<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 22nd August 2026

શાળાઓ ભેંસોનો વાડો બને તો શું તે યોગ્ય છે? CJP વડા અભિજીત દિપકનો રાજસ્થાનના શિક્ષણ મંત્રી પર કડક વળતો પ્રહાર!

જયપુરમાં 'ફિક્સ ધ સ્કૂલ્સ' અભિયાન દરમિયાન CJP ટીમ પર પથ્થરમારો અને હુમલો; શિક્ષણ મંત્રી મદન દિલાવરે શાળાઓને રાજકીય અખાડો ન બનાવવા અપીલ કરતાં વિવાદ ગરમાયો.

જયપુર : રાજસ્થાનમાં સરકારી શાળાઓની કથિત દયનીય સ્થિતિ અને શિક્ષણની ગુણવત્તાને મુદ્દે રાજકારણ ગરમાયું છે. કોકરોચ જનતા પાર્ટી (CJP) દ્વારા ચલાવવામાં આવી રહેલા "ફિક્સ ધ સ્કૂલ્સ" (Fix The Schools) ઝુંબેશ અંતર્ગત રાજસ્થાનના જયપુર જિલ્લામાં પહોંચેલી ટીમ પર હુમલો થયા બાદ શિક્ષણ મંત્રી અને CJP વડા વચ્ચે તીખી વાકયુદ્ધ શરૂ થઈ ગઈ છે.

 

જયપુર જિલ્લાના રામપુરા કંવરપુરા ગામ ખાતે આવેલી સરકારી શાળાનું નિરીક્ષણ કરવા પહોંચેલી CJP ની ટીમ પર ગ્રામજનો અને કથિત ભાજપના કાર્યકરો દ્વારા હુમલો કરવામાં આવ્યો હોવાનો આરોપ મૂકાયો છે. સીજીપીના સહ-સંયોજક આશુતોષ રંકા અને તેમની ટીમ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો, વાહનોના કાચ તોડી પાડવામાં આવ્યા હતા અને મહિલા સમર્થકો સાથે ગેરવર્તણૂક કરવામાં આવી હતી. આ ઘટનાના વાયરલ વીડિયોમાં ઉગ્ર દલીલો અને ધક્કામુક્કી થતી જોવા મળી રહી છે.

 

શિક્ષણ મંત્રીની અપીલ સામે અભિજીત દિપકનો આકરો સવાલ

 

ઘટના બાદ રાજસ્થાનના શિક્ષણ મંત્રી મદન દિલાવરે સોશિયલ મીડિયા પર અપીલ કરતા જણાવ્યું હતું કે, "શાળાઓને રાજકીય અખાડો ન બનાવો. કેટલાક કહેવાતા રાજકીય પક્ષો શાળાઓની મુલાકાત લઈને શૈક્ષણિક વાતાવરણ બગાડી રહ્યા છે. શાળાઓ બાળકોના ભવિષ્ય નિર્માણ માટેની પવિત્ર ભૂમિ છે, ક્ષણિક તાળીઓ કે સ્વાર્થ માટે રાજકારણ ન ખેલવું જોઈએ."

 

શિક્ષણ મંત્રીના આ નિવેદન પર પલટવાર કરતા CJP ના સ્થાપક અને કન્વીનર અભિજીત દિપકે આકરો સવાલ પૂછ્યો હતો કે, "જો શાળાઓમાં શિક્ષણને બદલે ભેંસોના વાડા (તબેલા) બની જાય, તો શું તે યોગ્ય છે?" તેમણે આરોપ લગાવ્યો કે સરકારી શાળાઓની ખરાબ હાલત છુપાવવા માટે ભાજપના શાસનમાં કાર્યકરો દ્વારા તપાસ કરવા આવતી ટીમો પર હુમલા કરાવવામાં આવી રહ્યા છે.

 

રાજસ્થાન સ્કૂલ વિવાદની મુખ્ય વિગતો:


 

  • ઘટનાસ્થળ: રામપુરા કંવરપુરા ગામ, જિલ્લો જયપુર (રાજસ્થાન)

 

  • અભિયાન: CJP નું 'ફિક્સ ધ સ્કૂલ્સ' (Fix The Schools) કેમ્પેઈન

 

  • મુખ્ય આરોપ: CJP ટીમના વાહનો પર પથ્થરમારો અને કાર્યકરો પર હુમલો

 

  • રાજકીય ઘમાસાણ: રાજસ્થાન શિક્ષણ મંત્રી મદન દિલાવર વિરુદ્ધ CJP સંયોજક અભિજીત દિપક

(10:02 PM IST)