<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 23rd August 2026

કાર્નેનો અમેરિકા પર લાલઘૂમ પ્રહાર: કેનેડા યુએસ સામે સીધા વેપારી 'યુદ્ધ'માં ઉતર્યાની ઘોષણા

અમેરિકી ટેરિફના હુમલા સામે વડા પ્રધાન માર્ક કાર્નેનું આક્રમક સંબોધન, ડ્યુટીના વિરોધમાં વાટાઘાટો અધવચ્ચેથી અટકાવી દીધી

ઓટ્ટાવા: અમેરિકા અને કેનેડા વચ્ચેના રાજદ્વારી અને આર્થિક સંબંધોમાં અત્યાર સુધીનો સૌથી મોટો ભૂકંપ આવ્યો છે, જ્યાં કેનેડાના વડા પ્રધાન માર્ક કાર્નેએ અમેરિકી પ્રમુખ ટ્રમ્પના દંડાત્મક ટેરિફ સામે ખુલ્લેઆમ મોરચો ખોલીને બંને દેશો વચ્ચે આર્થિક યુદ્ધ છેડાઈ ગયાનું સનસનાટીભર્યું નિવેદન આપ્યું છે.

મળતી માહિતી અનુસાર  અમેરિકા દ્વારા કેનેડિયન માલસામાન પર અચાનક તોતિંગ ટેરિફ લાદવામાં આવ્યા બાદ, વોશિંગ્ટનમાં ચાલી રહેલી વેપાર વાટાઘાટોને તાત્કાલિક ધોરણે સ્થગિત કરવાનો આદેશ આપીને વડા પ્રધાન માર્ક કાર્નેએ શનિવારે સવારે દેશજોગ એક શક્તિશાળી સંબોધન કર્યું હતું. કાળા સૂટ અને શ્વેત શર્ટમાં સજ્જ થઈને પોડિયમ પર આવેલા કાર્નેએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે કેનેડા પોતાની સાર્વભૌમત્વ સાથે ક્યારેય સમાધાન નહીં કરે અને અમેરિકા સાથેનો આ વિવાદ હવે સીધા યુદ્ધ સમાન બની ગયો છે.
તેમણે અમેરિકાના પ્રસ્તાવને અત્યંત નુકસાનકારક ગણાવતા જણાવ્યું હતું કે ટ્રમ્પ વહીવટીતંત્રે વાટાઘાટો દરમિયાન અવાસ્તવિક માંગણીઓ મૂકી હતી અને ખૂબ ઓછું પરત આપવાની નીતિ અપનાવી હતી. કાર્નેએ ઉમેર્યું હતું કે, "જ્યારે તમારા પર હુમલો થાય છે ત્યારે તમે યુદ્ધમાં હોવ છો, અને અત્યારે અમારા પર આર્થિક હુમલો થઈ રહ્યો છે." આ ભાષણ દ્વારા તેમણે કેનેડાની જનતાને સ્પષ્ટ સંદેશ આપી દીધો છે કે સરકાર અમેરિકી દાદાગીરી સામે જરાય ઝૂકવાની નથી.
આ કટોકટીના કારણે ઉત્તર અમેરિકાના બંને પડોશી દેશો વચ્ચે લાંબા સમયથી ચાલી આવતી મિત્રતા અને વેપારી કરારો પર ગંભીર પ્રશ્નાર્થ ચિન્હો મુકાઈ ગયા છે. કેનેડિયન વડા પ્રધાને પોતાના સંબોધનમાં એ વાત પર પણ ભાર મૂક્યો હતો કે અમેરિકાના તાજેતરના ટેરિફ પગલાં કેનેડાને તોડવા અને નબળા પાડવા માટે જ રચાયેલા છે, પરંતુ કેનેડિયન પ્રજા આવા દરેક પડકારનો સામનો કરવા માટે હંમેશાં એકજુટ રહી છે.
વૈશ્વિક અર્થવ્યવસ્થા અને બજાર પર આ રાજદ્વારી ટકરાવની ભારે વિપરીત અસરો પડવાની પૂરી સંભાવના છે, કારણ કે વિશ્વની બે મોટી અર્થવ્યવસ્થાઓ આ રીતે આમનેસમને આવી જવાથી સપ્લાય ચેઈન ખોરવાઈ શકે છે. કેનેડા હવે અમેરિકાના આ આક્રમક પગલા સામે ડોલર-બાય-ડોલર હિસાબ ચૂકતે કરવા માટે પોતાના પ્રતિશોધાત્મક ટેરિફનો નવો રાઉન્ડ શરૂ કરવાની તૈયારી કરી ચૂક્યું છે.
આ સમગ્ર ઘટનાક્રમે આંતરરાષ્ટ્રીય રાજકારણમાં નવો તણાવ પેદા કર્યો છે, જ્યાં અમેરિકાની ટેરિફ નીતિ સામે કેનેડાનું આ આક્રમક વલણ આગામી દિવસોમાં મોટા વૈશ્વિક સમીકરણો બદલી નાખવા માટે પૂરતું સાબિત થઈ શકે છે.
કેનેડા અને અમેરિકા વચ્ચે વેપાર ક્ષેત્રે ફાટી નીકળેલો આ ખુલ્લો વિવાદ વૈશ્વિક બજાર માટે એક મોટો ખતરો બનીને ઉભરી આવ્યો છે, ત્યારે આગામી દિવસોમાં આ ટકરાવ કયા નવા વળાંક લે છે તેના પર આખી દુનિયાની નજર મંડાયેલી છે.

(1:00 AM IST)