<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 22nd August 2026

લાતુરની શાળામાં બિનઅધિકૃત પ્રવેશ અને શિક્ષકોને ધમકાવવા બદલ કોકરોચ જનતા પાર્ટીના સંસ્થાપક અભિજીત દીપકે સામે એફઆઈઆર દાખલ

'સ્કૂલ ઠીક કરો' અભિયાન અંતર્ગત પરવાનગી વગર સરકારી શાળામાં ઘૂસીને શૈક્ષણિક કાર્યમાં દખલગીરી કરવા અને નિલંબનની ધમકી આપવાનો ગંભીર આરોપ; મહારાષ્ટ્રની ઔસા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી

લાતુર : મહારાષ્ટ્રના લાતુર જિલ્લામાં કોકરોચ જનતા પાર્ટી (CJP)ના સંસ્થાપક અને મુખીયા અભિજીત દીપકે સામે પોલીસે શનિવારે ગંભીર કલમો હેઠળ કેસ નોંધ્યો છે. તેમના પર જિલ્લા પરિષદની એક સરકારી શાળામાં પૂર્વ પરવાનગી વિના ઘૂસીને સરકારી કામકાજમાં અવરોધ ઊભો કરવાનો, વર્ગખંડમાં હંગામો મચાવવાનો તેમજ મહિલા શિક્ષકોને ધમકાવવાનો આરોપ મૂકવામાં આવ્યો છે.

 

પરવાનગી વિના વર્ગખંડમાં પ્રવેશી સોશિયલ મીડિયા માટે રિલ બનાવી

આ અંગેની ફરિયાદ ઔસા પોલીસ સ્ટેશન ખાતે જિલ્લા પરિષદ ઉર્દૂ શાળાના શિક્ષિકા સૈયદ શમશાદબાનો ખૈરાતઅલી દ્વારા નોંધાવવામાં આવી છે. ફરિયાદ અનુસાર, અભિજીત દીપકે પોતાના સહયોગીઓ સાથે શાળા પરિસરમાં બિનઅધિકૃત રીતે ઘૂસી આવ્યા હતા અને સીધા વર્ગખંડમાં જઈને વિદ્યાર્થીઓ વચ્ચે બેસી ગયા હતા. તેમણે વિદ્યાર્થીઓને વિવિધ સવાલો પૂછીને શૈક્ષણિક વાતાવરણ ડહોળવાનો પ્રયાસ કર્યો હતો. આ સમગ્ર ઘટનાનો વિડિયો બનાવી સોશિયલ મીડિયા પર શેર કરી શાળાની છબી ખરડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

 

શિક્ષકોને સસ્પેન્ડ કરાવવાની ધમકી અને ખોટા આરોપો

ફરિયાદમાં એવો પણ ગંભીર આરોપ મૂકવામાં આવ્યો છે કે અભિજીત દીપકેએ શાળાના શિક્ષકોને પદ પરથી સસ્પેન્ડ કરાવી દેવાની ધમકી આપી હતી. વધુમાં, તેમણે એવો દાવો કર્યો હતો કે શાળાના નિરીક્ષણ દરમિયાન અન્ય શાળાઓના બાળકોને લાવીને વર્ગખંડમાં બેસાડવામાં આવ્યા હતા. આ પાયાવિહોણા આરોપોથી શાળા તંત્ર અને શિક્ષકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

 

'સ્કૂલ ઠીક કરો' અભિયાન અને જંતર-મંતર પર ૩૬ દિવસનું આંદોલન

ઉલ્લેખનીય છે કે, કોકરોચ જનતા પાર્ટી દ્વારા દેશભરની સરકારી શાળાઓનું ઓડિટ કરવા માટે 'સ્કૂલ ઠીક કરો' અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે, જેના ભાગરૂપે દીપકે લાતુરની મુલાકાતે હતા. આ અગાઉ, સીજીપી દ્વારા દિલ્હીના જંતર-મંતર ખાતે ૨૦ જૂનથી ૨૫ જુલાઈ સુધી સતત ૩૬ દિવસ સુધી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જેમાં પ્રખ્યાત પર્યાવરણ કાર્યકર્તા સોનમ વાંગચુક પણ ભૂખ હડતાલ પર બેઠા હતા. આ પાર્ટી આગામી સપ્ટેમ્બર મહિનાથી 'ક્યા બોલતી પબ્લિક' નામના નવા ઝુંબેશની શરૂઆત કરીને બેરોજગારી અને મોંઘા શિક્ષણ જેવા મુદ્દાઓ પર યુવાનો સાથે સીધો સંવાદ સાધવાની યોજના બનાવી રહી છે.

(11:56 PM IST)