<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 22nd August 2026

બંગાળ રાજકારણમાં ગરમાવો: "પશ્ચિમ બંગાળમાં રહેવું હોય તો 'વંદે માતરમ' ગાવું જ પડશે" : ભાજપ નેતા સુવેન્દુ અધિકારીનો વિરોધીઓ પર હુમલો

સભામાં રાષ્ટ્રવાદ અને સનાતન સંસ્કૃતિ પર ભાર મુકતા વિપક્ષી નેતાએ જાધવપુર યુનિવર્સિટીના રાષ્ટ્રવિરોધી તત્વો અને ડાબેરી પક્ષો સામે બગાવતનું બ્યુગલ ફૂંક્યું

કોલકાતા:  પશ્ચિમ બંગાળના રાજકારણમાં રાષ્ટ્રવાદ અને દેશભક્તિના મુદ્દે ફરી એકવાર નવો ઉકાળો આવ્યો છે. પશ્ચિમ બંગાળ વિધાનસભાના વિરોધ પક્ષના નેતા અને ભાજપના અગ્રણી નેતા સુવેન્દુ અધિકારીએ એક કાર્યક્રમ દરમિયાન અત્યંત વિવાદસ્પદ અને આક્રમક નિવેદન આપતાં કહ્યું છે કે, પશ્ચિમ બંગાળમાં રહેતા દરેક નાગરિકે 'વંદે માતરમ' ગાવું જ પડશે. પોતાના ભવાનીપુર મતવિસ્તારમાં આયોજિત એક જાહેર સભાને સંબોધતા તેમણે સ્પષ્ટ શબ્દોમાં સંકેત આપ્યો હતો કે રાષ્ટ્રવાદ, દેશભક્તિ કે ભારતીય સંસ્કૃતિ સાથે હવે કોઈ પણ પ્રકારનું સમાધાન સાંખી લેવામાં આવશે નહીં.

સુવેન્દુ અધિકારીએ ખાસ કરીને જાધવપુર યુનિવર્સિટી કેમ્પસમાં ચાલી રહેલી ગતિવિધિઓ અને રાષ્ટ્રવિરોધી ઘટનાઓ અંગે ભારે રોષ વ્યક્ત કર્યો હતો. તેમણે ગંભીર આરોપો લગાવતા કહ્યું કે યુનિવર્સિટીમાં રાષ્ટ્રધ્વજ ફરકાવવાનો વિરોધ થાય છે, સુરક્ષા માટે સીસીટીવી (CCTV) કેમેરા લગાવવા દેવામાં આવતા નથી અને રાજ્યના શિક્ષણ વિભાગના અધિકારીઓને પણ પ્રવેશતા રોકવામાં આવે છે. તેમણે કેમ્પસમાં સક્રિય કેટલાક જૂથોને 'ટુકડે-ટુકડે ગેંગ' અને રાષ્ટ્રવિરોધી તત્વો તરીકે ઓળખાવતા દાવો કર્યો હતો કે આ જૂથો ૨૬ જાન્યુઆરી, ૧૫ ઓગસ્ટ અને 'વંદે માતરમ'ના ગાનનો વિરોધ કરે છે.

પોતાના ભાષણમાં ડાબેરી પક્ષો પર તીખા પ્રહારો કરતા અધિકારીએ કહ્યું કે, ભાજપ શ્યામા પ્રસાદ મુખર્જીના સપનાનું બંગાળ બનાવવા માટે પ્રતિબદ્ધ છે. જાધવપુર યુનિવર્સિટીમાં ભારતીયતા, રાષ્ટ્રવાદ અને 'સનાતન' સંસ્કૃતિનો પ્રભાવ પુનઃસ્થાપિત કરવામાં આવશે. વિરોધીઓ અને મીડિયાનો એક વર્ગ ભલે રાષ્ટ્રવિરોધીઓનું સમર્થન કરે, પરંતુ અમે કેમ્પસની અંદર અને બહાર રાષ્ટ્રવાદ સ્થાપિત કરીને જ જંપીશું. ડાબેરી નેતાઓને "લાલ બાબુ" કહીને તેમણે ટોણો માર્યો હતો કે બંગાળની જનતાએ ચૂંટણીમાં તેમની ડિપોઝિટ જપ્ત કરાવીને તેમનો વાસ્તવિક જનાદેશ આપી દીધો છે.

(10:31 PM IST)