<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 23rd August 2026

ઓડિશાના દરિયાકાંઠે સર્જાઈ મહાભયાનક દરિયાઈ હોનારત: પનામાનું વિદેશી કાર્ગો જહાજ જળમગ્ન થવાથી હાહાકાર

પારાદીપ બંદરથી ૧૭૦૦ ટન આયર્ન ઓર લઈને રવાના થયેલા જહાજમાંથી ૨ ક્રૂ સભ્યો સુરક્ષિત બહાર કઢાયા, બાકીના ૨૨ ખલાસીઓની શોધ માટે નૌકાદળ અને કોસ્ટ ગાર્ડ દ્વારા યુદ્ધના ધોરણે રેસ્ક્યુ ઓપરેશન શરૂ

 

પારાદીપ: બંગાળની ખાડીના તોફાની અને ખતરનાક પાણીમાં એક અત્યંત ચિંતાજનક અને રૂંવાડા ઊભા કરી દે તેવી ઘટના સામે આવી છે, જ્યાં ઓડિશાના દરિયાકાંઠેથી ૨૪૦ નોટિકલ માઈલ દૂર પનામાના ધ્વજવાળું વિશાળ કાર્ગો જહાજ રહસ્યમય સંજોગોમાં ડૂબી જતાં આંતરરાષ્ટ્રીય જળસીમામાં ભારે હડકંપ મચી ગયો છે.
મળતી માહિતી અનુસાર  આ ભયાનક દુર્ઘટનાની શરૂઆત ત્યારે થઈ જ્યારે પનામાના ધ્વજવાળું 'એમવી ઓશન વિનર' નામનું કાર્ગો જહાજ શુક્રવારે ઓડિશાના પારાદીપ બંદર પરથી આયર્ન ઓર ફાઈન્સનો આશરે ૧,૭૦૦ ટન જથ્થો ભરીને સિંગાપોર જવા માટે રવાના થયું હતું. જહાજ સમુદ્રમાં આગળ વધી રહ્યું હતું તે દરમિયાન અચાનક તેનું લોકેશન અને કંટ્રોલ રૂમ સાથેનો સંપર્ક તૂટી ગયો હતો, જેના પગલે દરિયાઈ સુરક્ષા એજન્સીઓમાં દોડધામ મચી ગઈ હતી. શરૂઆતમાં જહાજની કોઈ ભાળ ન મળવાથી ક્રૂ સભ્યોની સલામતી અંગે ગંભીર આશંકાઓ સેવાઈ રહી હતી.
આ ગંભીર કટોકટી વચ્ચે ભારતીય કોસ્ટ ગાર્ડ અને ભારતીય નૌકાદળે તાત્કાલિક સંયુક્ત ઓપરેશન શરૂ કરીને જબરદસ્ત બચાવ કામગીરી આદરી છે. કોસ્ટ ગાર્ડની ટીમોએ અત્યાર સુધીની જહેમત બાદ ૨ સભ્યોને સુરક્ષિત બચાવી લેવામાં સફળતા મેળવી છે, જ્યારે બાકીના ગુમ થયેલા ક્રૂ સભ્યોની શોધખોળ માટે આકાશ અને સમુદ્રમાં સર્ચ અભિયાન તેજ કરવામાં આવ્યું છે. આસપાસના અન્ય વેપારી જહાજોને પણ એલર્ટ કરીને રેસ્ક્યુ ટીમની મદદ માટે કામે લગાડવામાં આવ્યા છે.
ડૂબી ગયેલા આ જહાજમાં સવાર કુલ ૨૪ ક્રૂ સભ્યોમાં મોટાભાગના એટલે કે ૨૦ જેટલા નાગરિકો ચીનના હોવાનું સામે આવ્યું છે, જ્યારે ૩ સભ્યો મ્યાનમારના અને ૧ સભ્ય બાંગ્લાદેશી હોવાની સત્તાવાર વિગતો પ્રાપ્ત થઈ છે. આટલી મોટી સંખ્યામાં વિદેશી નાગરિકો ગુમ થવાને કારણે રાજદ્વારી સ્તરે પણ ચિંતાનું મોજું ફરી વળ્યું છે અને સબંધિત દેશોની એજન્સીઓ પણ ભારતીય તંત્રના સંપર્કમાં છે.
દુર્ઘટના પાછળના ચોક્કસ કારણો હજુ સુધી અસ્પષ્ટ છે, કારણ કે જહાજમાં કોઈ અચાનક સર્જાયેલી ટેકનિકલ ખામી જવાબદાર છે કે પછી અચાનક બદલાયેલું ખરાબ હવામાન, તે અંગે તપાસ ચાલી રહી છે. આંદામાન અને નિકોબાર યુનિટની ટીમો પણ આ બચાવ કામગીરીમાં સક્રિયપણે જોડાઈ ગઈ છે અને જહાજનું ચોક્કસ ભૌગોલિક સ્થાન શોધી કાઢવા માટે અત્યાધુનિક ઉપકરણોની મદદ લેવામાં આવી રહી છે.
દરિયાઈ સુરક્ષાની દૃષ્ટિએ આ અત્યંત ગંભીર ઘટનાએ વેપારી જહાજોની સલામતી સામે ફરી એકવાર મોટા સવાલો ખડા કરી દીધા છે. બચાવી લેવાયેલા બે સભ્યો સિવાયના બાકીના ૨૨ ખલાસીઓનો હજુ સુધી કોઈ પત્તો ન લાગવાથી તેમના પરિવારજનો અને તંત્રની ચિંતા ચરમસીમાએ પહોંચી ગઈ છે.

(12:58 AM IST)