<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 22nd August 2026

મુંબઈના દરિયાકિનારાના સફાઈ અભિયાન માટે મહારાષ્ટ્ર પોલ્યુશન બોર્ડનો મોટો આદેશ: BMC ને વ્યાપક સર્વેક્ષણ અને આધુનિક ટેકનોલોજી વાપરવા નિર્દેશ

ચોમાસામાં દરિયાઈ ભરતીથી કિનારે જમા થતા ૨,૫૦૦ મેટ્રિક ટન કચરાના વૈજ્ઞાનિક નિકાલ માટે ક્વાયત; સિંગલ-યુઝ પ્લાસ્ટિક અને થર્મોકોલ પર કડક પ્રતિબંધ સુનિશ્ચિત કરવા સૂચના.

મુંબઈ : મુંબઈના દરિયાકિનારાને સંપૂર્ણપણે સ્વચ્છ અને પ્રદૂષણમુક્ત બનાવવા માટે મહારાષ્ટ્ર પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (MPCB) એ કડક વલણ અપનાવ્યું છે. બોર્ડે મુંબઈ મહાનગરપાલિકા (BMC) ને શહેરના તમામ દરિયાકિનારાઓનું વ્યાપક સર્વેક્ષણ હાથ ધરીને સતત અને સફાઈ પ્રક્રિયા માટે જરૂરી આધુનિક મશીનરી, ટેકનોલોજી તેમજ પૂરતા માનવબળનો તાત્કાલિક ઉપયોગ કરવાનો સ્પષ્ટ નિર્દેશ આપ્યો છે. આ અંગે પાલિકા મુખ્યાલય ખાતે યોજાયેલી ઉચ્ચ સ્તરીય બેઠકમાં પોલ્યુશન બોર્ડના અધ્યક્ષ સિદ્ધેશ કદમ, પાલિકાના એડિશનલ કમિશનર વિપિન શર્મા સહિત ઘન કચરા વ્યવસ્થાપન વિભાગના અધિકારીઓએ હાજરી આપી હતી.

 

આ સમીક્ષા બેઠકમાં જુહુ, ગોરાઈ, વર્સોવા, દાદર, માહિમ અને ગિરગાંવ ચોપાટી સહિતના તમામ નાના-મોટા દરિયાકિનારાની સ્વચ્છતા પરિસ્થિતિનું બારીકાઈથી મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. પોલ્યુશન બોર્ડે ગટર અને નાળાઓમાંથી વહીને દરિયામાં આવતા પ્લાસ્ટિક અને કચરાને રોકવા તાત્કાલિક હસ્તક્ષેપ કરવા હાકલ કરી હતી. આ ઉપરાંત, આગામી ગણેશોત્સવ દરમિયાન થર્મોકોલ અને પ્લાસ્ટિકના શણગાર તથા સિંગલ-યુઝ પ્લાસ્ટિક પરના પ્રતિબંધનો કડક અમલ કરવા તેમજ દેવનાર અને કાંજુરમાર્ગ ખાતે કચરાના વૈજ્ઞાનિક નિકાલ માટે સૂચના આપવામાં આવી છે.

 

ચોમાસાની ઋતુ દરમિયાન દરિયામાં આવતી હાઈટાઈડ (ભરતી) ના કારણે દરિયાકાંઠે જંગી માત્રામાં કચરો જમા થતો હોય છે. ગયે મહિને હાથ ધરાયેલા ખાસ સફાઈ અભિયાન દરમિયાન પાલિકાએ દરિયા કિનારેથી ૨,૪૯૮.૬૬ મેટ્રિક ટન કચરો સાફ કર્યો હતો. જેમાં સૌથી વધુ ૧,૮૨૫ મેટ્રિક ટન કચરો એકલા જુહુ બીચ પરથી મળ્યો હતો. આ સિવાય વર્સોવા (૨૭૭.૬ મેટ્રિક ટન), દાદર-માહિમ (૧૫૨.૧ મેટ્રિક ટન) અને અન્ય કિનારેથી ટનબંધ પ્લાસ્ટિક, થર્મોકોલ અને કાટમાળ હટાવીને તેનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવામાં આવ્યો હતો.

 

(10:56 PM IST)