હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
૨૧૨ કરોડના આંતરરાજ્ય સાયબર ફ્રોડનો મુખ્ય માસ્ટરમાઇન્ડ સુરતથી ઝબ્બે: અમરોલીમાં પાડ્યા દરોડા, બોગસ ફર્મ અને ડમી એકાઉન્ટ્સનું મોટું નેટવર્ક બરખાસ્ત
દેશભરમાં ૪૧૦ થી વધુ ઓનલાઈન ફરિયાદો ધરાવતા બોટાદના આરોપી રાજદીપ ધાંધલની ધરપકડ; ૧૫૪ બેંક ખાતામાંથી ૨૧૨.૮૭ કરોડના શંકાસ્પદ વ્યવહારો અને કરોડોના કૌભાંડનો પર્દાફાશ.

સુરત : દેશભરમાં ભારે ખળભળાટ મચાવનારા રૂ. ૨૧૨.૮૭ કરોડના જંગી સાયબર ફ્રોડ કેસમાં લાંબા સમયથી નાસતા-ફરતા મુખ્ય સૂત્રધાર રાજદીપ રણજીતભાઈ ધાંધલ (ઉંમર ૨૯ વર્ષ)ની સુરત શહેર સાયબર ક્રાઈમ સેલની ટીમે આખરે ધરપકડ કરી લીધી છે. સાયબર ક્રાઈમની ટીમે ગુપ્ત બાતમીના આધારે સુરતના અમરોલી વિસ્તારમાં આવેલા એક મકાન પર દરોડો પાડીને આ શાતિર આરોપીને ઝડપી પાડ્યો હતો. દરોડા દરમિયાન પોલીસે પ્રવિણ ધાધલના રહેણાંક સ્થળેથી ૩ મોબાઈલ ફોન, ૧૨ ડેબિટ કાર્ડ, ૧૯ બેંક પાસબુક, ૧૩૨ ચેકબુક, ૧૧ સિમકાર્ડ, ૭ રબર સ્ટેમ્પ, ૧ સ્વાઈપ મશીન અને ૩૫ ક્યુઆર (QR) કોડ સહિત કુલ રૂ. ૨૯,૦૦૦ નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
મૂળ બોટાદ જિલ્લાના જાળીલા ગામનો વતની રાજદીપ ધાંધલ સાયબર માફિયાઓ સાથે મળીને દેશવ્યાપી આર્થિક છેતરપિંડીનું એક જાળું ચલાવતો હતો. તપાસમાં સામે આવ્યું છે કે, આરોપીએ પોતાના નામે બોગસ અને ડમી ફર્મો ઊભી કરી હતી અને તેના આધારે ૭ મુખ્ય બેંકોમાં કરંટ એકાઉન્ટ્સ ખોલાવ્યા હતા. રાજદીપ દરેક એકાઉન્ટ દીઠ રૂ. ૪૦,૦૦૦ નું તગડું કમિશન મેળવીને બેંક કિટ્સ, ચેકબુક અને ડેબિટ કાર્ડ્સ તેના મુખ્ય સાગરીત પ્રવિણ જીલુભાઈ ધાધલને સોંપતો હતો, જે આગળ સાયબર માફિયાઓને ગુનાહિત વ્યવહારો માટે સવલત પૂરી પાડતા હતા. પોલીસ દ્વારા વિવિધ ૧૫૪ બેંક ખાતાઓની ચકાસણી કરવામાં આવતા તેમાં રૂ. ૨૧૨,૮૭,૯૭,૯૭૪ ના શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન્સ મળી આવ્યા છે.
નેશનલ સાયબર ક્રાઈમ રિપોર્ટિંગ પોર્ટલ (NCRP) ની વિગતો મુજબ, આ શંકાસ્પદ એકાઉન્ટ્સ વિરુદ્ધ દેશના જુદા જુદા રાજ્યોમાં કુલ ૪૧૦ ઓનલાઈન ફરિયાદો નોંધાયેલી છે, જેમાં સીધી રીતે રૂ. ૪૦.૫૪ કરોડથી વધુનું મોટું ફ્રોડ આચરવામાં આવ્યું હોવાનું સ્પષ્ટ થયું છે. સુરત સાયબર ક્રાઈમ સેલે આ મામલે આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરી છે અને આરોપીની કડક પૂછપરછ દરમિયાન આ આંતરરાજ્ય રેકેટમાં જોડાયેલા અન્ય મુખ્ય સાગરીતો અને મોટા માથાના નામો બહાર આવવાની પૂરેપૂરી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
