<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 22nd August 2026

જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી ષડયંત્ર અને OGW નેટવર્ક સામે NIA નો મોટો પ્રહાર: ૫ જિલ્લામાં ૧૦ સ્થળોએ સપાટાબંધ દરોડા

પાકિસ્તાન સ્થિત આતંકી હેન્ડલર્સ, લશ્કર-એ-તૈયબા અને સ્થાનિક ઓવરગ્રાઉન્ડ વર્કર્સના નેટવર્કને ધ્વસ્ત કરવા રાષ્ટ્રીય તપાસ એજન્સીની લાલ આંખ; ડિજિટલ પુરાવા અને વાંધાજનક દસ્તાવેજો જપ્ત

શ્રીનગર : રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) એ શનિવારે જમ્મુ અને કાશ્મીરમાં સરહદ પારથી ચાલતા આતંકવાદી ષડયંત્ર અને સ્થાનિક ઓવરગ્રાઉન્ડ વર્કર્સ (OGW) ના નેટવર્ક પર મોટો પ્રહાર કરતા ૫ જિલ્લાઓમાં ૧૦ થી વધુ સ્થળોએ એકસાથે દરોડા પાડ્યા છે. NIA ના અધિકારીઓએ શ્રીનગર, કુપવાડા, અનંતનાગ, પુલવામા અને બડગામમાં દરોડા પાડીને આતંકવાદીઓના સપોર્ટ સિસ્ટમ અને લોજિસ્ટિકલ નેટવર્કને ખતમ કરવા માટે કડક કાર્યવાહી હાથ ધરી છે.

 

ઘૂસણખોરોને લોજિસ્ટિકલ સહાય અને જાસૂસી પૂરું પાડતું હતું નેટવર્ક

NIA ના જણાવ્યા અનુસાર, પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠનોના હેન્ડલર્સ અને કાશ્મીરમાં સક્રિય સ્થાનિક OGWs વચ્ચે મોટું ષડયંત્ર રચવામાં આવ્યું હતું. આ સ્થાનિક સપોર્ટ નેટવર્કનો ઉપયોગ સરહદ પારથી આવતા ઘૂસણખોર આતંકવાદીઓને રહેવાની જગ્યા, લોજિસ્ટિકલ સપોર્ટ, સંવેદનશીલ વિસ્તારોની જાસૂસી અને તેમની સુરક્ષિત હિલચાલ માટે કરવામાં આવતો હતો. દરોડા દરમિયાન તપાસ એજન્સીને અનેક શંકાસ્પદ ડિજિટલ સાધનો, દસ્તાવેજો અને મહત્વપૂર્ણ પુરાવા હાથ લાગ્યા છે.

 

ચેકપોઇન્ટ પર ગ્રેનેડ સાથે પકડાયેલા આતંકીથી થયો ખુલાસો

આ સમગ્ર તપાસની શરૂઆત શ્રીનગરના જાકુરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી એક એફઆઈઆર (FIR) થી થઈ હતી, જેને બાદમાં NIA ની જમ્મુ શાખા દ્વારા ટેકઓવર કરવામાં આવી હતી. ૩૧ માર્ચ, ૨૦૨૬ ના રોજ મોડી રાત્રે ચેકિંગ દરમિયાન એક સ્થાનિક OGW ને હેન્ડ ગ્રેનેડ અને જીવંત કારતૂસ સાથે પકડી પાડવામાં આવ્યો હતો. પૂછપરછ દરમિયાન સામે આવ્યું કે તે પ્રતિબંધિત આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા (LeT) સાથે જોડાયેલો હતો.

 

ટેરર ફંડિંગ અને હથિયારોના સ્ત્રોત પર NIA ની નજર

તપાસ દરમિયાન પાકિસ્તાની આતંકવાદીઓ અને તેમના સ્થાનિક મદદગારો વચ્ચેની કડીઓ વધુ મજબૂત બની છે. NIA આ કેસમાં માત્ર ધરપકડ સુધી સીમિત ન રહેતાં, ટેરર ફંડિંગ (નાણાકીય વ્યવહારો), સંદેશાવ્યવહાર માટે વપરાતી સિક્રેટ ચેનલો અને હથિયાર-વિસ્ફોટકો ક્યાંથી આવી રહ્યા છે તે તમામ સ્ત્રોતો ઊંડાણપૂર્વક શોધી રહી છે. એજન્સીએ સ્પષ્ટ કર્યું છે કે આવનારા દિવસોમાં તપાસના આધારે વધુ ધરપકડો અને જપ્તી થઈ શકે છે.

(11:57 PM IST)