. ટેક્નોલોજીનો ઉપયોગ કરીને નિર્દોષ નાગરિકોના ખિસ્સા ખાલી કરતા ગઠિયાઓ સામે સરકારે આંખ લાલ કરીને અભૂતપૂર્વ કાર્યવાહી કરી છે. માર્ચ ૨૦૨૬ થી જુલાઈ ૨૦૨૬ સુધીના માત્ર ૫ મહિનાના સમયગાળામાં ડિજિટલ પ્લેટફોર્મ પરથી આશરે ૨.૯૮ લાખ ગેરકાયદે અને ફ્રોડ URL લિંક્સ કાયમી ધોરણે ડિલીટ કરી દેવામાં આવી છે.

 

સરકારી અહેવાલ મુજબ, બ્લોક કરવામાં આવેલી કૂલ લિંક્સમાંથી ૨.૪૪ લાખ URL ને કેન્દ્ર સરકારની વિવિધ એજન્સીઓ દ્વારા શોર્ટલિસ્ટ કરીને ત્વરિત હટાવી દેવાયા હતા. આ કાર્યવાહી દર્શાવે છે કે સાયબર ગુનાઓ રોકવા માટે રાજ્ય અને કેન્દ્ર સરકારો અત્યંત આક્રમક રીતે કામ કરી રહી છે.

 

સાયબર ક્રાઈમ સેન્ટરનો મોટો પ્રહાર

 

આ સમગ્ર ઝુંબેશમાં 'ઈન્ડિયન સાયબર ક્રાઈમ કો-ઓર્ડિનેશન સેન્ટર' (I4C) દ્વારા અલગથી આશરે ૫૧ હજાર જોખમી URL ઓળખી કાઢીને તેના પર ડિજિટલ સ્ટ્રાઈક કરવામાં આવી હતી. તપાસમાં બહાર આવ્યું છે કે બ્લોક કરાયેલી લિંક્સમાં સૌથી વધુ હિસ્સો ઓનલાઈન નાણાકીય ફ્રોડ, નકલી રોકાણની લોભામણી યોજનાઓ (Fake Investment Schemes), ક્રિટીકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને ટાર્ગેટ કરવાનો પ્રયાસ, ધમકીઓ અને દેશવિરોધી ગેરકાયદેસર પ્રવૃત્તિઓનો હતો.

 

ભારતમાં હાલમાં આશરે ૬૦ કરોડથી વધુ સોશિયલ મીડિયા યુઝર્સ છે. આટલી વિશાળ સંખ્યામાં ડેઇલી કન્ટેન્ટ અપલોડ થતું હોવાથી નકલી લિંક્સને ઓળખવી પડકારજનક હતી, પરંતુ સરકારે 'સહયોગ' (Sahayog) નામની વિશેષ ડિજિટલ સિસ્ટમની મદદથી પારદર્શક પ્રોસેસ દ્વારા આ તમામ ડુપ્લિકેટ અને સાયબર થ્રેટ ધરાવતી લિંક્સનો ખાતમો બોલાવ્યો છે.

 

ડિજિટલ સ્ટ્રાઈકની મુખ્ય હાઇલાઇટ્સ:


 

  • કુલ બ્લોક કરાયેલ URL: આશરે ૨.૯૮ લાખ (૫ મહિનામાં)

 

  • કેન્દ્રીય એજન્સીઓનું યોગદાન: ૨.૪૪ લાખ ગેરકાયદે લિંક્સની ઓળખ

 

  • I4C નું યોગદાન: ૫૧,૦૦૦ થી વધુ ફ્રોડ લિંક્સ ડિલીટ

 

  • ટેકનોલોજી સપોર્ટ: 'સહયોગ' સિસ્ટમ દ્વારા સ્પામ અને સ્કેમ કન્ટેન્ટ દૂર કરાયું

 

  • મુખ્ય ટાર્ગેટ: સાયબર ફ્રોડ, ફેક ટ્રેડિંગ એપ્સ, ઓનલાઈન થ્રેટ્સ અને નકલી વેબસાઈટ્સ

(10:00 PM IST)